Sunday, January 7, 2024

કોમલ નિષાદ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો વિશે

ये लम्हे, ये पल हम बरसों याद करेंगे 
ये मौसम चले गये तो हम फरियाद करेंगे

વડોદરામાં કોમલ નિષાદ નામની એક સંસ્થા દ્વારા વર્ષમાંં ત્રણ-ચાર વખત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાર્યક્રમ સાંભળ્યા પછી ઘરે પાછા ફરતી વખતે મારી મન:સ્થિતિ ઉપરની લમ્હે ફિલ્મના આનંદ બક્ષીએ લખેલા ગીતની પંક્તિઓ જેવી થતી હોય છે. માત્ર લેટેસ્ટ કાર્યક્રમ નહિ, એના બે-ચાર વર્ષ પહેલાં સાંભળેલા ગાયન-વાદનના કલાકારોએ આપેલાંં પર્ફોર્મન્સની કેટલીક યાદગાર ક્ષણો મનમાં હંમેશાં ઘૂમરાયા કરે છે અને નવો કાર્યક્રમ ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોતો રહું છું. અલગ-અલગ કલાકારોએ ગાયેલી-વગાડેલી બંદિશો જ મનમાં આવ્યા કરે છે અને દિવસો સુધી કામમાં મન લાગતું નથી. મન કાયમ એ અલૌકિક વાતાવરણમાં પાછું જવા માટે ઝંખના કર્યા કરે છે. 
 
કોમલ નિષાદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં એવું શું ખાસ હોય છે એની આજે કેટલીક વાતો કરવી છે. અમદાવાદનો સપ્તક સંગીત સમારોહ  હોય કે કોલકતામાં આયોજિત ડોવરલેન મ્યૂઝિક કૉન્ફરન્સ હોય, આવાં ઘણાં સંંગીત સંમેલનોમાં ઘણી વખત પ્રમાણમાં નબળા કહેવાય એવા કલાકારો કોઈને કોઈ  રીતે લાગવગ લગાડીને કાર્યક્રમ આપવાની તક મેળવી લેતા હોય છે. માત્ર વડોદરાનું કોમલ નિષાદ જ એક એવું માધ્યમ છે, જ્યાં કલાકારની પોતાની મેરિટ સિવાય બીજા કોઈ માપદંડો પર વિચાર કરાતો નથી. સપ્તકમાં કલાકારોને પરફોર્મ કરવા માટે વધારે સમય અપાતો નથી. સારા સારા કલાકારો સાથે લોકલ નબળા તબલાવાદકોને ગોઠવી દેવામાં આવે છે. સાઉન્ડ સિસ્ટમવાળા કલાકારોની જરૂરિયાત સમજીને એમને ગમે એવો સાઉન્ડ પૂરો પાડવામાં ઊણા ઊતરે છે. કોમલ નિષાદ સંસ્થા આયોજન બાબતે કોઈ કચાશ છોડતી નથી. સાઉન્ડ ઉત્તમ કક્ષાનો હોય છે. કલાકારને પોતાની કમાલ દર્શાવવા માટે પૂરતી મોકળાશ આપવામાંં આવે છે. કાર્યક્રમની શરૂઆત અને અંત વખતે સંસ્થાના કર્તાહર્તા  અને ઓઍનજીસીમાં કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ  વિભાગના વડા તરીકે ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયેલા શ્રી શંકર કુમાર ઝા સાહેબ તરફથી કરવામાં આવતા ટૂંકા, ભાવવાહી, હૃદયસ્પર્શી પ્રવચન અને પુષ્પગુચ્છોથી કલાકારના સ્વાગતની પરંપરા સિવાય બીજી કોઈ ખાસ ઔપચારિકતાઓ હોતી નથી, તેથી સમયનો બગાડ થતો નથી. 

સંસ્થા દ્વારા અલગ-અલગ થીમ પ્રમાણે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચોમાસાની ઋતુ દરમિયાન મલ્હાર ફેસ્ટિવલ આયોજિત થાય છે, જેમાં ગાયન-વાદનના વિવિધ કલાકારો મલ્હાર સમૂહના રાગો પ્રસ્તુત કરે છે. યમન રાગ માટેના ખાસ યમન મહોત્સવનાં આયોજનો પણ ભૂતકાળમાં થઈ ચૂક્યાં છે. એક વખત હોળી દરમિયાન ખાસ હોળીને લગતી રચનાઓ માટે ગાયિકા રાજશ્રી પાઠકનો લાઇટ ક્લાસિકલ વોકલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૨૦૨૨માં દિવાળીની આસપાસ સંપૂર્ણ રાત્રિનો કાર્યક્રમ હતો, જેમાં રાત્રે ૯ વાગ્યાથી માંડીને સવારે ૬ વાગ્યા સુધી વારાફરતી કુલ ચાર કલાકારોના (શાહના બેનર્જી, કુમાર મુર્દુર, પ્રત્યુષ બેનર્જી અને અશ્વિની ભીડે) કાર્યક્રમો હતા.

મેં અત્યાર સુધી કોમલ નિષાદના બેનર હેઠળ પંડિત અજય ચક્રવર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, પંડિત અનિંદો ચેટર્જી, પંડિત સુનીલ કાંત ગુપ્તા, પંડિત કુશલ દાસ, રિતેશ-રજનીશ મિશ્રા, પ્રભાકર-દિવાકર કશ્યપ, અનોલ ચેટર્જી, ઉસ્તાદ વાસીમ અહમદ ખાન, ઓમકાર દાદરકર, પંડિત પ્રવીણ ગોડખિંડી, બ્રજેશ્વર મુખર્જી, વગેરે કલાકારોને સાંભળ્યા છે.

હજી ગઈકાલે ૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગાયિકા નવનીતા ચૌધરી અને એમના પછી સ્લાઇડ ગિટારના દિગ્ગજ કલાકાર પંડિત દેબાશિષ ભટ્ટાચાર્યનું વાદન સાંભળ્યું. પંડિતજીએ રાગ બિહાગથી શરૂઆત કરી અને ત્યારબાદ એમણે રચેલ શંકરધ્વનિ રાગ અને ત્યારબાદ જોગ અને ભૈરવીથી કાર્યક્રમ પૂરો કર્યો. એમના વાદનમાં એટલી કુશળતા હતી કે આ વાજિંત્ર જાણે ગાતું હોય એમ લાગતું હતું. હવે ૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે અને સાંજે એક-એક એમ કુલ ચાર સેશનમાં જુગલબંધીના કાર્યક્રમો થવાના છે. ઝા સાહેબ કહે છે કે જુગલબંધી શબ્દમાં મને કુશ્તી જેવો ભાવ આવતો હોય એમ લાગે છે. જાણે બે કલાકારો એકબીજા સાથે સ્પર્ધા કરવા મંચ પર આવતા હોય! એના બદલે હું સહગાન, યુગલગાન, કે સહવાદન-યુગલવાદન જેવા શબ્દો વધારે પસંદ કરું. બે કાર્યક્રમો વોકલ ડ્યુએટના રહેશે અને  બે કાર્યક્રમો ઇન્સ્ટ્રુમેન્ટલ ડ્યુએટના રહેશે. 

આ કાર્યક્રમો થયાના બેએક મહિનાની અંંદર સંસ્થાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ થઈ જતા હોય છે. કોમલ નિષાદની યૂટ્યૂબ ચેનલની લિંક આ પ્રમાણે છે: https://www.youtube.com/@KomalNishadClassicalMusic

No comments:

Post a Comment