છેલ્લે કોઈ કળાકૃતિમાંથી પસાર થયા બાદ ધ્રુસકે ને ધ્રુસકે રડવાનું બન્યું હોય એ ફિલ્મ "પાનસિંહ તોમર" હતી. ઘણાં સમય બાદ આ જ અનુભૂતિ ચેતન ભગતની લેટેસ્ટ નવલકથા "હાફ ગર્લફ્રેન્ડ"માંથી પસાર થતાં થઈ. આપણે ત્યાં અર્ધાંગિનીનો કન્સેપ્ટ છે પણ હાફ ગર્લફ્રેન્ડનો નવતર કન્સેપ્ટ ચેતન ભગત પહેલી વાર લાવ્યા છે. પૂરી ગર્લફ્રેંન્ડ મેળવતાં ઘણાંને "હાંફ" ચડી જાય છે. અહીં હાફની વાત છે. હાફ ગર્લફ્રેન્ડ એટલે પૂરેપૂરા કમિટમેન્ટ વિના, અધકચરા દિલથી, કોઈ સ્યૉરિટી વિના અનિશ્ચિતતા અને મૂંઝવણ વચ્ચે ઝોલા ખાતી અને ખવડાવતી ગર્લફ્રેન્ડ એવો અર્થ કરી શકાય. ટાઈટલ પહેલી નજરે જેટલું ચીપ લાગેલું એનાથી અનેકગણું ઊંડાણ વાર્તામાંથી પસાર થતાં અનુભવાયું. શુક્રવારે સવારે શરૂ કરેલી નવલકથા આજે શનિવારે મોડી રાત્રે પૂરી કરી. બક્ષી કહેતા કે વાચક બોરીવલીથી મોંમાં પાન મૂકીને ટ્રેનમાં નૉવેલ શરૂ કરે અને ચર્ચગેટ ઉપર નૉવેલ પૂરી થાય ત્યારે પાન પૂરું થાય તેને 'નૉવેલ' કહેવાય ! જો કે, ચેતન ભગતની નૉવેલ એટલી ઝડપથી પૂરી થઈ શકે એમ ન હોઈ પાનનાં એકથી વધારે બીડાં સ્ટૉકમાં હાજર રાખવા પડે અને પછી નૉવેલ પૂરી કરવાનું બીડું ઝડપવું પડે !
નવલકથામાં સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અલગ અલગ વિષય છતાં બાસ્કેટબૉલની કૉમન રૂચિને કારણે પરિચયમાં આવતા છોકરા છોકરી મને 'કુછ કુછ હોતા હૈ'ના રાહુલ-અંજલિની યાદ અપાવે છે તો બિહારના એક ગ્રામીણ વિસ્તારમાં જેને રિનોવેશનની તાતી જરૂરિયાત છે એવી એક શાળા માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મળનારા સંભવિત અનુદાનની આશાએ નવલકથાનો નાયક બિલ ગેટ્સની હાજરીમાં જે સ્પીચ આપે છે એ 'બિલ્લૂ' ફિલ્મમાં એક શાળામાં શાહરૂખની ભાવુક કરી દેતી સ્પીચની યાદ અપાવે છે. અંગ્રેજી બહુ ખાસ ન આવડતું હોવાને કારણે અસલામતી અનુભવતાં બિહારી છોકરા સાથે આપણા ગુજરાતનાં ઘણાંખરાં છોકરાઓ તાદાત્મ્ય અનુભવી શકશે.
અમિતાવ ઘોષ અને સલમાન રશદી જેવા લેખકોની કક્ષાએ ભલે ચેતન ભગતની નવલકથાઓને મૂકવામાં ન આવે પણ અત્યાર સુધી એની તમામ છ નવલકથામાંથી પસાર થતાં એની બધી કૃતિઓમાંથી સ્ત્રીના આંતરમનમાં ડોકિયું કરીને લખાયેલાં વેધક, માર્મિક અવલોકનો આબાદ ઝીલાયા હોય એવું લાગે છે. આ નવલકથા પણ એમાંથી અપવાદ નથી. નિરાશાજનક અને કરૂણ પ્રસંગોમાં પણ હ્યુમરનો અંડરકરંટ ઠેકઠેકાણે વહે છે. અગાઉ લખ્યું એમ આ બધી નવલકથાઓમાંથી સ્ત્રીના માનસ વિશેના ક્વોટ્સ અલગ તારવીને એક અલગ સંપાદન કરવામાં આવે તો "અન્ડરસ્ટેન્ડિંગ વુમન" જેવો કાલ્પનિક મહાદળદાર અને આખેઆખી લાયબ્રેરી રોકી શકે એવો ગ્રંથ લખવાની જરૂરિયાત ટળી જાય અને સ્ત્રીના વિકટ અને જટિલ મનને સમજવા માટે ચેતન ભગતના ક્વોટ્સનું આ સંપાદન એક પથદર્શકની ગરજ સારે.
નવલકથામાં કેટલાં અદભુત અવલોકનો વેરાયેલાં પડ્યાં છે એ જોવા માટે થોડાં નમૂના કાફી થઈ રહેશે:
- છોકરી તમને એના લગ્નનું કાર્ડ આપે એ મોટા અક્ષરે વિડિયો ગેમમાં ઝબૂકતી "ગેમ ઓવર"ની સાઈન જેવું લાગે છે.
- ગર્લફ્રેન્ડ જીવનમાં આવતી જતી રહે છે પરંતુ મા ક્યારેય એના પુત્ર સાથે બ્રેક-અપ કરતી નથી એ સારું છે. (ગર્લફ્રેન્ડ કુ-ગર્લફ્રેન્ડ થાય પણ માવતર કમાવતર ન થાય! :P)
- છોકરીનો પરસેવો પણ પરફ્યુમ જેવો હોય છે. (બેફામનો એક શેર યાદ આવ્યો: એના ઘરનાં ફૂલો તો શું?/ એના ઘરનું ઘાસ પણ સુગંધી!)
- છોકરીનો પરસેવો પણ પરફ્યુમ જેવો હોય છે. (બેફામનો એક શેર યાદ આવ્યો: એના ઘરનાં ફૂલો તો શું?/ એના ઘરનું ઘાસ પણ સુગંધી!)
બ્રેક અપ કરનાર છોકરીના અવાજની ઠંડી ઉદાસીનતાની દિલ્હીની ધુમ્મસવાળી રાતની ઠંડી સાથે અદભુત સરખામણી કરવામાં આવી છે.
પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટીલાં-ટપકાં કરીને ભગત ચોક્કસ બની શકાય, પણ વાચકોને પ્રેમની દાસ્તાન કહીને જકડી રાખતાં ચેતન ભગત બનવા માટે અંગ્રેજી પરનો કમાંડ હોવો જ પૂરતો નથી, એ માટે આસપાસના વાતાવરણમાંથી અનુભૂતિને સૂક્ષ્મતાથી ઝીલતાં દિલ-દિમાગનાં 'કમાડ' પણ ખુલ્લાં રાખવા એટલા જ જરૂરી છે. બહુ જ જૂજ જગ્યાઓએ આવતાં બે-ચાર હિન્દી/ભોજપુરી શબ્દ-વાક્યપ્રયોગો કૃતિમાં આડખીલી બનવાને બદલે સળંગ કથારસ સાથે એકરસ થઈને કૃતિને ઉપકારક નીવડે છે. બાકી તો, લેખક-વાચક રાજી તો ક્યા કરેગા વિવેચક કાજી?
ચેતન ભગત'ની નોવેલ્સ'ની હર હંમેશ રાહ હોય છે , પણ આખરી નોવેલ થોડીક ઊણી ઉતરી હોય તેવું લાગેલું [ મારા અંગત અને પવિત્ર મત મુજબ ;) ] અને આ સમયે'નું ટાઈટલ જોતા આપની જેમ જ ચીપ લાગેલું ! પણ ચાલો , અમે ઉંબરે ઉભી સાંભળું બોલ બાલમ'નાં સ્વરૂપે આપની પ્રતિક્રિયા જાણી લીધી એટલે થોડી રાહત થઇ :)
ReplyDeleteઆપણે ગુજરાતી સાહિત્ય'માં કેમ હરેક'ને કઈક ને કઈક ઉપનામ આપેલું હોય છે ; જેમ કે કાવ્ય'નાં પિતા , સોનેટ'નાં પિતા , અર્વાચીન નાટક'નાં પિતા . . . તેમ ચેતન ભગત અ'ચેતન મન'નાં પિતા હોય તેવું લાગે છે [ તેટલી હદે તેઓ અસામાન્ય કક્ષાના અદભુત સામાન્ય અવલોકનો પકડી લાવે છે ; જાણે કે આપણે આપણી સાથે જ મનોમન સંવાદ રચતા હોઈએ ]
Agree ! રિવોલ્યુશન 2020 એ સારી શરૂઆત બાદ ટાર્ગેટ ચેઝ કરવામાં અચાનક પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ જતી ઈન્ડિયન ટીમની બેટિંગ લાઈન અપ જેવી રહી હતી. થ્રી મિસ્ટેક્સ અન્ય ત્રણ નવલો કરતાં પ્રમાણમાં ઓછી સશક્ત છતાં 2020 કરતાં તો સારી જ!
Deleteહકીકતે ચેતન ભગત'નાં ભાવ'વિશ્વ'માં મારે ' 3 મિસ્ટેક'સ 'થી જ પ્રવેશવાનું થયું હતું અને રોજબરોજ'નાં એક સામાન્ય જગત અને મનોમંથન પરની તેમની પક્કડ જોઇને ખુશ થઇ જવાયું હતું અને ત્યારબાદ ' વન નાઈટ . . . ' અને ત્યારબાદ તેમની માસ્ટરપીસ ' ફાઈવ પોઈન્ટ . . ' વાંચવાનું બન્યું હતું !! [ મતલબ કે હું સામા પ્રવાહે તરનારો વાંચક છું ;) ઉંધે'થી એકડો ઘૂંટનારો ! ]
Delete