Monday, June 3, 2013

વાળ કપાવતાં આવેલા વિચારોનો જુવાળ

દર એકાદ-બે મહિને લાઈટ બિલ કે ફોન બિલ નિયમિત ભરતાં રહેવાનું હોય છે, એમ લઘરવઘર દેખાવમાં લાલિત્ય લાવવા માટે સમયે સમયે વાળ કપાવતા રહેવું પડે છે. ભીખ માંગીને જીવવાનો વ્યવસાય હોય એણે દેખાવમાં કરુણતા લાવવા માટે વાળ શક્ય તેટલા અસ્તવ્યસ્ત હોય એનું ધ્યાન રાખવાનું હોય છે, પણ એ સિવાયના સામાન્ય સંસારીઓને આવો પ્રમાદ પોસાતો નથી. 

માનવશરીર બનાવનાર ભગવાન બહુ સમજદાર છે એટલે જ ચામડીનું રક્ષણ કરતાં વાળને કાતરથી કાપીએ ત્યારે કોઈ વેદના થતી નથી, કારણ કે મગજને વેદના-સંવેદનાનાં સિગ્નલ્સ મોકલતાં નર્વ એન્ડિંગ્ઝ (Nerve Endings) વાળમાં હોતા નથી. વિચારો કે શરીરના અન્ય અંગોની વાઢકાપ કરવામાં આવે ત્યારે જે દુ:ખાવો થાય છે એવો જ દુ:ખાવો વાળ કાપતી વખતે થતો હોત તો? હેરકટિંગ સલૂનમાં વાળંદે એનેસ્થેશિયા આપવા માટે એનેસ્થેસિસ્ટને પોતાના હૅલ્પર તરીકે રાખવા પડતા હોત ! જેમ મેડિકલ સ્ટોર - ફાર્માસ્યુટિકલ કંપની અને ડૉક્ટર વચ્ચે સાંઠગાંઠ હોય એમ ડૉક્ટર-વાળંદ-એનેસ્થેસિસ્ટનું વ્યાવસાયિક ગઠબંધન જોવા મળતું હોત ! પણ અગાઉ કહ્યું એમ ભગવાને સમજી વિચારીને શરીર રચના આપી છે એટલે વાળ કપાવતી વખતે વાળ પણ વાંકો થતો નથી. માત્ર, હેર-વીવિંગ, હેર ટ્રાન્સપ્લાંટ જેવી વિધિઓ કરાવવા માટે કે વાળ વિષયક અન્ય સમસ્યાઓ માટે ક્લિનિકની મુલાકાતો લેવી પડે છે.

અલગ અલગ પ્રકારનાં હેર કટિંગ સલૂનમાં જવાનું બન્યું છે. એક સલૂન એવું હતું જેની દીવાલો પર લૂણો લાગ્યો હોય અને ગરોળીઓ ફરતી હોય ત્યારે પાટલી પર બેસીને વારો આવવાની રાહ જોતાં મારો જીવ તાળવે ચોંટતો હતો. ગમે તે ગરોળી માથા પર પડશે એ ડરથી પાટલી પર રાખેલાં ઢગલાબંધ ફિલ્મ મેગેઝિન્સમાં હિરોઈનોની તસ્વીરો જોવાનો ચાર્મ એ વખતે ચૂકી જવાય.

હવે થોડાંઘણાં અરસાથી એવા સલૂનમાં વાળ કપાવવા જઉં છું જે અનેક સૌંદર્ય પ્રસાધનો, ઉપકરણો અને સગવડોથી સુસજ્જ છે. આવા સલૂનનાં વાળંદ માટે બાર્બર કે હેરડ્રેસર કે હેરસ્ટાઈલિસ્ટ જેવા માનભર્યાં અંગ્રેજી શબ્દો વાપરવાનો રિવાજ હોય છે. અહીં વાળ કાપતાં પહેલાં જ્યારે બાર્બર શેમ્પૂ કર્યા પછી મારા વાળ બર્બરતાથી વિખેરી નાંખે છે ત્યારે અરીસામાં મારો દેખાવ જોઈને થોડી ક્ષણો માટે મને શ્રી સત્ય સાંઈબાબા અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન કુરેશી જેવી મહાન વિભૂતિઓની પંગતમાં બેઠા હોવાની અલૌકિક અનુભૂતિ થાય છે.


શરીરનાં વાળ આકાશના તારાની જેમ ગણી ન શકાય એટલા અગણિત છે, પરંતુ વાળ સાથે સંબંધિત રૂઢિપ્રયોગો શોધી જોયા તો આંગળીના વેઢે ગણાય એટલાં જ પ્રયોગો જોવા મળ્યાં. મહામહિમોપાધ્યાય કેશવરામ શાસ્ત્રીના બૃહદ ગુજરાતી જોડણી કોશમાં વાળની એન્ટ્રી પર નજર કરતાં બે રૂઢિપ્રયોગો અને મોવાળો શબ્દ સામે એક રૂઢિપ્રયોગ જોવા મળ્યો : 

(1) વાળ ન તૂટવો/ વાળ ન વાંકો થવો = જરા પણ ઈજા ન થવી. 
(2) વાળ વડા કરાવવા =  બાળકના બાળ-મોવાળા ઉતારવાનો માંગલિક વિધિ કરવો.
(3) મોવાળો ચીરવો = ચોખ્ખો અદલ ન્યાય આપવો.

શબ્દનો અર્થ ન સમજાય ત્યારે એ અર્થનો બીજો શબ્દાર્થ જોવા માટે ડિક્શનરી ફંફોસવી પડે એવું English to English ડિક્શનરીમાં ઘણી વખત મારી સાથે થતું હોય છે. બાળ-મોવાળાનો અર્થ જોવા માટે પાના ફેરવ્યાં તો અર્થ મળ્યો : નાના બાળકના એક પણ વાર કાપ્યા ન હોય તેવા વાળ (માંગલિક વિધિથી એ ઉતારવામાં આવે છે).

વાળઝૂડ નામનો પણ એક શબ્દ છે જેનો અર્થ થાય છે વાળીચોળીને સાફ કરવું. સ્ત્રીઓને વાળ ખરવાની સમસ્યા ઘણી હોય છે અને સ્ત્રીએ વાળ ઓળી લીધા પછી બેસિનમાં કે આસપાસ ફર્શ પર વાળનું ગૂંચળું પડ્યું હોય એ દ્રશ્ય સામાન્ય હોય છે. (સ્નાન વખતે બાથરૂમની દીવાલ પર બિંદી ચોંટાડેલી રહી ગઈ હોય છે એમ જ!). મને લાગે છે કે જમીન પર એકપણ વાળ ન રહે તે રીતે ચોકસાઈથી ઝાડુ મારીને સફાઈ કરવામાં આવે તેના પરથી જ વાળઝૂડ શબ્દ આવ્યો હશે. કુદરતમાં પાનખરની સીઝનમાં પાંદડાં ખરે એમ જે લોકોને વાળ ખરવાની તીવ્ર સમસ્યા હોય એ લોકો માટે વાળખર જેવો શબ્દ બનાવી શકાય?

1 comment:

  1. મજા આવી વાંચીને. :)

    ReplyDelete