આખી ફિલ્મમાં આમીર પોતાનું એલિયનત્વ (કે એલિયનપણું/એલિયનતા?) અકબંધ જાળવી શક્યો છે એ ગમ્યું. માણસો સાથે ડાન્સિંગ સ્ટૅપ્સ લેતી વખતે પણ એ એનું એલિયનસહજ અકડાપણું બરકરાર રાખે છે. "હું, એલિયન, એલિયન થાઉં તો ઘણું!" એ કાવ્યપંક્તિને સાર્થક કરે એટલો સરસ અભિનય કર્યો છે. શાહરુખની "માય નેમ ઈઝ ખાન"માં ઘણાં દ્રશ્યોમાં પાત્ર પરની પકડ છૂટી જતાં શાહરૂખિયત ઉપસી આવી હતી એ ભૂલ અહીં આમીરે કરી નથી.
અનુષ્કા ક્યુટ લાગે છે. એની હાજરીને કારણે વિરાટે અમુક મૅચોમાં મીંડા મૂકાવેલા એવા ક્રૂર આરોપોને નકારવાનું મન થાય એટલી બધી વ્હાલી લાગે છે. કોઈકે એના બૉયકટ જર્નાલિસ્ટિક લૂકને લીધે બરખા દત્ત સાથે ક્રૂર સરખામણી કરી હતી, પણ મને એ અસલી કાશ્મીરી પંડિતની ખૂબસૂરતી ધરાવતી નિધિ રાઝદાન જેવી વધારે લાગી. એને બરખા દત્ત સાથે સરખાવનારના દ્રષ્ટિકોણનો વી, ધ પીપલ ઑફ ઈન્ડિયાએ બૉયકૉટ કરવો જોઈએ. ફિલ્મમાં પચાવવી અઘરી લાગે એવી એક વાત ખરી કે હરિવંશરાય બચ્ચનના ફૅન અને પોતે પણ મૌલિક ગઝલ લખી જાણતો સુશાંત સિંઘ રાજપૂત જ્યારે તીવ્ર ત્વરાથી અનુષ્કાને પોતાના પ્રેમપાશમાં બાંધી લે છે ત્યારે મારા જેવા ઘણાં ભાવકોના અંતરમાં સાઈલેન્ટ ડૂસ્કાં નીકળે કે, "સાલું, આપણને બેફામ, ઘાયલ, ગની, મરીઝ, પ્લૅન્ટી ઑફ પાલનપુરીઝ સહિત કેટલાંય આધુનિક, અનુઆધુનિક શાયરોના શેર મોઢે છે તો આપણે કેમ કોઇ છોકરી સાથે આટલો જલદી સુમેળ સાધી શકતા નથી?" બની શકે કે કે સુશાંતે અનુષ્કાને સંભળાવેલો શેર "ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા" છંદમાં નિબદ્ધ હોય એટલે અનુષ્કાએ વધારે ચકાસણી કર્યા વિના ગાલ અને હોઠ ધરી દીધાં હોય !
એક દ્રશ્યમાં ભગવાનની ઘણી મૂર્તિઓ આગળ ગળગળા સાદે આમીર વિવિધ ધર્મોની પરસ્પર "કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી" ટાઈપની વિરોધાભાસી વાતો વિશે સાચી મૂંઝવણભરેલી ફરિયાદ કરે છે ત્યારે મૂંગી નિર્જીવ મૂર્તિઓની નિસહાયતા આખા સિનેમા હૉલમાં ફરી વળતી હોય એવું લાગે છે. પૃથ્વી પરના ટ્રાફિક કે પક્ષીઓના કલરવને બદલે બધી કૅસેટોમાં અનુષ્કાના અવાજના રેકર્ડિંગવાળું સ્તબ્ધ કરી દેતું દ્રશ્ય હોય કે વૃદ્ધ પત્નીને પાર્ટી આપવા માટે ખોટું બહાનું કાઢીને પૈસા સેરવી જતાં સિનિયર સિટિઝનના હાથે જાણી જોઈને છેતરાવાનું દ્રશ્ય હોય, પીકે વર્ષના અંતે આવેલી સુંદર ફિલ્મ છે.
આ ફિલ્મ જોઈને જ્વલનશીલ પૃષ્ઠભાગ ધરાવતાં અમુક મહાબળેશ્વરોને ચચરાટ થઈ રહ્યો છે કે આમાં બીજા ધર્મોની નબળાઈઓનો અછડતો ઉલ્લેખ છે, જ્યારે હિન્દુ ધર્મ પર વધારે પ્રહારો કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે દિગ્દર્શક જે ધર્મનો હોય એ ધર્મની ખામીઓથી એ સુપેરે પરિચિત હોય અને એને સારી રીતે પરદા પર રજૂ કરી શકે. બાકીના બીજા બધા ધર્મના દિગ્દર્શકોએ પોતપોતાના ધર્મોની ખામીઓ ઉઘાડી પાડતી ફિલ્મો બનાવવાનું બીડું ઝડપી લેવું જોઈએ. આયાતોલ્લાહ ખોમૈની અને પ્રવીણ તોગડિયાને એકસરખા પ્રમાણમાં નારાજ કરી શકે એવી સંતુલિત સૅક્યુલર સર્જનાત્મકતા કંઈ બધાની પાસે થોડી હોય? બાકી તો ફિલ્મની ટીકા કરતાં અમુક પેશેવર (પેશાવર નહિં યાર!) રિવ્યૂખોરોના અપડેટ્સ વાંચીને કાયમ લાગે છે કે ફિલ્મ નિર્માણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ રિવ્યૂખોરોને દિગ્દર્શક સાથે રાખીને ચાલે અને એમના સલાહ-સૂચનોને માથે ચડાવે તો દર વર્ષે આપણને "બેસ્ટ ફોરેઈન લૅંગ્વેજ ફિલ્મ" કેટેગરીમાં ઓસ્કાર ઍવોર્ડ નિયમિત અપાવી શકતી હિન્દી ફિલ્મ અચૂક મળે!
ધર્માંધતા અને ધર્મઝનૂન પર પ્રહાર કરતી OMG કે પીકે જેવી સેંકડો ફિલ્મો બને તો પણ એમાં વ્યક્ત થતો સંદેશ મોટેભાગે તો શિવલિંગ પર ચડતા દૂધની જેમ કે પથ્થર પર પડતાં પાણીની જેમ એળે જ જતો હોય છે. છતાં, છાશવારે આવી ફિલ્મો બનતી રહે એ આવકાર્ય હોવા ઉપરાંત અનિવાર્ય પણ છે. ઍલિયનના યાનમાં બેસીને ઉપડી જતાં અને થોડાં સમય બાદ ફરીથી પૃથ્વી પર લટાર મારતા આમિરની જેમ ફિલ્મ સિનેમા હૉલમાંથી ઊડીને થોડાં મહિના બાદ ટીવી પર પ્રસારિત થશે. અત્યારે નહીં તો એ વખતે પણ સમય ફાળવીને જોવા જેવી ફિલ્મ છે.
No comments:
Post a Comment