Sunday, April 21, 2013

રેન્ડમ વિચારોનાં થોડાં વધુ પડઘમ

લગ્ન પ્રસંગોમાં ફુગ્ગાં લઈને દોડાદોડ કરતાં બાળકોનું દ્રશ્ય બહુ સામાન્ય હોય છે. ફુગ્ગો લઈને દોડતાં બાળક સાથે મસ્તી કરવાના ઈરાદાથી ક્યારેક કોઈક મોટેરાં ટાંકણી કે સળી ઘોંચીને ફુગ્ગો ફોડી નાંખે છે અને બાળકની રમતનો અંત આવે છે. આપણે પણ ઈચ્છા, આકાંક્ષા, તૃષ્ણા, અરમાનના રંગબેરંગી ફુગ્ગાં ભરીને દોડતાં-હરખાતાં બાળકો જેવા જ છીએ ને? ફુગ્ગામાં સમાઈ શકે એનાથી વધારે હવા ભરવાની કોશિશમાં આખું જીવન પસાર થાય છે અને ભગવાનને લાગે કે "બસ, હવે બહુ થયું" ત્યારે ટાંકણી ઘોંચીને ફુગ્ગો ફોડી નાખે છે અને આપણી સાર વિનાની સંસાર-રમતનો અંત આવે છે.


નાનપણમાં રાજા, રાણી, રાજકુમાર, ગરીબ બ્રાહ્મણ, રીંછ, સસલું, વાઘ, હંસ, કાગડો, શિયાળ વગેરે પાત્રો-પ્રાણીઓને સાંકળી લઈને જે મોરલ સ્ટોરીઝ કહેવામાં આવે છે એમાં બાળક માટે બોધપાઠ ગ્રહણ કરવો ગૌણ બની જતો હોય છે અને એને તો વાર્તાના કાલ્પનિક પાત્રોની દુનિયામાં ખોવાઈ જવું અને સ્ટૉરી ટેલિંગની રીતની મજા લેવાનું વધારે ગમતું હોય છે. જ્યારે એ જ બાળક મોટો થઈને પોતાના બાળકને આ વાર્તા કહે ત્યારે કાલ્પનિક પાત્રો અને સ્ટોરી ટૅલિંગ એના માટે ગૌણ બની જાય છે અને વાર્તામાંથી શીખવા મળતો સાર વધારે મહત્વનો બને છે. બધું ડહાપણ જો નાની વયે આવી જતું હોય તો બાળપણ અને ઘડપણમાં શું ફર્ક? એનાથી કદાચ મોટા થવાની અને ઘડાવાની પ્રક્રિયાનો ચાર્મ ઓસરી જાય. આસપાસના સંજોગો અને અનુભવથી ક્રમશ: આવતું શાણપણ શ્રેષ્ઠ છે.


મગજમાં જેનો પિંડ બંધાઈ ચૂક્યો હોય એવા ઘૂમરાયા કરતાં અવ્યક્ત વિચારો અને યોગ્ય સ્ત્રીની કૂખમાં ગોઠવાઈને જન્મ લેવા ઈચ્છતાં અવકાશમાં ઘૂમતાં આત્માઓ વચ્ચે મને ઘણી સામ્યતા લાગે છે. અવ્યક્ત વિચારોને પ્રકટ થવા માટે પ્રકાશક અને અવકાશી આત્માને માનવ શરીરનું ઠોસ માધ્યમ ન મળે ત્યાં સુધી આ બંને સમાજમાં કોઈ સ્પંદનો સર્જી શકતાં નથી. 


ગુસ્સાને હું ઘણેખરે અંશે મગજમાં ઉઠતા વાવાઝોડા-આંધી સાથે સરખાવું છું. આંધી આવે ત્યારે ધૂળની ડમરીને કારણે ચોખ્ખું દ્રશ્ય જોઈ ન શકાય એમ ગુસ્સો આવે ત્યારે આવેશ અને આક્રોશના પડથી ધૂંધળી બનેલી નજરથી પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકાતું નથી. તોફાન શમવાની રાહ જોવી હિતાવહ છે, એમ ગુસ્સો ઓસરી ગયા પછી જ કોઈ પ્રતિક્રિયા આપવી જોઈએ.


ઈર્ષ્યાના ઝેરથી ભરેલાં પૂર્વગ્રહોથી ખદબદતી વ્યક્તિ અને મીઠાઈ પર બણબણ્યા કરતી માખીઓમાં કોઈ ખાસ તાત્વિક ફર્ક નથી. મીઠાઈ મનમોહક દેખાતી હોય તો પણ એની ઉપર "રોગ-પ્રસારક" શક્તિ ધરાવતી માખીઓ બેઠી હોવાને કારણે એ ખાવા માટે યોગ્ય રહેતી નથી, એમ આવી વ્યક્તિ પણ બહારથી ખૂબસૂરત દેખાતી હોય તો પણ મગજમાં પૂર્વગ્રહોનું ભૂસું ભરાયેલું હોવાને કારણે એ સોબત માટે યોગ્ય નથી. માખીએ મીઠાઈ પર છોડેલાં વિષાણુઓ અને મગજમાં ભરેલાં પૂર્વગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી, એ માટે સૂક્ષ્મ સંવેદનાની માઈક્રોસ્કોપિક દ્રષ્ટિ હોવી જરૂરી છે.

No comments:

Post a Comment