બજાજ ફાઇનાન્સ, આઇડીઍફસી વગેરે તરફથી લોન, ક્રેડિટ કાર્ડ, વીમા માટે આવતા ફોનના ત્રાસથી ભાગ્યે જ કોઈ ભાગ્યશાળી વ્યક્તિ અલિપ્ત રહી શકી હશે. આ લોકોના ફોન આવે ત્યારે એમના ફોન કૉલની યાદીમાંથી નામ કાઢી નાખવા માટેની વિનંતી તેઓ કાને ધરતા નથી.
અત્યાર સુધી આ લોકોના સેંકડો નંબરો બ્લૉક કરી ચૂક્યો હોઈશ, પણ દર વખતે નવા નવા નંબરો પરથી ફોન અહર્નિશ, અવિરત આવ્યા જ કરે છે.
મને પુરાણના એક રાક્ષસ રક્તબીજની વાર્તા યાદ આવે છે. રક્તબીજને વરદાન હતું કે કોઈ એને મારે અને એના લોહીનાં જેટલાં ટીપાં જમીન પર પડે એટલા જ બીજા રાક્ષસો પેદા થઈ જાય. આ ફોન કૉલ્સનો ત્રાસ વર્તાવતી કંપનીઓના પણ જેટલા નંબરો બ્લૉક કરો એના જેટલા જ બીજા નંબરો પરથી એમના કૉલ્સ આવતા જ રહે. આખી જિંદગી આ લોકોના કૉલ બ્લૉક કરવામાં કાઢી નાખો તો કદાચ મૃત્યુ પછી પણ કેડો ન મૂકે.
હમણાં બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા લોકોને ફોન કરીને અપાતા ત્રાસ વિશે કંપનીના ઍમડી સંજીવ બજાજે બહુ ઉદ્દંડતાથી જવાબ આપતાં કહ્યું હતું કે લોકો ઇચ્છે તો આ કૉલમાંથી Opt Out કરી શકે છે, પણ પછી જ્યારે લોનની જરૂર પડે ત્યારે કૉલ પર વિનંતીનો સ્વીકાર થાય એવી અપેક્ષા રાખવી જોઈએ નહિ!
લો કર લો બાત! મતલબ, જ્યારે જરૂર ન હોય ત્યારે લોનની ઑફરોના ફોન કૉલ્સનો ત્રાસ વેઠ્યા કરવાનો અને એવા ફોન કૉલ્સમાંથી opt out થઈ જાઓ ત્યારે ભવિષ્યમાં લોનની જરૂર વખતે કંપની લોન આપવાની ના પાડી દે એની તૈયારી રાખવાની! લાગે છે કે આ કંપનીના વણજોઈતા કૉલ્સ જો બંધ થઈ જતા હોય તો એની સામે લોન ન મળે એ જરાયે ખોટનો સોદો ન કહેવાય, કારણ કે કંપની તરફથી આવતા ત્રાસદાયક કૉલ્સ બંધ થવાથી જે માનસિક શાંતિ મળે એની કિંમત લોનની ન મળેલી સંભવિત રકમ કરતાં ઘણી વધારે હશે!