કોઈક ને કોઈક રીતે લાગણીઓની અભિવ્યક્તિ કરવી એ આહાર-નિદ્રા-મૈથુન (કે પછી રોટી- કપડાં-મકાન કે પૈસો-પ્રતિષ્ઠા-પત્ની?) ઉપરાંતની માનવીની એક સવિશેષ જરૂરિયાત હંમેશા બની રહી છે અને લખવું એ અભિવ્યક્તિના એક ઉત્તમ પ્રકારમાં સ્થાન પામે છે. ફેસબુક, ટ્વિટર, બ્લૉગ, એસએમએસ, મેસેન્જર, ઈ-મેઈલ, WhatsApp - પ્લેટફૉર્મ ગમે તે હોય, દિમાગરૂપી ટ્રેનમાંથી પ્રેરણાદાયક સુવિચારો, વેજ-નૉનવેજ જોક્સ, Anecdotes સહિતના અલગ અલગ ડબ્બાઓમાંથી ઉતરતાં પેસેન્જર્સ જેવા વિચારોની અભિવ્યક્તિનો કાફલો બિલકુલ વિરામ લેતો નથી.
લખવું ઘણાંને હોય છે, કારણ કે વિચારો એ દિમાગની ખંજવાળ છે અને કલમ વડે કાગળ પર લખવાથી અથવા કીબૉર્ડ વડે સ્ક્રીન પર ટાઈપ કરવું એ કદાચ ખંજવાળ મટાડતાં Itch Guard ક્રીમ જેવું કામ કરતું હશે. રેલ્વેમાં જેમ આરક્ષિત (reserved) કરતાં અનારક્ષિત (general) મુસાફરોની સંખ્યા હંમેશા વધારે હોવાની એમ, અભિવ્યક્તિનું માધ્યમ સમાવી શકે, ખમી શકે અને સહન કરી શકે એના કરતાં એમાં વ્યક્ત થવા માટે આતુર લોકોની સંખ્યા હંમેશા વધારે રહેવાની. વ્યાપક ફેલાવો ધરાવતું માધ્યમ બધાને નસીબ થતું નથી. (હર કિસી કો નહીં મિલતી યહાં કૉલમ અખબાર મેં...). આવા સંજોગોમાં બ્લૉગ અવગતે ગયેલાં સેંકડો અપ્રકાશિત જીવો માટે વાસનામોક્ષની તક પૂરી પાડે છે. પ્રસિદ્ધિની ઘેલછા વિના નિજાનંદ અને શેરિંગનાં હેતુ માટે લખતાં લોકોને આમાં અપવાદ ગણવાં.
બ્લૉગ એટલે પોતાના વિચારોને મર્યાદિત કે નગણ્ય પહોંચ ધરાવતી ડાયરીના પાનાઓની જંજીરમાંથી મુક્ત કરીને ઈન્ટરનેટના ઈન્ફર્મેશન હાઈ-વે પર ડિજિટલ પગલાં પાડીને પોતાની વેબ-પ્રેઝન્સનો અહેસાસ કરાવવાની એક પદ્ધત્તિ. (આડી વાત: વેબ-પ્રેઝન્સ ધરાવનાર દરેક વ્યક્તિ પાસે પ્રેઝન્સ ઑફ માઈન્ડ હોય એ જરૂરી નથી !). બ્લૉગ શબ્દ વેબ લૉગનો પૉર્ટમેન્ટ્યુ શબ્દ (portmanteau word) છે એટલે કે બે કે વધુ શબ્દોનું સંયોજન છે. (અમુક બ્લૉગ પર નજર નાંખતા એ "બાબા લોગ" (બાબા+લોગ) શબ્દનો સમાસ લાગે એ અલગ વાત છે!).
ગુજરાતી બ્લૉગ વિશ્વ અને બ્લૉગર્સની ઑનલાઈન પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરવાથી ઘણી રસપ્રદ બાબતો ખૂલે છે. ઘણાંખરાં પ્રસિદ્ધ અને એસ્ટાબ્લિશ્ડ ગુજ્જુ લેખકોનાં બ્લૉગ એ પોતાના દર અઠવાડિયે છાપામાં એક-બે-ત્રણ દિવસ કે રોજેરોજ પ્રકટ થતાં લેખોને અખબારની વેબસાઈટ પરથી કૉપી-પેસ્ટ કરીને ચડાવી દેવામાં આવતાં દસ્તાવેજોનો રેકર્ડ રાખવા માટેનાં ક્રોનિકલ જેવા વધારે લાગે છે. જેમ કેબીસીમાં પૈસાનાં આકર્ષણને કારણે જનરલ નૉલેજ તરફ લોકોનો પ્રેમ વધ્યો એમ હવે ગુજરાતી બ્લૉગ જગતમાં દર વર્ષે શ્રેષ્ઠ બ્લૉગ જાહેર કરવાની સ્પર્ધાને કારણે ઘણાં લોકોને બ્લૉગ લખવાનું પ્રોત્સાહન મળ્યું છે.
બ્લૉગ અને ફેસબુક વચ્ચે ચોલી-દામન અથવા ભીંત અને વેલી જેવો પ્રગાઢ સંબંધ છે. વ્યવસાયે ડૉક્ટર એવા મહાન રશિયન નાટ્યકાર-વાર્તાકાર એન્ટોન ચેખોવે લખ્યું છે કે દવા મારી ધર્મપત્ની છે, પણ સાહિત્ય મારી પ્રિયા છે. જ્યારે હું એકથી થાકી જઉં છું ત્યારે જઈને બીજી સાથે સૂઈ જઉં છું. (Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other.)
બ્લૉગ અને ફેસબુકને આ તર્ક લાગુ પાડીએ તો બ્લૉગને ધર્મપત્ની અને ફેસબુકને મિસ્ટ્રેસ કહી શકાય. બ્લૉગ ઘણાં અંશે પ્રેડિક્ટિવ છે અને ફેસબુક એડિક્ટિવ છે. બ્લૉગમાં મર્યાદિત interaction કે એકલવાયાપણાંથી કંટાળેલા લોકો રિલેક્સ અને ચિલ આઉટ થવા માટે ફેસબુક પર જાય છે. આધુનિક જમાનાનાં હેન્રી ડેવિડ થોરોને બ્લૉગ જંગલના એકાંતમાં થતાં કલરવ કરતાં ફેસબુક પર જમા થયેલી મેદનીનો કોલાહલ વધારે માફક આવે છે. :) ફેસબુક પર પ્રચાર કરવામાં ન આવે તો જે તે બ્લૉગ પોસ્ટ વંચાવાની કે નોટિસ થવાની શક્યતા કેટલી? જેમ ધર્મ વિનાનું વિજ્ઞાન પંગુ છે એમ ફેસબુક પર પ્રચાર થયા વિનાની બ્લૉગ પોસ્ટ પાંગળી છે. લંગડાઈને ચાલતાં બ્લૉગ માટે ફેસબુક કાખઘોડીની ગરજ સારે છે. આયર્નથી ભરપૂર ખોરાકથી જેમ બ્લડ કાઉન્ટ વધે તેમ ફેસબુક પર મૂકેલી બ્લૉગ પોસ્ટની લિંકથી વ્યૂ-કાઉન્ટ વધે છે.
અને બીજી તરફ ઝનૂની પ્રચારનો અતિરેક કરતાં બ્લૉગર્સની એક આખી જમાત છે. મૌકો જોઈને ચોકો મારવાની જેમ તક મળી નથી કે લિંકનો ઘા આવ્યો નથી! ફેસબુક પર કોઈનો જન્મ દિન છે? એને શુભેચ્છાઓની સાથે પોતાના બ્લૉગની લિંક ભેટ પણ આપો! વણમાંગી સલાહ (unsolicited advice) અને unwanted phone-callsની જેમ અનસોલિસિટેડ લિંક્સનો ત્રાસ પણ જેવો તેવો નથી. :)
પણ લખીને અભિવ્યક્તિ કરવાની મજા જુદી છે. 'કૃષ્ણનું જીવનસંગીત'ની પ્રસ્તાવનામાં ગુણવંત શાહ લખે છે કે, "શિવલિંગ પર ઘણાંબધાં પુષ્પો હાજર હોય તો પણ આપણી ભાવનાનાં સંકેત સમું એક પુષ્પ આપણે અર્પણ કરીએ છીએ." એમ ગુજરાતી બ્લૉગ જગતમાં ઘણાંબધાં બ્લૉગ પહેલેથી હાજર હોય તો પણ ખુદનો બ્લૉગ શરૂ કરવામાં કંઈ ખોટું નથી. :)
ટીપે ટીપે સરોવર ભરાય એમ લિખતે લિખતે બ્લૉગ બન જાયે ! :)
Happy Blogging !
Pushp saman vicharo k bhavnao ne share karvu saru che pane e vicharo mate bija na certificate ni rah jovi e kharab che karan k e vichari ne bhavnao shivling psr chadavela fulo ne jetla pavitra hoy che.
ReplyDeleteFacebook nu nirikshan saru che pan enu addiction kharab che.
i agree facebook is one of the best means of publicity but it is like electricity beautiful, useful, necessary, unavoidable but dangerous if not handled with care.
ReplyDeleteવાહ.. કદાચ ખંજવાળ મટાડતાં Itch Guard ક્રીમ જેવું કામ કરતું હશે. સુંદર અને તમને રોજ મળ્યાનો આનંદ પણ સાથે સાથે...
ReplyDelete