કોરોનાકાળથી અત્યાર સુધીમાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના સિતારાઓમાં પંડિત રાજન મિશ્ર, પંડિત દેબૂ ચૌધરી, પ્રતીક ચૌધરી, પંડિત શુભાંકર બેનર્જી, પંડિત બિરજુ મહારાજ, પંડિત શિવકુમાર શર્મા, પંડિત ભજન સોપોરી, ઉસ્તાદ રાશિદ ખાન, વિદુષી પ્રભા અત્રે ઉપરાંત વધુ એક નામનો ઉમેરો થયો: ઉસ્તાદ ઝાકિર હુસૈન કુરેશી. (અમદાવાદમાં સપ્તકના સ્થાપક પંડિત નંદન મહેતાનાં પત્ની મંજુ મહેતા ઑગસ્ટ 2024માં અવસાન પામ્યાંં.)
લાંબા સમય પહેલાં સપ્તકમાં ઝાકિરજીનો તબલા સોલોનો કાર્યક્રમ સાંભળવા ગયેલો ત્યારે મારી બાજુમાં બેઠેલા એક વડીલ કવિએ ઝાકિરજીને નિષ્પલક તાકી રહીને ટિપ્પણી કરેલી કે આ માણસમાં કંઈક તો છે! "આ માણસમાં કંઈક તો છે!" એ પ્રકારના X-factorની મને ઝાકિરજી સિવાયના બીજા એક તબલાવાદકમાં ઝલક દેખાઈ હોય તો એ હતા દિલ્હી ઘરાનાના તબલાવાદક ઉસ્તાદ શફાત અહેમદ ખાન. પણ જેમ અત્યંત પ્રતિભાશાળી સિતારવાદક પંડિત નિખિલ બેનર્જી 55 વર્ષની વયે દુનિયા છોડી ગયા એમ શફાત અહેમદ ખાન 51 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. ज़माना बड़े शौक़ से सुन रहा था/ हमीं सो गए दास्ताँ कहते कहते... સાકિબ લખનવીનો આ શેર અકાળે અસ્ત પામી ગયેલા આ બે કલાકારોને લાગુ પડે છે.
અડધી, પોણી, સવા માત્રાની જટિલ rhythmic cycleમાં ઝાકિરજી જેટલા mathematical precision અને clarity સાથેનું કુશળ તબલાવાદન ભાગ્યે જ બીજા કોઈ સમકાલીન તબલાવાદક કરી શક્યા હશે. ઝાકિરજી પોતે પંજાબ ઘરાનાના હતા, પરંતુ બનારસ, ફરુખાબાદ, અજરાડા, દિલ્હી, લખનૌ ઘરાનાની ચીજો એ વગાડે ત્યારે આ બધા ઘરાનાના ટોચના કલાકારોને ભૂલી જઈએ એ પ્રકારની clarity, crispiness સાથેનું તબલાવાદન સાંભળવા મળે. જ્યારે પણ બીજા કલાકારે ઈજાદ કરેલો કાયદો વગાડે ત્યારે એ કલાકારનું નામ લઈને એમને ક્રેડિટ આપવાનું એ ચૂકતા નહીં.
બીજા ઘરાનાના કલાકારો માટે પણ એટલો જ આદર રાખતા. 1986માં પાકિસ્તાનમાં ઝાકિરજીનો તબલાવાદનનો કાર્યક્રમ હતો અને હૉલમાં પંજાબ ઘરાનાના પાકિસ્તાન સ્થિત તબલાવાદક મિયાં શૌકત હુસૈન ખાનની ઍન્ટ્રી થઈ ત્યારે ઝાકિરજીએ તબલાવાદન અટકાવી દીધું અને એમને પગે લાગવા સ્ટેજથી ઉતર્યા. દિલ્હી ઘરાનાના ઉસ્તાદ શફાત અહેમદ ખાનની પુણ્યતિથિ નિમિત્તે ઝાકિરજીએ તબલાવાદનના નિમંત્રણને સ્વીકાર્યું હતું.
વડોદરામાં એક વખત એમનો તબલા સોલોનો કાર્યક્રમ હતો અને સાઉન્ડ સિસ્ટમવાળા ભાઈને ઝાકિરજી માટે યોગ્ય સાઉન્ડ સૅટિંગ્ઝ કરવામાં તકલીફ પડી રહી હતી. એ વખતે ઝાકિરજીએ સ્ટેજ પરથી એ સાઉન્ડવાળા ભાઈને પૂછ્યું કે તમારી સિસ્ટમમાં ગ્રાફિક ઇક્વલાઇઝર છે? સાઉન્ડવાળા ભાઈએ હા કહ્યું. ઝાકિરજીએ એ પછી ગ્રાફિક ઇક્વલાઇઝરમાં એક એક સેટિંગના નામ કહીને કયા સેટિંગની કઈ વૅલ્યૂ રાખવી એ કહી દીધું! શાસ્ત્રીય સંગીતના બસોથી ત્રણસો કાર્યક્રમોમાં મેં હાજરી આપી છે, પણ આ જ સુધી કોઈ કલાકારે મંચ પરથી સાઉન્ડ વાળાને ગ્રાફિક ઇક્વલાઇઝરના સેટિંગ્ઝ સમજાવ્યાં હોય એવું મેં ક્યારેય જોયું નથી!
ઝાકિરજીની રમૂજવૃત્તિ પણ જબરી હતી. એકવાર તબલા સોલોમાં કંંઈક રેલા જેવું ફાસ્ટ વગાડ્યું હશે અને શ્રોતાઓએ તાળીઓ પાડી તો ઝાકિરજીએ કહ્યું કે યે સબ નકલી કામ પર આપ લોગ તાલિયાં બજા રહે હૈં! પિતા અને ગુરુ ઉસ્તાદ અલ્લારખા ખાનની યાદમાં ગુરુ પૂર્ણિમા પર આયોજિત એક કાર્યક્રમમાં તબલાવાદન પૂરું થયા પછી ઝાકિરજી ઑડિયન્સ માટે બોલ્યા: आप सब लोग हमें सुनने आये ये देखकर बहुत अच्छा लगा और इससे अच्छा ये भी लग रहा है कि आप सब लोग अब घर वापिस जा रहे हैंं! 😀😀😀
लेकिन, उस्ताद जी! आपका यूँ दुनिया से चला जाना हमें ज़रा भी अच्छा नहीं लगा!