કહે છે કે ઘણાં બસ હોય છે જો નાચવા માટે સદા તૈયાર એના એક મોંઘેરા ઇશારા પર,
સુભાન અલ્લાહ કેવું રૂપ છે એનું કે જોવા એને લોકો ક્યાં ચડે છે એક ઊંચેરા મિનારા પર!
બહુ જૂનું થયું કે લોક ઓવારી દે પ્રેમિકાના ગાલોના કોઇ તિલ પર સમરકંદ અને બુખારા,
મને એવા વિચારો આવે છે કે આપણે પણ કંઈ તો ઓવારી જઈએ ખુદ સમરકંદ ને બુખારા પર!
અહા! એનો ચહેરો ચાંદ જાણે દાગ વિનાનો, એના ચુંબનનો લાગે દાગ એવું કોણ ના ચાહે?
ધરા પર અવતરેલાં આ સવાયા ચાંદને જોતાં નજર જાયે નહીં ગગને ચમકતાં કો' સિતારા પર!
જવાનીનો મહીં જ્વર છે, વળી આ સુપ્ત દિલને તપ્ત કરવા હુસ્ન કેરા આ હુતાશનનાં તિખારા છે,
લગાડી છે જો હૈયે આગ છૂપી એક તિખારાએ, કરું શક તો કહો બેશક કરું શક કયા તિખારા પર?
જુઓ ધીખી રહ્યું છે પ્રેમ જ્વરથી દિલ, ધખાવી છે હવે તો બસ મેં એના નામની આ આજીવન ધૂણી,
હવે તો રાહ જોવાઈ રહી છે કે શી રીતે વીતવાનું આયખું એને પામવાના આ ધખારા પર?
નથી લૂંટી શકાતી ખૂબસૂરતી કે મળે છે બસ એ ખુદાની બદૌલત, આંતરિક છે એક એ દોલત,
છતાંયે લૂંટવો હો એ ખજાનો એમ સૌ કોઇની મંડાઈ છે નજરો ખૂબસૂરતીના પિટારા પર!
ન હો જો હુસ્ન દુનિયામાં, હતાશા ને હતાશા છે, ધરા પર ચાંદ કેરો ટુકડો હો તો જ આશા છે,
કર્યું જેણે નથી કુરબાન દિલ સૌંદર્ય પર ક્યારેય કોઇ દી, મને લ્યાનત થતી એવા જિવારા પર!
No comments:
Post a Comment