Saturday, August 3, 2013

સમાનધર્મી અને સમાનમર્મી કાવ્યપંક્તિઓ....ભાગ-2

9 જુલાઈ 2013ની બ્લૉગ પોસ્ટમાં અભિવ્યક્તિ અને અંદાજની અલગતા છતાં જેમાંથી એકસરખો કેન્દ્રિય ધ્વનિ નીકળતો હોય એવી એક ડાળના પંખીઓ જેવી નજીક નજીકની સમાનધર્મી અને સમાનમર્મી કાવ્યપંક્તિઓ વિશે લખ્યું હતું. કવિશ્રી રઈશ મનીઆરનો ગઝલ સંગ્રહ "શબ્દ મારા સ્વભાવમાં જ નથી" વાંચ્યા બાદ આ પ્રકારની કેટલીક વધુ પંક્તિઓ મળી આવી છે. સાથે સાથે અન્ય કવિઓની રચનાઓ પર પણ નજર કરીએ:     

(1) કવિતામાં છુપાયેલી કરુણતા:

કવિ સર્જનમાં પોતાની વેદના-સંવેદનાને વાચા આપતો હોય છે, પણ દુનિયા એને ઘણી વખત એક કાવ્યકૃતિથી વિશેષ કશું માનતી નથી. સર્જનની પાછળ છુપાયેલી પીડાનું ગોત્ર સમજવાની પાત્રતા દુનિયામાં હોતી નથી. હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ છે:

मैंने अपनी पीडा को रुप दिया
जग समझा मैंने कविता की

મહાકવિ મરીઝ પણ પોતે કરેલી દિલની વાતને માત્ર એક શાયરી સમજી લેવાની ચેષ્ટા સામે ફરિયાદ કરતાં કહે છે: 
દાદનો આભાર,કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી.

(2)  અવ્યક્ત ઘૂટન-ગૂંગળામણ:

31 જુલાઈ 2013ના દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં બકુલ દવેની અક્ષયપાત્ર કૉલમમાં કવિ કાલિદાસનો સંસ્કૃત શ્લોક વાંચવામાં આવ્યો:

विविक्षितं हि अनुक्तं अनुतापं जनयति (અર્થ: જે કહેવાનું હોય તે ન કહીએ તો પાછળથી પસ્તાવો થાય છે.)

આ જ વાતનો પડઘો પાડતું એક અશ્વેત કવિયત્રી માયા એન્જેલુનું ક્વોટ એક મિત્રે Whatsapp પર મોકલ્યું:
There is no greater agony than bearing an untold story inside you. (તમારા દિલમાં એક વણકહેલી વાત ભંડારી રાખી હોય એનાથી વધીને બીજું કોઈ મોટું દુ:ખ નથી.)

ઉપરના બંને વિચારો પરથી મરીઝનો વધુ એક શેર યાદ આવી જવો સ્વાભાવિક હતો:

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના

ખુલાસાં અને સ્પષ્ટીકરણની તક વિના પૂરો થઈ ગયેલો સંબંધ કેટલું ખાલીપણું આપે છે અને જીવનભર ન કહી શકાયેલી વાતોના પડઘા પડતાં રહે છે એ વ્યથા વ્યક્ત કરતો દિલીપ મોદીનો શેર પણ સરસ છે:

કાંઈ પણ બોલ્યા વિના છૂટા પડ્યા,
ઉમ્રભર એના પછી પડઘા પડ્યા.

જે કહેવાનું હતું એ ન કહી શકાયું તો એની અસર આજીવન કેવી રહી જાય છે એ કવિ અશોક ચાવડા 'બેદિલ'ના આ શેરમાં વ્યક્ત થાય છે:

કહી ન શકાયું ન કોઈને કોઈ કારણસર
રહ્યા કરે છે મને કાયમી અસર ભીની 

(3) હતાશાની ચરમસીમા:

ડૂબતાં માણસને એક તણખલાંનો પણ સહારો પર્યાપ્ત થઈ જાય છે એવું આપણે સાંભળ્યું છે. ઘણી વખત, કોઈ હતાશાભરી પરિસ્થિતિમાં કોઈ વિકલ્પો દેખાતાં ન હોય અને હિંમત હારીને હાથ હેઠાં મૂકી દેવાની તૈયારી હોય ત્યારે જ આશાનો સંચાર કરતો ચમત્કાર થતો હોય છે. હિતેન આનંદપરાનો એક શેર છે:

તૂટવાની અણી પર હો, 
એ જ વખતે આપણી શ્રદ્ધા ફળે, એ કેવું !

તો રઈશ મનીઆર કહે છે:

લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

આપઘાત એટલે મુખ્યત્વે તો જીવનની સમસ્યાઓ સામે ઝીંક ઝીલવાની બિલકુલ સહનશક્તિ ન હોવાને કારણે ધીરજ ખૂટવાથી ક્ષણિક આવેશમાં લીધેલું એક નાદાની ભરેલું પગલું. આવી નાજુક પળને સાચવી લેવામાં આવે તો સમસ્યાઓની સરવાણી વીત્યા બાદ સુખનું સરોવર આપણી રાહ જોતું બેઠું જ હોય છે. રઈશ મનીઆરનો જ બીજો એક શેર જોઈએ:

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી;
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું


(4) સ્વરૂપદર્શન:

માણસે એવા લોકોની વચ્ચે રહેવું જોઈએ જે એને પોતાની લઘુતાનું નહીં પણ ગુરૂતાનું ભાન કરાવે. પોતાની આવડત, ક્ષમતા, કૌશલ્ય અંગે લોકોએ મારેલાં મ્હેણાં-ટોણાં અને વ્યંગબાણોની નકારાત્મકતાથી નાસીપાસ થયેલાં લોકોની હાલત મુખ્યત્વે ઘેટાનાં ટોળામાં ભળીને પોતાને ઘેટું માની બેઠેલાં અને સાચાં સ્વરૂપને ભૂલીને ભ્રમિત થઈ ગયેલાં સિંહબાળ જેવી હોય છે. આવા લોકોને યોગ્ય સમયે તેમનું સાચું સ્વરૂપદર્શન કરાવનારી વ્યક્તિ મળી જાય તો એના વિકાસની શક્યતાઓ ખીલી ઊઠે છે. રઈશ મનીઆર કહે છે:

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો,
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

હતાશ થઈને બેસી ગયેલાં લોકોને મરીઝ થોડાંક ઠપકાનાં સૂરમાં આવો જ બોધ આ પંક્તિઓમાં આપે છે:
 
આ હતાશા લઈને શું બેસી રહ્યો છે બહાર જા,
થોડું પાણી ઘરમાંથી નીકળી નદી થઈ જાય છે.

(5) વ્યક્તિત્વની અપૂર્ણતા:

100 ટકા શુદ્ધ સોનાનાં ઘરેણાં બનાવી શકાતા નથી. એમાં થોડાંક પ્રમાણમાં મિશ્ર ધાતુ ભેળવવી જ પડે છે. જીવનનું પણ એવું જ છે. 100 ટકા શુદ્ધ ચારિત્ર્ય સાથેનું જીવન સિફતપૂર્વક ભૂલાવી દેવાયેલાં સ્ખલનોના વર્ણન પર કાતર ફેરવીને લખાયેલાં જીવન ચરિત્રોમાં જ જોવા મળે છે. ટાઈડ પાવડરની જાહેરાતની જેમ ચોંકાવનારી સફેદીવાળાં વ્યક્તિત્વની માત્ર કલ્પના જ કરવી રહી. માણસમાં ખૂબી હોય તો ખામી અને ખરાબી પણ હોવાની. અ વાતનો પડઘો પાડતાં એક શેરમાં ભગવતીકુમાર શર્મા કહે છે:

થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી 
તો ફરિશ્તાઓના ટોળાથી માણસ અલગ પડે
 
જીવનને બહુ અણીશુદ્ધ ન રાખવાનો આગ્રહ કરતાં સુરેન ઠાકર 'મેહુલ' કહે છે:

જીવનને સાવ અણીશુદ્ધ ના રાખો મિત્રો 
અણીના ટાણે તસુભાર બટકતાં શીખો

(6) કેશ-ઝુલ્ફ:

ये है रेशमी, ज़ुल्फ़ों का अन्धेरा ना घबराइये 
जहाँ तक महक है मेरे केसुओं की, चले आइये
 
પ્રેમિકાનાં જુલ્ફોની વાત આવે અને 1965માં રજૂ થયેલી ફિલ્મ મેરે સનમનું મજરૂહ સુલતાનપુરીએ લખેલું અને મુમતાઝ જેવી મદહોશ કરી નાખે એવી અદાકારા પર ફિલ્માવેલું આ ગીત યાદ ન આવે એવું બને? ડેન્ડ્રફ એટલે કે ખોડો અને ખરતાં વાળાની સમસ્યાના અપવાદ સિવાય પ્રેમિકાની લટો પાછળ લટ્ટુ ન થયો હોય એવો કયો પ્રેમી હશે?

જેમના ઘરે હિન્દી-ગુજરાતી કાવ્યસંગ્રહોનું એક આખું અલગ કબાટ ભરેલું છે એવા કટારલેખક કાંતિ ભટ્ટના એક જૂના લેખમાં વાંચેલી કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ યાદ આવે છે:

कल उन्होने जमुना में न्हाके अपने बाल बाँधे 
हमनें भी अपने मन में क्या क्या ख़याल बाँधे 


હમણાં જ નાહીને આવેલી ફ્રેશ ફ્રેશ સદ્યસ્નાતા સ્ત્રીનાં ભીના વાળની ખૂશ્બૂથી તરબતર થતાં એક અનામી કવિ કહે છે:

કો’ક ભીના કેશ લૂછે છે પણે, 
રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

કવિ અમૃત ઘાયલ મૂંઝવી નાંખતા જટિલ પ્રશ્નોની સરખામણી પ્રેમિકાના જુલ્ફોના વળ સાથે કરીને એક ચમત્કૃતિ સર્જે છે:

પ્રશ્નો નહીં તો હોય નહિ આટલા જટિલ,
ગયા જનમમાં તારી જુલ્ફોના વળ હશે

પ્રેમિકાનાં જુલ્ફની કેદ મળવાથી વિશ્વમાં કોઈ મોભાદાર ઊંચું સ્થાન મળ્યું એવા અહોભાગ્ય સાથે ગદગદિત થઈને બેફામ લખે છે: 

સદભાગ્ય છે કે કેદ મળી એના જુલ્ફની, 
મારો હવે આ વિશ્વમાં ઊંચો મુકામ છે

(7) પરદોષદર્શન:


ઈન્ટરનેટ ચાલુ હોય તો ઑપરેટિંગ સિસ્ટમ અને ઍન્ટી-વાયરસ નિયમિતપણે અપડેટ થતા રહે છે...એવી જ રીતે આપણા અંતરાત્મા સાથે આપણી કનેક્ટિવિટી હોય તો એ પણ આપણને રોજ સુધારવા માટે નવા નવા અપડેટ્સ મોકલે છે. એ ઈન્સ્ટૉલ કરવા કે નહીં એ આપણા પર છે. બીજાના દોષ ચીંધી બતાવીને નીચાજોણું કરાવવામાં આનંદ લેતો માણસ પોતાના દોષોને પારખીને એને દૂર કરવાની બાબતમાં એટલો ખુલ્લાં મનનો હોતો નથી. પરિણામે ઍન્ટી-વાયરસની ડેફિનિશન્સનાં અપડેટ વિના સ્થગિત થઈ ગયેલી સિસ્ટમની જેમ એનું મન રોગી બને છે. આ બાબતને વર્ણવતી અજ્ઞાત કવિઓની પંક્તિઓ જોઈએ:   

દેખે પરાયા દોષને, એવા લાખો લોક છે 
દ્રષ્ટિ કરે નિજ દોષ પર, એવા વિરલા કો'ક છે

*          *         *         *           *        *

વારી જાઉં આંખ, તારા આ અજબ ચાતુર્ય પર,
જે જોવાનું છે તે, તું કોઈ દિ' જોતી નથી 
વિશ્વમાં ઘૂમે ચોમેર, તીવ્રતમ તારી નજર 
જગ જુએ છે તું, ફક્ત નિજ દોષને જોતી નથી

2 comments:

  1. અતિ સુંદર.. વારી જાઉં.

    ReplyDelete
    Replies
    1. આભાર પૃથુભાઈ... મજામાં હશો. :)

      Delete