Tuesday, December 10, 2024

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો

બરવા એ સાંજનો દેસી રાગ છે. ગૌડ સારંગ એ બપોરનો બિહાગ છે. દેશકર એ સવારનો ભૂપાલી છે. માલકૌંસમાં કોમળ નિષાદને શુદ્ધ કરવાથી ચંદ્રકૌંસ મળે છે. ચંદ્રકૌંસમાં રિષભ ઉમેરતાં કૌશિક રંજની નામનો રાગ મળે છે. કોઈપણ રાગ કૌંસ તરીકે ક્વૉલિફાઇ થઈ શકે તે માટે એ રાગમાં રિષભ વર્જિત હોવો ફરજિયાત છે, જેમકે માલકૌંસ ચંદ્રકૌંસ, જોગકૌંસ, ભાવકૌંસ.

ભાવકૌંસ રાગને પંચમ, ભિન્ન ષડજ, હિંડોલી અને કૌશિકધ્વનિ પણ કહેવામાં આવે છે.

માત્ર એક નિષાદના ફરકથી પટદીપ અને ભીમપલાસી રાગો એકબીજાથી બહુ અલગ પડી જાય છે. પટદીપમાં ધૈવત પડતો મૂકવાથી મધુરંજની નામનો રાગ મળે છે.

દેશકરમાં રિષભ અને ધૈવતને કોમળ કરવાથી વિભાસ રાગ મળે છે. દુર્ગામાં રિષભ અને ધૈવતને કોમળ કરવાથી ગુણકલી રાગ મળે છે.

સા, ગ અને પ એમ માત્ર ત્રણ સૂરો ધરાવતો દુર્લભ અને ગાવામાં અત્યંત કઠિન એવો માલશ્રી રાગ છે.

મારુ બિહાગમાં કોમળ નિષાદનો ઉપયોગ કરવાથી વાચસ્પતિ રાગ મળે છે. ચંપાકલી અને વાચસ્પતિમાં એક જેવા સૂરો લાગે છે. ફરક એટલો છે કે ચંપાકલીમાં અવરોહમાં ગાંધાર અને વાચસ્પતિમાં અવરોહમાં રિષભ પર વધારે ભાર મૂકવામાં આવે છે.

દેશકર અને ભૂપાલીના સૂરો સમાન છે પરંતુ દેશકરમાં શુદ્ધ ધૈવત પર વધારે ભાર મૂકવામાં આવે છે. આલાપમાં પંચમનું પ્રભુત્વ જોવા મળે છે અને આલાપ પંચમ સાથે પૂરો થાય છે. અવરોહમાં ધૈવત-ગાંધારની સંગતિ બહુ અગત્યની છે અને રિષભનો અલ્પ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

જોનપુરી અને આસાવરી રાગના સૂરો સમાન છે, પરંતુ આરોહમાં નિષાદના પ્રયોગ દ્વારા બંને રાગોને અલગ પાડવામાં આવે છે. આસાવરીના આરોહમાં નિષાદ વર્જિત છે અને જોનપુરીના આરોહમાં નિષાદ લાગે છે.

કલિંગડા અને ભૈરવના સૂરો એક જેવા છે પરંતુ કલિંગડામાં વાદી સંવાદી સ્વરો પર ન્યાસ કરવાથી તે ભૈરવથી અલગ પડે છે. રિષભ અને ધૈવત પર ન્યાસ કરવાથી તે ભૈરવ જેવો લાગશે.

These are some of my superficial observations. The world of classical music never ceases to amaze me.

No comments:

Post a Comment