Tuesday, March 26, 2013

હોલિકા "દહન" નિમિત્તે થોડાં વિચારોનું "દોહન"

હોળી અને દિવાળી એટલે પ્રાથમિક શાળામાં ગુજરાતીનાં પ્રશ્નપત્રમાં રોકડાં ગુણ અપાવતા સુપરહિટ તહેવારો! અમારા નગરની એક શાળાનાં શિક્ષકોમાં એક રમૂજી સૂત્ર જાણીતું હતું: "હોળીના આઠ અને દિવાળીના દસ!" મતલબ કે હોળી વિશે નિબંધ લખો એટલે આઠ ગુણ મળે અને દિવાળી વિશે લખો એટલે દસ ગુણ મળે! ફિક્સ્ડ રેટની જેમ ફિક્સ્ડ ગુણ (દોષ) ! :P

ઍની વે જોક્સ અપાર્ટ, આજે સોસાયટીથી નજીકનાં એક કૉમન પ્લૉટમાં હોળીની સહકુટુંબ પ્રદક્ષિણા કરી આવ્યા બાદ કેટલાંક ગંભીર-રમૂજી વિચારો સૂઝ્યા છે:

1. હિરણ્યકશિપુ જેવા રાક્ષસને ત્યાં પ્રહલાદ જેવી ભક્તિભાવભરી ઓલાદ અવતરે એ બતાવે છે કે દરેક  સંતાનમાં કોઈક રહસ્યમય જન્મજાત શક્તિ ઢબૂરાયેલી પડી હોય છે જે માતાપિતાના બેકગ્રાઉન્ડની ઝાઝી અસર વિના પોતાનો અલગ ચોકો ઊભો કરી બતાવી શકે. ક્યાંક દીવા પાછળ અંધારું હોય તો ક્યાંય દીવાની રોશનીને ઝાંખી કરી દે એવી સૂર્યસમાન તેજસ્વી પ્રતિભા પણ અવતરી શકે.

2. વિષ્ણુની ભક્તિ કરવા બદલ પુત્રથી નારાજ પિતાએ પુત્રને મારવા માટે ઘણાં નિષ્ફળ પ્રયાસો અજમાવી જોયા બાદ પ્રહલાદની ફાયરપ્રૂફ ફોઈ હોલિકાના ખોળામાં પુત્રને બેસાડીને "નર સતી" બનાવવાનો કારસો રચ્યો.. હોલિકાના "લૅપ"માં પ્રહલાદ "નિર્લેપ" રહ્યો અને હોલિકા દુનિયામાંથી અલોપ થઈ ગઈ. વિષ્ણુની સાચા હૃદયથી કરેલી ભક્તિએ પ્રહલાદને ફાયરપ્રૂફ બનાવી દીધો અને હોલિકા flammable પદાર્થની માફક સળગી ગઈ.

3. પોતાના સંનિષ્ઠ ભક્ત સામેના કાવતરાઓથી ખફા થઈને વિષ્ણુ ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો અંત આણ્યો. આજના જમાનામાં પ્રહલાદથી પણ વધારે ગંભીર પ્રશ્નોમાં પીસાતી પ્રજાને હિરણ્યકશિપુ રાક્ષસ જેવા ભ્રષ્ટ નેતાઓથી બચાવવા માટે કોઈ ભગવાન અવતાર લેતા નથી, ત્યારે એવો વિચાર આવે છે કે આ બધાં નેતાઓને વાસ્તવિક સિહોનાં જડબામાં કોળિયો બનવા માટે ગીરના જંગલોમાં રઝળતા મૂકી દેવાની યોજના અમલ કરવા જેવી ખરી કે નહીં?

1 comment:

  1. Let us convert our selves and society around us, FROM NAR TO NARSINH. THE POPULATION OF NAR-SINHA WILL BE MUTCH GREATER THEN LAST COUNTED LIONS- JIGNASU.

    ReplyDelete