રવિવાર તા: 21 સપ્ટેમ્બર, 2014ના રોજ ગુજરાત સમાચારમાં જય વસાવડાની સ્પેક્ટ્રોમીટર કૉલમનો ઓપનિંગ પેરેગ્રાફ (ઊઘડતો ફકરો અથવા પ્રારંભિક પરિચ્છેદ) આ પ્રકારે હતો: "એમનું નામ હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા એ કવિને વાંચનનો અનહદ શોખ. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, પોલિશ અને જર્મન ભાષા પર પ્રભુત્વ. પૂર્વ-પશ્ચિમના ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને દર્શનનું આજીવન પઠન જ તેમના જીવનનો હેતુ. ગ્રીક દંતકથાઓથી લઇ ભારતીય દાર્શનિકો પર ઉત્તમ કાવ્યો લખી, વિદ્વાનોની કાયમી સંગત મેળવનાર જીવ અને ૧૮ મે, ૧૯૫૦ના રોજ આવા પ્રકાંડ અભ્યાસુએ ૪૪ વર્ષની જ ઉંમરે આત્મહત્યા કરી!"
ઉપરના ફકરામાં ભૂલ એ છે કે હરિશ્ચંદ્ર ભટ્ટને એમણે આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા ગણાવ્યા છે. આ સદી એકવીસમી સદી છે. એકવીસમી સદીના પ્રારંભકાળે એટલે કે 2001માં પેદા થયા હોય તો એમની ઉંમર અત્યારે માંડ 14 વર્ષ હોય. વાસ્તવમાં એ ગઈ સદીમાં એટલે કે 20મી સદીમાં પેદા થયા હતાં. જન્મ તારીખ: 6-12-1906 અને મૃત્યુ તારીખ: 18-5-1950. ખેર, જયભાઈએ હરિશ્ચંદ્ર ભટ્ટને યાદ કર્યા એ નિમિત્તે ચંદ્રકાન્ત શેઠ સંપાદિત અમર ગીતો પુસ્તકમાંથી આપણે એમની એક રચના માણીએ જેનું શીર્ષક 'સીમાડા' છે:
હૈયાના બારણાની ભોગળો ભેદવી,
ઉંબર સીમાડો ઓળંગવો જી.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
ચોક ને ચૌટામાં ભમવું જી.
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે
ગામના સીમાડા એ છોડવા જી.
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
ઊંડાં તે વનમાં ચાલવું જી.
વનના સીમાડા એ છોડવા છે મારે
રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને
સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને
ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા એ છોડવા છે મારે
ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
એને આપું ભવોભવની પ્રીતડી જી.
No comments:
Post a Comment