3 જૂન 2022ના રોજ 73 વર્ષની ઉંમરે સંતૂરવાદક પંડિત ભજન સોપોરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કાશ્મીર ખીણના સોપોર વિસ્તારમાં પંડિતજીનો જન્મ થયો હતો, એના આધારે એમની સોપોરી અટક આવી.
આજથી લગભગ બારેક વર્ષ પહેલાં વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્ર વિભાગના ઑડિટોરિયમમાં પંડિતજીનો કાર્યક્રમ થયો હતો ત્યારે મેં એમાં હાજરી આપી હતી. એ કાર્યક્રમમાંં પંડિતજીએ કૌંસી કાનડા નામનો રાગ વગાડ્યો હતો અને તબલા પર દુર્જોય ભૌમિકે સંગત કરી હતી. પંડિતજીએ શ્રોતાઓને પણ પોતાની સાથે ગાવામાં સામેલ કર્યા હતા.
કાર્યક્રમના અંતે શ્રોતાઓ સાથે સવાલ-જવાબનું સત્ર રખાયું હતું એમાં રિયાઝ કેવી રીતે કરવો જોઈએ એ વિશેના પ્રશ્નના જવાબમાં પંડિતજીએ કહ્યું હતું કે રિયાઝ માટે ત્રણ બાબતો જરૂરી છે: અગન, મગન અને લગન!
સંતૂરના તાર ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની તરકીબ માટે પંડિત ભજન સોપોરી જાણીતા હતા. આ બાબતે અસંમતિ વ્યક્ત કરતા પંડિત શિવકુમાર શર્માએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે સંતૂર પર ગાયકી અંગ દર્શાવવું હોય તો તે માત્ર સંતૂરની પોતાની પ્લેયિંગ ટૅકનિકથી જ કરવું જોઈએ. સંતૂરના તારને ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની જે ટૅકનિક છે એ સિતારની ટૅકનિકની નકલ હોવાનું પંડિત શિવકુમાર શર્માનું મંતવ્ય હતું.
આવી ટૅકનિકલ બાબતો માટે ટોચના કળાકારો વચ્ચે મતભેદો હોવા સામાન્ય ગણાય, પરંતુ પંડિત શિવકુમાર શર્મા અને પંડિત ભજન સોપોરી બંને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કરેલા પ્રદાન બદલ હંમેશાં યાદ રહેશે.
No comments:
Post a Comment