સની લિઓનનું નામ પડે અને મેનફોર્સ કોન્ડોમની જાહેરાત યાદ આવે એમ રાજીવ ગાંધીનું નામ લેવાય ત્યારે કુખ્યાત બોફોર્સ કૌભાંડ યાદ આવે. કોંગ્રેસનાં રાજીવરત્ન ગાંધી વડાપ્રધાન પદે હતાં ત્યારે તોપ બનાવતી સ્વીડિશ કંપની બોફોર્સે ડિફેન્સ ડીલ માટે રાજીવ ગાંધી સહિતના ટોચના રાજકારણીઓને કટકી ખવડાવી હોવાનો અહેવાલ સોદાના એકાદ વર્ષ બાદ આવ્યો અને કૌભાંડ બરાબર ગાજ્યું. કેટલાંય પત્રકારો બોફોર્સ કૌભાંડ વખતે બાલ્યાવસ્થામાં હોય અને પછી અભ્યાસ પૂરો કરીને પત્રકાર બને ત્યારે કેસને લગતાં કાનૂની દાવપેચોનું રિપોર્ટિંગ કરતાં હોય એવું બન્યું છે.
લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે પણ કૌભાંડ પછી કરવામાં આવતી લૂલી-મામૂલી કાનૂની કાર્યવાહી લાંબીલચક હોય છે એટલે જેમ અવગતે ગયેલાં અમુક જીવોનો લાંબા સમય સુધી મોક્ષ થતો નથી તેમ કેટલાંક કૌભાંડ જનમાનસની સ્મૃતિમાં લાંબી આવરદા ભોગવવા સર્જાયા હોય છે.
ભ્રષ્ટાચારનો ભોરિંગ કરડવાના કારણે આપણું
બંધારણ મૂર્ચ્છામાં સરી ગયું છે. લોકસભામાં ચૂંટાઈ આવનારાઓને લોકલાજની કોઈ
પડી નથી. કુમારપાળ દેસાઈના એક લેખમાં વાંચ્યું હતું કે આપણો ભ્રષ્ટાચાર
ભવ્ય છે. તે કટગુંદીના ઠળિયા જેવો છે. એક હાથેથી ઉખેડો એટલે બીજા હાથની
આંગળી પર ચોંટે. એમ બાબુના ઘરમાંથી પકડો તો કાળુના ઘરમાં ભરાય. ત્યાંથી
પકડો તો સોમાના ઘરમાં સગડ મળે... તેના સગડ ચાલતાં જ રહે. દુ:ખની વાત એ છે
કે આ ભ્રષ્ટાચારનો ભોરિંગ જેને કરડ્યો હોય એ નેતા મરતો નથી પણ બમણાં જોરે
ફેણ ચડાવીને નવું કૌભાંડ કરવા માટે સજ્જ થઈ જાય છે.
આંગળીનાં વેઢે ગણી ન શકાય એટલા ક્ષેત્રોને ભ્રષ્ટાચાર આભડી ચૂક્યો છે પણ આપણે રાજકારણ પછી ક્રિકેટ પૂરતી વાત સીમિત રાખીએ.
16મે 2013નાં રોજ કોંગ્રેસનાં જ સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન અને આઈપીએલનાં ચેરમેનનાં ગેરવ્યાજબી રીતે ડબલ હોદ્દા ભોગવતાં રાજીવ શુક્લના કાર્યકાળમાં સ્પૉટ ફિક્સિંગનું કૌભાંડ ગાજ્યું છે જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમનાં બૉલર શ્રીસંથ અને અન્ય બે ક્રિકેટરોની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજીવ શુક્લા સાથે રાજીવ ગાંધીને યાદ કરવાનું કારણ એ કે બંને રાજીવનો જીવ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં રાજી છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચારનો ચોલી-દામન જેવો સંબંધ તો છે જ પણ કોંગ્રેસી વહીવટકાળમાં ચોરી અને દમન પણ એટલું જ સર્વવ્યાપક છે!
લોકોની યાદદાસ્ત હોય કે, ચિયરલીડર્સના વસ્ત્રો હોય કે પછી ક્રિકેટનું ટી20 ફૉર્મેટ હોય, બધે જ આજકાલ "ટૂંકું ને ટચ"નો જમાનો ચાલે છે. એક સમયે ક્રિકેટનાં 20-20 ફૉર્મેટને "ચડ્ડી ક્રિકેટ" કહીને તુચ્છકારતાં નવજોત સિદ્ધુ સૂટ-ટાઈ-પાઘડીના અવનવાં સંયોજનોની ચમકદમક અને તર્ક-વિતર્ક-સતર્કતા સાથે શબ્દોની કુમક લઈને હોંશેહોંશે ટી-20 મેચો પર પોતાનું ભાષ્ય આપવા પહોંચી જાય છે. બિચારું ટેસ્ટ ક્રિકેટ સફેદ સાડલો પહેરીને ખૂણો પાળતી વિધવાની જેમ ઓરમાયું અને એકલવાયું થઈ ગયું છે.
સ્પૉટ ફિક્સિંગમાં ઝડપાયેલાં ખેલાડીઓએ દર્શકો-ચાહકોના દિલ સાથે ખેલીને ખેલદિલીની નવી કુવ્યાખ્યા આપી છે. ચિયરલીડર્સ તો અંગમરોડનાં કરતબ અને જાતજાતનાં નાચથી દર્શકોનું મનોરંજન કરવા માટે હોય છે પણ આ ક્રિકેટરો તો એમના કરતાં પણ એક ડગલું આગળ વધીને સ્ટ્રિપટીઝ કરવા સુધી પહોંચી ગયા છે !
મોટાભાગના કૌભાંડોનો મોક્ષ ના થાય એટ્લે ચૂંટણી આવવાના સમયે ભૂત થઈને ધૂણે!
ReplyDeleteજેમ કોઈ જગ્યાએ થયેલા આંતકવાદી હુમલા પછી ત્યાં આવનારા બધાને આંતકવાદી ગણીને ચેકિંગ કરે,શક ની નજરે જુએ છે એમ...ક્રિકેટમાં દરેક નો બોલ આવા શક ની નજરે જોવાશે!