Sunday, August 6, 2023

કૂતરાંઓની શિકારીવૃત્તિ ટ્રિગર થવાનાં કારણો

26 જુલાઈ 2023ના રોજ સવારે આશરે નવ-સવા નવનો સમય હશે. અચાનક દૂરથી એક ભૂંડની કારમી ચીસો સંભળાઈ. એંસીના દાયકામાં હું એક બાળક હતો ત્યારે ભૂંડ પકડનારા સરદારજીઓ અમારી સોસાયટીમાં આવતા એ સમયે ભૂંડની આવી ચીસો સંભળાતી. મને થયું કે હવે એવાં દૃશ્યો જોવા મળતાં નથી તો ભૂંડ આવી ચીસો કેમ પાડતું હશે? હું ઘરના ઉપલા માળે હતો અને મારી પાછળ બીજી સોસાયટીમાં રહેતા એક પડોસીના ઘરની આસપાસથી અવાજ આવતો હોવાનું જણાયું. અગાસીમાં જઈને જોયું તો એ પડોસીના આંગણા સામે આવેલા ગીચ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં થોડી ચહલપહલ દેખાઈ. હું સમજી ગયો કે એ વિસ્તારનાં કૂતરાં આ ભૂંડને ફરી વળ્યાં લાગે છે.

મારા અને એ પડોસીના ઘરની વચ્ચે મોટી દીવાલ કરાવી હોવાના કારણે ત્યાંથી હું સીધો જઈ શકું એમ નહોતો. ત્યાં સુધી પહોંચવા માટે મારે લગભગ 200થી 300 મીટર ફરીને જવું પડે એમ હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને હું તરત હાથમાં એક સ્ટમ્પ લઈને જ્યૂપિટર વાહન સ્ટાર્ટ કરીને એ જગ્યાએ પહોંચી ગયો. મારું વાહન ત્યાં પાર્ક કરીને ભૂંડને ફરી વળેલાં ચાર-પાંચ કૂતરાંઓને ભગાડ્યાં. હું પહોંચ્યો ત્યાં સુધીમાં અહીં એક ફોટામાં બતાવ્યા પ્રમાણે ભૂંડની ગરદનની જમણી બાજુએ કૂતરાંઓએ બચકાં ભરીને ઠીક ઠીક ઊંડો ઘા કરી દીધો હતો.




મેં ત્યાં ઊભા રહીને આણંદ ઍનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને એ લોકોને લોકેશન મોકલ્યું. તદ્દન ખંડેર જેવી હાલતમાં ઊભેલા એક બિસ્માર મકાન પાસે આ ઘટના બની હતી. ઍનિમલ હેલ્પલાઇનવાળા આવે નહીં ત્યાં સુધી ભૂંડનું રક્ષણ કરવા માટે મારે ત્યાં ઊભા રહેવું જરૂરી હતું. દર થોડી થોડી મિનિટો પર કૂતરાં આવતાં હતાં અને હું એમને ભગાડ્યા કરતો હતો. મારી સતત હાજરીને કારણે એ કૂતરાંઓ સમજી ગયાં કે અહીં શિકાર થઈ શકશે નહીં એટલે ત્યાંથી થોડે અંતરે ફરતા બીજા એક ભૂંડ પર તેઓ તૂટી પડ્યાં. હું ઊભો હતો ત્યાં એક મોટી દીવાલ હતી અને બાજુમાં ખંડેર જેવા મકાનના બીજા રૂમની દીવાલો હોવાને કારણે બીજા ભૂંડની શું હાલત થઈ હશે એ મને દેખાયું નહીં.



ખેર, અડધા કલાકમાં ઍનિમલ હેલ્પલાઇનની ટીમ મેં whatsapp કરેલા લોકેશનના આધારે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભૂંડ પર દવા રેડી. કૂતરાંઓના હુમલાને કારણે અધમૂઆ જેવી હાલતમાં આડું પડેલું ભૂંડ હવે થોડું હલનચલન કરી શકતું હતું. માણસોને જોઈને એ ઊઠીને ખંડેર પાછળ ઊગી નીકળેલાં ઊંચાં ઝાડી-ઝાંખરાંમાં ચાલ્યું ગયું. હેલ્પલાઇનની ટીમ પણ એની પાછળ ગઈ અને દવા લગાડી. તકલીફ એ હતી કે એ લોકો પાસે કોઈ આશ્રયસ્થાન ન હોવાથી જે તે સ્થળે ઘાયલ પ્રાણીઓને સારવાર આપીને ચાલ્યા જાય છે. પોતાની સાથે કોઈ પ્રાણીને તેઓ રાખતા નથી.

હું એ લોકોનો આભાર માનીને દસ-સવા દસની આસપાસ ઘરે પાછો આવી ગયો, પણ મનમાં આશંકા હતી કે ભૂંડ બહુ લાંબું જીવી શકશે નહીં. બીજે દિવસે વહેલી સવારે સાડા ચાર વાગ્યે મારી આંખો ખૂલી અને નીચેના માળે જવા માટે ઝાંપાનું તાળું ખોલ્યું ત્યારે ફરીથી એક ભૂંડની કરપીણ ચીસો સંભળાઈ. મેં અનુમાન કર્યું કે ગઈકાલે મેં જે ભૂંડને બચાવેલું આ એ જ ભૂંડ હશે. હવે હું લાચાર હતો. ફરીથી મદદે દોડી જવાનો કોઈ અર્થ નહોતો. થોડી મિનિટો પછી એની ચીસો શાંત થઈ એટલે સમજી ગયો કે ભૂંડનો જીવ ચાલ્યો ગયો હશે. ગઈકાલે મારા હસ્તક્ષેપને કારણે એ ભૂંડને પંદર-વીસ કલાકનું જીવતદાન મળ્યું એવો વાંઝિયો સંતોષ લઈને દુ:ખી હૃદયે દિવસ વિતાવ્યો.

મારી સોસાયટીનાં કૂતરાંઓને નિયમિતપણે ખવડાવનાર વ્યક્તિ તરીકે મારો પોતાનો અનુભવ સારો રહ્યો છે તો પેલા વિસ્તારનાં કૂતરાંઓએ કેમ આવું કર્યું હશે? ગૂગલ સર્ચ કરતાં માહિતી મળી કે ખિસકોલી, સસલાં, ભૂંડ અને નાનાં બાળકોના High pitched soundsને કારણે કૂતરાંઓમાં રહેલી શિકારીવૃત્તિ સળવળાટ કરવા લાગે છે અને પોતાનાથી નાનાં કદનાં આ પ્રાણીઓ પર ભેગાં થઈને તૂટી પડે છે.

આ ઘટના પરથી એવા તારણ પર આવ્યો છું કે આવી દુખદ ઘટનાને કારણે બધાં જ કૂતરાંઓને ખૂંખાર માની લઈને એમને એક લાકડીએ હાંકવાની જરૂર નથી. સોસાયટીના બધા સભ્યો ભેગા મળીને કૂતરાંઓને નિયમિત ખોરાક-પાણી મળે એવી વ્યવસ્થા કરે, પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ પાસે કૂતરાંઓના રસીકરણની ઝુંબેશ ચલાવે, માણસો દ્વારા કૂતરાંઓ પ્રત્યે ક્રૂરતાપૂર્વકનાં આચરણ ઓછાં થાય તેનાથી પરિસ્થિતિમાં સુધારો આવી શકે. નસબંધીનાં ઑપરેશનથી પણ કૂતરાંઓમાં રહેલી આક્રમકતા ઓછી થાય છે. આવાં ઑપરેશનમાં કૂતરાદીઠ પાંચથી દસ હજારનો ખર્ચ થાય છે, તેથી જે તે નગર-શહેરની મ્યુનિસિપાલિટીની જવાબદારી બને છે કે પોતાને ફાળવવામાં આવેલા સરકારી બજેટમાંથી પ્રાણીઓના અનુભવી વેટની મદદ લઈને આ પ્રકારનાં ઑપરેશન કરાવે. અન્યથા, વર્ષમાં બે વખત સંવનનકાળને કારણે કૂતરાંઓની વસતી વધવામાં વાર લાગતી નથી અને એવી સ્થિતિમાં, માણસો અને અન્ય પ્રાણીઓ સાથે કૂતરાંઓનું જે ઘર્ષણ થાય છે તે વધતું જ જવાનું છે.

No comments:

Post a Comment