Monday, August 26, 2024

બ્લૉગનું નામ બદલીને 'उधार की ज़िंदगी' કેમ કર્યું?

એક દિવસ વિચાર કરતાં જણાયું કે આપણે જેને આપણા મૌલિક વિચારો માનીએ છીએ, એમાં મૌલિકતા જેવું ભાગ્યે જ કશું હોય છે. અન્ય વ્યક્તિ, સમાજ, વિશ્વ સાથે સંપર્કમાં આવીને આપણે જાતજાતના પ્રભાવો ઝીલતા હોઈએ છીએ અને આપણી અભિવ્યક્તિ પર આની પ્રબળ અસર પડતી હોય છે. 

સાલિમ સલીમના એક ઉર્દૂ શેરની જેમ "अपने जैसी कोई तस्वीर बनानी थी मुझे/ मेरे अंदर से सभी रंग तुम्हारे निकले" એ પ્રકારની સ્થિતિ મોટાભાગના લોકોની હોય છે. ગઝલવિશ્વના છેલ્લા અંકમાં રાજેશ વ્યાસ મિસ્કીને મારી એક ગઝલ છાપી હતી એ ગઝલના કાફિયા અમૃત ઘાયલની એક ગઝલમાંથી લીધા હતા, માત્ર એ કાફિયા ફરતે જે વિચારો વ્યક્ત કર્યા એમાં થોડી નવીનતા હતી. વાતો બધી એકની એક જૂની-પુરાણી હોય છે, માત્ર એ રજૂ કરવાનો ઢંગ બદલાયા કરતો હોય છે અને આપણે કશુંક મૌલિક રજૂ કર્યાનું ગુમાન લઈને પોરસાયા કરીએ છીએ.

આ તો થઈ વિચારોની અભિવ્યક્તિ બાબતે ઉધારની વાત. હવે નાણાકીય દૃષ્ટિએ ઉધારની વાત કરું તો આ વર્ષે આવકની દૃષ્ટિએ ટ્રાન્સલેશનના મુખ્ય વ્યવસાય કરતાં વધારે કમાણી કરી આપનાર શેરબજારમાં રોકાણ કરવા માટે પણ બેન્કો પાસેથી જરૂર પડે ત્યારે ઉધાર રકમ લેતો રહું છું. 

આમ, વૈચારિક અને નાણાકીય બન્ને રીતે ઘણા બધાનું મારા પર ઋણ ચડેલું છે. મરીઝના એક શેરની પંક્તિ યાદ આવે કે "ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે!"

છેલ્લે, ધ્વનિલ પારેખના એક શેર સાથે વાત પૂરી કરું:

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે

No comments:

Post a Comment