આખરે મગનું નામ મરી પાડવામાં આવ્યું છે. ઘીના ઠામમાં ઘી પડ્યું છે. હકીકતોના હલેસાં વડે અનિશ્ચિતતાઓ અને અફવાઓના સાગરને પાર કરીને ભાજપની નૈયા એક નિશ્ચિત જમીની લક્ષ્યાંકનાં તટ સુધી સફળતાપૂર્વક પહોંચી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક સત્તાવાર જાહેરાત આજે પક્ષ પ્રમુખ રાજનાથ સિંહે કરતાંની સાથે જ લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે પરંતુ મોદીના પ્રભાવથી આતંકિત થઈ ગયેલાં વિરોધીઓની રોકકળનો અંત જલદી આવે એમ લાગતું નથી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બાદ કરતાં એનડીએના બધાં ઘટક પક્ષોની સાથે સંમતિ સાધીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની રાજનાથ સિંહે જાહેરાત કરી છે. લાલકૃષ્ણ અડવાણીને મનાવવા કરતાં રિસાયેલી પ્રેમિકાને રિઝવવાનું કામ વધારે સરળ છે અને ઓછું પડકારજનક છે. રાજ્ય કક્ષાએ કેશુભાઈ પટેલનો નરેન્દ્ર મોદી સામેનો વિરોધ અને અણગમો જાણીતાં છે. એ જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ અડવાણીનો મોદી સામેનો વિરોધ અને અણગમો કોઈનાથી અજાણ્યાં નથી. આ હિસાબે અડવાણીને રાષ્ટ્રીય સ્તરના અસંતુષ્ટ કેશુભાઈ પટેલ કહી શકાય. એમણે ભાજપના પ્રમુખ રાજનાથ સિંહને પોતાની વ્યથા ઠાલવતાં લખેલાં પત્રોનું હવે સરસ કલેક્શન કરીને એક પુસ્તક બહાર પાડી શકાય. એનડીટીવી ઈન્ડિયા ચેનલનાં કાર્યક્રમ "રવિશ કી રિપોર્ટ"માં રવિશ કુમારે એક સરસ અવલોકન રજૂ કર્યું હતું કે વડાપ્રધાન બનવા ઈચ્છતાં દરેક સરદારની આડે કોઈકને કોઈક નેહરુ આવી જ જાય છે. અગાઉ 1996માં અને ત્યારબાદ 1998થી 2004 સુધી ત્રણ વખત વડાપ્રધાનપદે અટલબિહારી વાજપેયીની તાજપોશી થતાં અડવાણીની મનની મુરાદ મનમાં રહી ગઈ. મારા મતે 90નાં દાયકામાં પ્રથમ વખત અડવાણીએ કાઢેલી રથયાત્રા વખતનો જે સમય હતો એ અડવાણી માટે વડાપ્રધાન બનવાની એકમાત્ર આછીપાતળી તક પૂરી પાડતો સાનુકૂળ સમય હતો. હવે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીના નામની સત્તાવાર જાહેરાત થયા બાદ અડવાણી પાસે સંન્યસ્તાશ્રમનો અનિચ્છાએ પણ ફરજિયાત સ્વીકાર કર્યા વિના કોઈ આરો નથી. સંસદની લાયબ્રેરીનો સર્વાધિક ઉપયોગ કરનારા સાંસદોમાં મોખરે રહેલાં અડવાણી પાસે હવે સર્વપલ્લી રાધાકૃષ્ણનની જેમ રાજકીય સંન્યાસ બાદ રાજકારણથી અલિપ્ત થઈને વાચનની મનગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવવાનો ગરિમાપૂર્ણ વિકલ્પ બાકી છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાનપદે આરૂઢ થાય તો એમનાં 13 વર્ષનાં મુખ્યમંત્રીપદના કાર્યકાળનો અંત આવશે. સાથે સાથે લાલકૃષ્ણ અડવાણીના PM-in-waitingનાં લટકતાં ગાજર જેવા કાલ્પનિક પદનાં 10 વર્ષનાં ખયાલી પુલાવ જેવા કાર્યકાળનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે.
400થી વધુ લોકસભા બેઠકોનો ઊંડો અભ્યાસ કરનારા નરેન્દ્ર મોદી ભાજપને જીતાડવા માટે મહેનત કરવામાં કંઈપણ કચાશ બાકી ન રાખવાનું આહવાન કરે તો એ આહવાનની સત્યાર્થતા સામે આશંકા સેવવાનું કોઈ કારણ દેખાતું નથી. પ્રાદેશિક ઓળખ નહીં પરંતુ ચૂંટણી લડવા માટે પસંદ કરાતી લોકસભા બેઠકની દ્રષ્ટિએ જોઈએ તો 1964 અને 1966માં બે વખત તેર-તેર દિવસનાં અલ્પજીવી સમય માટે વડાપ્રધાનપદ ભોગવી ચૂકેલા સાબરકાંઠાનાં સાંસદ ગુલઝારીલાલ નંદાને ગુજરાતમાંથી મળેલાં પ્રથમ વડાપ્રધાન ગણાવી શકાય. ત્યારબાદ, 1977થી 1979 દરમિયાન વડાપ્રધાનપદે રહેલાં અને ચૌધરી ચરણસિંહની દગાબાજીને કારણે પદ ગુમાવનાર મોરારજી દેસાઈ પછી 35 વર્ષ સુધી ભારતને કોઈ ગુજરાતી વડાપ્રધાન જોવા મળ્યાં નથી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થાય તો 35 વર્ષ પછી ભારતને એક ગુજરાતી વડાપ્રધાન મળશે.
છેલ્લે, ચંદ્રકાંત બક્ષીના પુસ્તક "ઇતિહાસ, ભાગ-1"માંથી ગાંધીજીનું એક વાક્ય નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની દાવેદારીની સફળતાની સંભાવનાઓને લક્ષમાં રાખીને ટાંકું છું :
"સપ્ટેમ્બર 1919માં ગાંધીજીએ 'નવજીવન' શરૂ કર્યું ત્યારે 'અમારો ઉદ્દેશ' નામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એક લીટી આ પ્રમાણે હતી : '...જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું.'
ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!
No comments:
Post a Comment