Monday, October 26, 2015

મરણોત્તર જીવન વિશે સ્વામી વિવેકાનંદે ન્યૂ યોર્કમાં આપેલા પ્રવચનમાંથી...

ધારો કે અહીં એક દડો છે, અને આપણામાંનો દરેક જણ એક એક ટપલું હાથમાં લઈને તે દડાને ચારેકોરથી ફટકારતો જાય છે. દડો ઓરડાની અંદર એક દિશામાંથી બીજી દિશામાં એમ ફેંકાતો જાય છે, અને બારણા પાસે પહોંચે છે એટલે બહાર ફેંકાઈ જાય છે. એ દડો પોતાની સાથે શું બહાર લઈ જાય છે? આ બધા ફટકાઓનું પરિણામી બળ. તેનાથી એને દિશા મળી છે. તેવી રીતે શરીર મરી જાય ત્યારે જીવાત્માને દિશા કોણ આપે છે? તેણે જે જે કર્મો કર્યાં છે, જે જે વિચાર કર્યા છે, તે બધાનું પરિણામી બળ - તેનો કુલ સરવાળો- તેને દિશા આપે છે. હવે તે પરિણામી બળ એવું હોય છે કે એ જીવાત્માને આગળ અનુભવ લેવા માટે નવું શરીર ધારણ કરવું પડે, તો તે એવાં માબાપ પાસે ખેંચાઈ જશે કે જે તેને તેવા શરીર માટે યોગ્ય ઉપાદાન આપવાને તૈયાર હોય. આ પ્રમાણે તે જીવાત્મા એક પછી એક શરીરોમાં જન્મ લીધા કરશે; ક્યારેક કોઈક સ્વર્ગ કે ઉપરના લોકમાં, ત્યાંથી પાછો મનુષ્ય લોકમાં માણસ તરીકે કે કોઈ અધમ પશુ તરીકે જન્મ લેશે. આ રીતે જ્યાં સુધી તેનો અનુભવ સંપૂર્ણ ન થાય, તેનું વર્તુળ પૂરું ન થાય ત્યાં સુધી તે ભ્રમણ કર્યા જ કરશે. પછી તેને તેના સ્વરૂપનું જ્ઞાન થશે, અને તે પૂર્ણ થશે. પછી તે જીવાત્માને ભૌતિક શરીરો દ્વારા કર્મ કરવાની તેમજ સૂક્ષ્મ કે માનસિક શરીરો દ્વારા પણ કાર્ય કરવાની કશી આવશ્યકતા રહેતી નથી. તે પોતાના જ પ્રકાશથી પ્રકાશે છે, અને મુક્ત થાય છે. પછી તેને માટે જન્મ મૃત્યુ રહેતાં નથી.

No comments:

Post a Comment