Monday, August 12, 2013

ઝલકની અકલ્પ્ય વિદાય અને મૃત્યુના આઘાતની એક ઝલક

છેલ્લાં દસેક વર્ષમાં ઘણાં સ્વજનોનાં મૃત્યુ થયાં, એમાંથી એકાદ અપવાદને બાદ કરતાં કોઈનું મૃત્યુ મને રડાવી શક્યું નથી. રોજેરોજ જેમને મળતાં હોઈએ, આપણી આસપાસ વસતાં હોય એની સાથે વૈચારિક દૂરી હોવાને કારણે આત્મીયતા ઓછી હોઈ શકે. બીજી તરફ, જેની સાથે ભૌગોલિક અંતર વધારે હોય પણ વૈચારિક રીતે આત્મીયતા અનુભવાતી હોય એ દૂર હોવા છતાં આપ્તજન જેવું લાગે એમ બનતું હોય છે. મારા ફેસબુક લિસ્ટમાં સામેલ આવી જ એક માસૂમ દોસ્તનાં કમળાની બિમારીથી 10 ઑગસ્ટનાં રોજ અકાળે અવસાનનાં આઘાતજનક સમાચારથી આંખો છલકાયા વિના ન રહી શકી.

ઝલક પાઠક એનું નામ. ઉંમરનો ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ 22થી 24 વર્ષની આસપાસ હોઈ શકે. ઉત્સાહ, ઉમંગ અને ઊર્જાનાં ત્રિવેણીસંગમ જેવું વ્યક્તિત્વ. ફેસબુકનો એક લાડીલો અને લોકપ્રિય ચહેરો. વાંચનપ્રેમી અને વિચારશીલ જીવ. જય વસાવડા અને અશ્વિની ભટ્ટ સહિતનાં ઘણાં એનાં પ્રિય લેખકો. ફિલ્મો જોવાની શોખીન. હમખયાલ અને હમશૌકીન મિત્રો સાથે જોયેલી દરેક ફિલ્મ અંગે ફેસબુક પર નિયમિત અપડેટ મૂકે અને પોતાનું વિશ્લેષણ રજૂ કરીને નિખાલસ અભિપ્રાયો વ્યક્ત કરી જાણે. ઉંમર સહજ તોફાન, મસ્તી, નિર્દોષતા છતાં વ્યક્તિત્વમાં ક્યાંય આછકલાઈ કે આડંબર જોવા ન મળે. શરમાળ કે વાચાળ એવી કોઈપણ વ્યક્તિને જલ્દીથી એની સાથે ગોઠી જાય એવું માયાળુ વ્યક્તિત્વ. સર્જનાત્મકતા અને સંવેદનશીલતાનો એનામાં સુંદર સમન્વય થયો હતો. 

માર્ચ-એપ્રિલ 2013નાં મહિનાઓ દરમિયાન મેં મારી ફેસબુક પ્રોફાઈલ ડિઍક્ટિવેટ જ નહીં પરંતુ ડિલીટ પણ કરી નાંખી હતી. મે મહિનામાં હું ફરીથી સક્રિય થયો ત્યારે તરત મારી હાજરીની નોંધ લઈને એણે સામે ચાલીને ફરીથી મિત્ર બનવા માટે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ફેસબુક પર ઘણી વખત મિનિટો સુધી લાઈક કે કમેન્ટ વિનાં રેઢાં પડી રહેલાં સ્ટેટસ અપડેટ્સ પર પહેલી લાઈક ઝલકની આવતી ત્યારે મારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો. મારા દીકરા ફલકનો જન્મ થયો ત્યારે ઝલકની સાથે ઉચ્ચારમાં મળતું આવતું નામ વાંચીને એણે પોતાના નામની જોડણી ZaLuckની જેમ FaLuck લખીને શુભેચ્છાઓ પાઠવી હતી એ ભૂલાશે નહીં. :)



એના અવસાનનાં સમાચાર સાથે જ ફેસબુક પર મિત્રો, સ્વજનોના શોક સંદેશાઓ સ્ટેટસ અપડેટ્સ અને કમેન્ટ્સમાં જોઈને ગ્લાનિ થવી સ્વાભાવિક છે કે આટલી નાની ઉંમરે કેટલાંય લોકોની લાડકી છોકરીની જીવનલીલા સંકેલાઈ જાય એની પાછળ કુદરતના કયા ક્રૂર સમીકરણો કામ કરતાં હશે? એને ગુમાવનાર કુટુંબીજનો અને થોડાં સમય પહેલાં જ જેની સાથે એની સગાઈ થઈ હતી એ યુવકને લાગેલા આઘાતની કલ્પના જ કરવી રહી.

ત્રણેક મહિના અગાઉ ફેસબુક પર ઝલકે લખેલી "શંકા" શીર્ષક હેઠળની કવિતા સાથે એને ભાવભીની વિદાય:


જ્યારે પણ તેં દીપ પ્રગટાવ્યા
દુર થયા છે કાળા અંધારા
તો પછી કેમ મનમાં શંકા તારા

ધીરજ ખોઇ નાંખે પોતે જ
ને ક્રોધ કે આમ કેમ થાય છે
નિયતી ઝપટે એના પર જ
જે શ્રધ્ધાથી એક ટેક ચાલે રે
તો પછી કેમ મનમાં શંકા તારા

વીર પરાજીત થઇ શકે છે
નથી છોડતા આશા જય ની
થાકીને આજે ડુબ્યો છે સૂરજ
તેજયુક્ત થઇ ઉગશે ફરી
તો પછી કેમ મનમાં શંકા તારા

માન જૂઠ અપમાન જૂઠ છે
જીવનનું અભિમાન જૂઠ છે
ઇચ્છાઓ ની પ્રત્યંચા પર
માયાઓ પ્રેરીત તીર છે
તો પછી કેમ મનમાં શંકા તારા

(ઝલક પાઠક)

3 comments:

  1. નેહલભાઈ, આંખો ફરીથી ભીંજાઈ ગઈ.... :(

    ઝલક માટે શ્રધાંજલિ અમે ભેલપૂરી.કોમ ઉપર પણ આપી છે, વર્ચ્યુઅલ વર્લ્ડ ને રડાવનાર કદાચ આ પહેલી વર્ચ્યુઅલ ફ્રેન્ડ હશે..... :(

    ReplyDelete