શબ્દકોશમાં સર્જનાત્મકતા અથવા ક્રિએટિવિટી જેવો શબ્દ પોતે અસલામતીનો ભાવ અનુભવવા માંડે એટલી હદે ફેસબુક પર રોજેરોજ વિપુલ સર્જનના અંશો લઈને હાજર થઈ જતા મહાસર્જનાત્મક લોકોને જોઈને અનાદરથી મસ્તક કમ્પ્યૂટર સ્ક્રીનથી વિપરીત દિશામાં ફરી જાય છે. 'વાંચે ગુજરાત'ની ઝુંબેશ ચલાવવી પડે, જ્યારે 'લખે ગુજરાત'ની ઝુંબેશ વગર પ્રચારે અવિરત ચાલતી રહે છે. વિશ્વના કોઈ પણ ફિલસૂફને અહોભાવ થઈ જાય એવો સુંદર વિચાર સ્ફુર્યો છે તો એ વિચારપુષ્પનો વિસ્તાર કરીને કવિતાનો ફૂલહાર બનાવી ફેસબુક પર પમરાટ પ્રસરાવવાના શુભ કાર્યમાં વિલંબ કેમ કરવો? યાહોમ કરીને કવિતા લખો, લાઇક્સની ઢગલી છે આગે!
શું કહ્યું? ગુજરાતી કવિતાના છંદો આઉટડેટેડ થઈ ગયા છે? અરે, કંઈ વાંધો નહિ, આપણે પોતાનું આગવું મીટર ઊભું કરીએ, પછી જુઓ કે કવિતાનું મીટર મુંબઈની કોઈ ટૅક્સીના મીટરની જેમ ચક્કર ચક્કર ફરવા માંડે છે કે નહિ! સવારે હાઈકુ લખ્યું છે, બપોરે અછાંદસ કાવ્ય આવ્યું જ સમજો! સાંજે ગઝલ અને રાત્રે મુક્તક ન લખીએ તો અરૂઝનો ઊંડો અભ્યાસ એળે જાય! હજી તો મોનો ઇમેજ, તાંકા, ક્ષણિકા....ઓહોહો! કાવ્યનાં કેટલાં બધાં સ્વરૂપો રાહ જોતાં ઊભાં છે! સતત ચર્ચામાં રહેવું છે એટલે જલનસાહેબની જેમ કવિતામાં ફૅમિલિ પ્લાનિંગ કરવું પોસાય નહિ! 'કલાપીનો કેકારવ', 'સમગ્ર ઉમાશંકર' અને 'આઠો જામ ખુમારી' એ ત્રણેયના સંયુક્ત કદની બરોબરી કરી શકે એવો સંગ્રહ આપણો થાય તો જીવતર સાર્થક થયું ગણાય!
No comments:
Post a Comment