200થી વધારે બાળકો સાથે થયેલી જિન્સી જ્યાદતી (યૌન શોષણ)ના પાકિસ્તાનના ઇતિહાસના સૌથી ચકચારી ચાઈલ્ડ પૉર્નોગ્રાફી સ્કૅન્ડલથી આમ જનતામાં વ્યાપેલા આક્રોશના ઓછાયા વચ્ચે પડોસી દેશમાં 69મો યોમ-એ-આઝાદી શાયાન-ઓ-શાનથી મનાવાઈ રહ્યો છે ત્યારે જાતજાતના અટકચાળાંથી આપણો જીવ અધ્ધર રાખતા પડોસી દેશ વિશે વાત કરવી છે.
એક તરફ દુશ્મનને એકલે હાથે રગદોળી નાખતી અતિશયોક્તિભરી ગદર બ્રાંડ કટ્ટરવાદી ફિલ્મો બને, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે ઇતિહાદ બહાલ કરવાના મકસદથી માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથેની બજરંગી ભાઈજાન જેવી ફિલ્મ પણ બને. એક તરફ સરબજીતને મુક્ત કરવાનું દબાણ વધતા જેલમાં જ એની કોટડીમાં ઢોરમાર મારીને એને ખતમ કરવામાં આવે અને બીજી તરફ ગીતા નામની કોઇ છોકરી ભૂલથી સરહદ ઓળંગી જતાં પાકિસ્તાની રેન્જર્સ એને કોઇ સામાજીક સંગઠનને સોંપવા જેટલી રહેમ પણ બતાવે ત્યારે પ્રશ્ન એ થાય કે પાકિસ્તાનનો કયો ચહેરો સાચો? શિદ્દતપસંદ કે અમનપસંદ?
વિભાજન થયું ત્યારથી ભારત સાથેની સાંસ્કૃતિક સમાનતાઓના એકએક પદચિન્હને પોતાની સરજમીન પરથી ભૂંસવાની કવાયતમાં પાકિસ્તાને કોઇ કસર છોડી નથી. ભગવાન રામના પુત્રો લવ-કુશનો જન્મ લાહોરમાં થયો હતો એવું કોણ માનશે? મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારમાં જન્મેલી, પાંગરેલી પોતીકી ઉર્દૂ ભાષાને ત્યાંથી ઉખાડીને પાકિસ્તાનમાં રોપી દેવામાં આવી અને એને મઝહબી લીલા ઝેરના ઈન્જેક્શનો આપી આપીને કોમવાદી રંગ આપવામાં આવ્યો. પાકિસ્તાની પ્રજા અરેબિક વાંચી શકે છે પણ એ ભાષા એમને સમજાતી નથી અને ઉર્દૂના નામે ભારોભાર સામ્યતા ધરાવતી હિન્દી ભાષા સમજે છે, બોલે છે પણ એની દેવનાગરી લિપિ વાંચી-લખી શકતી નથી! સાંસ્કૃતિક સમાનતા ભારત સાથે હોવા છતાં દુનિયાના પ્રથમ ઈસ્લામિક રિપબ્લિક તરીકે ધરાર આગવી ઓળખ ઊભી કરવાની જીદ લઈને પાકિસ્તાન પોતાનું વ્યાપક સાઉદીકરણ કરીને આત્મવંચનામાં સરી પડ્યું છે. ભારત સાથે સાંસ્કૃતિક સમાનતા ન હોત તો પાકિસ્તાનની કુલ વસ્તીના 40%થી વધારે લોકો પંજાબી ભાષા બોલતા હોત અને ઉર્દૂભાષીઓ માત્ર 10% જ હોય?
5 અને 12 જુલાઈ 2015ના રોજ લગાતાર બે રવિવારે સન્ડે ભાસ્કરમાં પાકિસ્તાન વિશે અસગર વજાહતના પુસ્તકને આધારે પ્રસિદ્ધ ચિંતક શ્રી ગુણવંત શાહે લખેલાં બે લેખોમાં પાકિસ્તાનની નિરાશાજનક સ્થિતિનો સાચો ચિતાર મળતો જણાય છે. પાકિસ્તાની પત્રકાર હસન નિસાર અને કૅનેડામાં સ્થાયી થયેલા વિચારક તારીક ફતેહ પાકિસ્તાનના ધર્માંધ, જડસુ લોકોને માફક ન આવે એવી વાસ્તવિકતાના ચાબખાં અવારનવાર ફટકારતા રહે છે. તારીક ફતેહ તો જાહેરમાં નિ:સંકોચ પોતાને હિન્દુસ્તાની તરીકે ઓળખાવે છે. યુટ્યુબ પર ભારત-પાકિસ્તાન વિશેના એમના તટસ્થ અને વેધક અવલોકનોના વીડિયો ચોક્કસ જોવા જેવા છે. પાકિસ્તાનમાં એમના પ્રવચનો પર પ્રતિબંધ છે. દૂરનું જોઈ વિચારી શકતા આ પ્રખર અભ્યાસુ વિચારકના મતે પાકિસ્તાનનું ભવિષ્ય તદ્દન ધૂંધળું છે અને ભારત માટે વિશ્વના ફલક પર પ્રગતિની બહોળી તકો છે. ભવિષ્યમાં ભારત જ વિશ્વશાંતિનું કેન્દ્ર બનશે એવો એમનો મત છે.
સતત સરહદી સંઘર્ષ, લડાઈ ઝઘડાથી કોઇ દેશનું ભલું થયું નથી. 1965ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હોવા છતાં ત્યાંના ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં પાકિસ્તાનને જ વિજયી લેખાવવામાં આવે છે. સરહદ પરના છમકલાઓમાં ભારતને વિલન તરીકે ચીતરવાની અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મંચ પર કાયમ ચોરી પર સીનાજોરી કરવાની પાકિસ્તાનની આદતને કારણે જ દૂરદર્શનને "પીટીવી: સચ ક્યા હૈ?" નામનો કાર્યક્રમ શરૂ કરવાની ફરજ પડી હશે. ભવિષ્યમાં કાશ્મીર મુદ્દાના કાયમી નિરાકરણ માટે ભારતે કોઈક આત્યંતિક લશ્કરી પગલું ભરવાની નોબત આવે એ પહેલાં જિંદગી ચેનલની નજાકતભરી ટીવી સીરિયલોવાળું પાકિસ્તાન ત્રાસવાદની દરિંદગીવાળા પાકિસ્તાનને અતિક્રમી જાય એવી સૂતરના કાચા તાંતણા જેવી ઉમ્મીદ ફળશે ખરી?
No comments:
Post a Comment