અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર. વોરા
અંધેરીના ભવન્સ કેમ્પસની હોસ્ટેલમાં રહેતા ત્યારે એક વાર કવિ નામવરે રાત્રે સાથે ફરતાં ફરતાં જ એમને પોતાની એક રચનાનો મુખડો સ્ફુરેલો:
''હિરના મન કે સાથ બડી મજબૂરી હૈ
ચેહરા ચેહરા ખોજ રહા કસ્તુરી હૈ !''
જોકે આ અંદર ઊતરવાનાં વલણની વાત કોઈ બધાંને કામ આવી જાય એવો કે માથું દૂખતું મટાડવાની તૈયાર પડીકી કે ગોળી જેવો નુસખો નથી. આપણે ત્યાં દુકાનમાં મળતાં મંગળસૂત્ર કે તાવિજ જેમ જીવનની તમામ બાબતો પર ભારે ઠાવકાં સૂત્રો ટકે શેર ભાજી જેમ ફેંકાતાં ફરતાં હોય છે.
હા, આવાં જીવનને પાયાની અસર કરતાં સૂત્રોનો મૂળ કર્તા ખૂબ ઉમદા હેતુથી પોતાની જાત અનુભૂતિથી પ્રેરાઈને જ કહેતો હોય અને જિન્દગીની સરાણે ચડે એટલે ચકમકના પત્થર જેમ ચમકીને, અંધારામાં અજવાળું કરે ! દાખલા તરીકે આપણામાંના મોટા ભાગનાને, આપણા માનવ સંબંધો બાબત ખૂબ ફરિયાદો હોય છે. બે સલાહો અપાતી હોયઃ પેલી વ્યક્તિની જગ્યાએ જાત ને મૂકી જુઓ, અને બીજી સલાહ: અન્યને બદલવા કરતાં જાતને બદલો.
આ બન્ને સલાહો છે તો સો ટચનાં સોના જેવી ! પણ મોટે ભાગે અન્યની જગ્યાએ જાતને મૂકવાનું શક્ય નથી હોતું. બધાંના રસ્તા સમાન્તર (પેરેલલ) હોય છે. એકને રસ્તે આવેલ ઝાડી ઝાંખરાં બીજાને રસ્તે ન આવે ! એક ગૃહસ્થ વ્યક્તિ, એક એકલા રહેનાર જણને, પરસ્પર પૂરા સમજી જ ન શકે !
અને બીજી સલાહ: જાતને બદલવાની! એક વાસણમાં અવારનવાર દૂધ મૂકો, ને દૂધ બગડી જાય ! તો ડાહ્યા માણસે જોવું જોઈએ કે વાસણની અંદરની સપાટી તો બરાબર સાફ કરી છે ને ? મોટે ભાગે આપણે જ્યારે અન્ય પાસે બદલવાની અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણા પોતાના માંહ્યલાની સફાઈની તપાસ કરતા નથી ! ઘણીય વાર આપણી પોતાની આંખોની મર્યાદા નડતી હોય ! પરિણામે જાતને બદલવાની શરૂઆત થતી જ નથી ! મને ખબર પડે કે અમુક વ્યક્તિ પાસેથી અમુંક અપેક્ષા રાખવાથી, નિરાશા મળતાં પીડા થાય છે ત્યારે મારે જાતને બદલવા પ્રયાસ કરવો જોઈએ.
આ રાતોરાત થતું નથી.
ઠેંસ લાગે, નિરાશા મળે, ભોઠા પડો ત્યારે ''કદાચ'' થાય છે. ''કદાચ'' એટલા માટે કે અહીં જ ''અંદર તપાસ''ની ચાવીરૂપ વાત છે. સદ્ભાગી લોકોને પોતાની પાસે જ રહેલી આ ચાવી મળી જાય છે.
કોઈ અનુભવી વડીલ કે સંતની વાત, કોઈ સુવિચાર, કોઈ અનુભવ મંડિત સૂત્ર વાંચ્યું કે સાંભળ્યું હોય, જેને થોડી અઘરી ભાષામાં ''સત્સંગ'' કે ''સ્વાધ્યાય'' કહીએ, એ આપણી ભોઠપ કે પીડાની ક્ષણે જ બરાબર ઝબકી ઊઠે છે, અને એ ક્ષણે મળતો ઉજાશ જ આપણું ''વલણ'' બદલવામાં મદદ કરે છે. હા, અહીં ફરી એક લાલબત્તી. આવું પણ દરેકની વાતમાં નથી બનતું. આ કોઈ તૈયાર નુસખો નથી.
જો તમને પીડાની ક્ષણે આવા કોઈ ચમકારાથી માંહ્યલાને ઉજાશ મળે તો સમજી લેજો કે ''અંદર'' ઉતરવાનું વલણ કેળવાઈ રહ્યું છે.
No comments:
Post a Comment