Monday, October 26, 2015

Quotable quotes: Part-3

ભંવરીદેવી અને ભંવરલાલ અનુક્રમે વિષયસુખ અને વૈરાગ્ય જેવા સામસામા છેડાના મુદ્દાઓ માટે સમાચારમાં રહ્યા પરંતુ ભંવર યાને વમળ સર્જવામાં બંને સફળ રહ્યા.

હિન્દીભાષી લોકો ફેસબુક પર દેવનાગરી લિપિમાં ગુજરાતી લખતાં ડઝનેક લોકોને શોધીને મિત્ર બનાવે તો એમને ગુજરાતી સરળતાથી આવડી જાય.


'બારી બંધ કરતા' એ સ્વ. સુરેશ દલાલના નિબંધ સંગ્રહનું નામ છે. બીજા શબ્દોમાં કહીએ તો....Shutting down Windows!


કીડીને કણ, હાથીને મણ અને કવિને મણમણની મળી રહેતી હોય છે.

બિલ્ડર જમીનનો અભ્યાસ કરે, જીવવિજ્ઞાની જનીનનો અભ્યાસ કરે, ફૅશન ફોટોગ્રાફર નાજનીનનો અભ્યાસ કરે, સૈનિકો સરજમીનનો અભ્યાસ કરે.

જેને બુલ ફાઈટ ગમે એ સ્પોર્ટ્સમેન થાય. બુલબુલનાં ટહુકા ગમે એ કવિ થાય.

કોઈ બોણી માંગે તો કહેવાનું: શુભ દીપાવલી !!...તને આપવા મારી પાસે નથી પાવલી ! 

મતદાન પૂરું થયા બાદ થોડા દિવસો બાદ મતગણના, અને સત્તા મળી ગયા બાદ મતદારોની અવગણના !

દિવાળીના ગ્રીટિંગ કાર્ડ્ઝની પ્રથા લુપ્તપ્રાય થઈ પણ પોસ્ટમેન અને કોડિયાવાળાં તરફથી બોણીની માંગણીની પ્રથા હજી બંધ થવાનું નામ લેતી નથી. 


પ્રેમિકાના લાલ લાલ ગાલથી પણ મોંઘા લાલ ટમેટાં પરવડેબલ ભાવમાં લાવી આપનાર પર સમરકંદ સહિતના કંદમૂળ અને બુખાર થયો હોવા છતાં બોખારા કુરબાન કરી આપવામાં આવશે.

બહારના દેશમાંથી પ્રત્યર્પણ સંધિ હેઠળ પરાણે ખેંચી લવાયેલા ગુનેગારની જેમ છેવટે વરસાદે દેખા દીધી છે, પણ દેડકાના ડ્રાઉં ડ્રાઉં અવાજ વગર ચોમાસું ડ્રાય ડ્રાય લાગે છે. છેલ્લે દેવૂ મેટીઝ અને ટાટા નેનો કારની દેડકડી ડિઝાઈન સિવાય દેડકો ક્યારે જોયો એ યાદ આવતું નથી. વાતાવરણનું બેરોમીટર ગણાતાં દેડકાના આપણાં પર અગણિત ઉપકારો છે. શાસ્ત્રીય સંગીતમાં હંસના નામે હંસધ્વનિ રાગ છે એમ ઈકોસિસ્ટમમાં મહત્ત્વની કડી ગણાતાં દેડકાના પર્યાવરણ પરના ઉપકારોને પોંખવા માટે હવે કોઈ પંડિત કે ઉસ્તાદ ચોમાસું પૂરું થાય એ પહેલાં દાદુરધ્વનિ નામનો રાગ બનાવે એવી અરજ છે.

આપણે ત્યાં જે ગુજરાતીમાં "વિરલ" (viral) હોય છે એ અંગ્રેજીમાં લખવાની સાથે જ "વાઈરલ" (Viral) બની જાય છે.

પાર્ટી પહેલાં - મન મોર બની થનગાટ કરે,
પાર્ટી પછી - દારૂ પીને ઢેલ થવું!

બે આખલાંની લડાઇમાં ઝાડનો ખો નીકળી જાય એમ હાઈસ્કોરિંગ મૅચમાં બિચારા બંને પક્ષના બૉલર્સનો કચ્ચરઘાણ નીકળી જાય.

પૈસાં - લોકલ ટ્રેનની ઝડપે આવે છે અને ચીલ ઝડપે ખર્ચાઈ જાય છે.

No comments:

Post a Comment