ગંદકી થવી, રસ્તાઓ, શેરીઓમાં પાણી ભરાવા, ખાબોચિયાં થવા વગેરે જેવી સમસ્યાઓને કારણે હવે ભાગ્યે જ કોઈ એવી સીઝન હશે જેમાં મચ્છરોનો ત્રાસ જોવા મળતો નહીં હોય. મક્ષિકા એટલે કે માખી પરથી મેક્ષિકો દેશનું નામ પડ્યું એવી વાત ઓશોની જીવનકથામાં વાંચી હતી. જો કે, મચ્છરને કોઈ દેશના નામકરણ સાથે સંબંધ છે કે કેમ એ ખ્યાલ નથી પણ જેને ષડરિપુ તરીકે ઓળખવામાં આવે છે એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પૈકીના છેલ્લાં અવગુણ મત્સર એટલે કે ઈર્ષા, અદેખાઈ માટે મચ્છર નામનો સમાનાર્થી શબ્દ પણ છે. નાગર બ્રાહ્મણોમાં હાથી જેવી સ્થૂળ અટકની સાથે સાથે ચાંચડ, માંકડ, મચ્છર જેવી સૂક્ષ્મ અટકો પણ છે. મહાકાય પ્રાણીની સાથે સાથે સૂક્ષ્મ જંતુઓના નામે અટક રાખવાનો વિરોધાભાસ સમજાતો નથી.
એરોડ્રામની આસપાસ વિમાન ઉડ્ડયન ક્ષેત્ર એટલે કે ફ્લાઈંગ એરિયાની નીચે રહેતાં લોકોને આકાશમાં ઉડતાં વિમાનોનાં અવાજને કારણે જેટલી ખલેલ નહીં પડતી હોય એનાથી વધારે અકળામણ અને ખલેલ રાત્રે સૂતી વખતે સ્લિપિંગ એરિયામાં કાનની પાસે ગણગણાટ કરતાં મચ્છરોના અવાજથી થતી હશે. રજાઈ કે ચોરસાં હેઠળ લપાઈ જવા છતાં મચ્છરનો તીણો અવાજ પ્લેબેક સિન્ગિંગના અનુભવ વિના બધાં આવરણોને ભેદીને આપણા કાન સુધી શી રીતે પહોંચી જતો હશે? મચ્છર હાથથી મારતા માણસનો દેખાવ ક્ષણભર માટે તાબોટા પાડતાં માસીબાઓ જેવો થઈ જતો હોવાથી કદાચ એમાંથી "એક મચ્છર આદમી કો..." એ ગીત લખવાની પ્રેરણા મળી હશે. 1997માં આવેલી યશવંત ફિલ્મના આ ગીતે નાના પાટેકરની સાથે મચ્છરોને પણ યશ અપાવ્યો. ગુજરાતીમાં મન મોર બનીને થનગાટ કરે એવી અમર રચના લખાઈ છે પરંતુ મન મચ્છર બનીને ગણગણાટ કરે એવી રચના હજી સુધી લખાઈ નથી.
મજાક બાજુ પર રાખીએ તો, એક મચ્છર શું કરી શકે છે? બાળવાર્તાઓમાં વાંચ્યું છે એમ મદમસ્ત હાથી જેવા વિશાળ પ્રાણી કે વનરાજ સિંહના કાનમાં ઘૂસીને ઉત્પાત મચાવી શકે છે અને એ પ્રાણીઓનો સુપરપાવર હોવાનો ભ્રમ ભાંગી શકે છે. કાલા હિટ મૉસ્કિટો સ્પ્રેની જાહેરાતમાં બતાવ્યા પ્રમાણે મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ કે કોઈપણ પ્રકારની સૌંદર્ય સ્પર્ધાઓ જીતવા માટે સક્ષમ એક રૂપાળી પ્રતિભાશાળી મોડેલને એક જ મચ્છર કરડી જતાં મેલેરિયાને કારણે પથારીવશ થવું પડે છે અને સૌંદર્ય સ્પર્ધા જીતવાનો મોકો ગુમાવે છે. (જુઓ નીચે વીડિયો!)
નાનપણમાં મચ્છરોના ત્રાસથી બચવા માટે પલંગની ચારેબાજુના હૂકમાં સળિયાઓ ભરાવીને આછાં ભૂરા રંગની મચ્છરદાની બાંધવાના રોમાંચક સ્મરણો કેમ ભૂલાય? મચ્છરદાની બાંધતી વખતે વહેલાં તે પહેલાંના ધોરણે કોઈ મચ્છર અંદર આવી જાય તો બહાર રહી ગયેલાં મચ્છરોને અફસોસ થતો હશે કે લોહી પીવામાં તમે લઈ ગયા અને અમે રહી ગયાં! પણ સમયની સાથે દરેક જૂની શોધનું સ્થાન નવી શોધ લે છે એમ મચ્છરદાનીઓનો ઉપયોગ ઘટવા લાગ્યો.
જ્યારે પહેલી વાર ટીવી પર મચ્છરોને જીભ બહાર કાઢીને ગળી જતાં ઑલ આઉટ મૉસ્કિટો રેપેલન્ટની જાહેરાત જોઈ હતી ત્યારે અચરજ થયું હતું કે મશીન કૂદકા મારી મારીને મચ્છરોને ખાતું હશે? પછી ખરેખર મશીન લાવ્યા અને એમાં મચ્છરરોધક રસાયણની શીશી ભરાવીને પ્લગમાં નાંખવાનું હોય છે એવું જાણ્યા બાદ આ ભ્રમ દૂર થયો હતો અને છેતરાયાની લાગણી થઈ હતી. જેમ નવી પેઢી પોતાની પુરોગામી પેઢી કરતાં વધારે સ્માર્ટ અને ચબરાક થતી જાય છે એ જ રીતે ગૂડ નાઈટ અને ઑલ આઉટ જેવા મચ્છરરોધક રસાયણો સામે મચ્છરોની નવી પેઢી ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રતિકારક ક્ષમતા વિકસાવતી જાય છે. પરિણામે આજના જમાનામાં મચ્છરોને બાળીને ભસ્મ કરી દેતાં મચ્છરભસ્મક બેટ કે રેકેટ તરીકે ઓળખાતું સાધન ઘણું લોકપ્રિય બન્યું છે.
જ્યારે માખીઓ મારવાનો સમય હોય એટલે કે નવરાશનો સમય હોય ત્યારે આ રિચાર્જેબલ રેકેટને પ્લગમાં ભરાવીને અમુક કલાકો માટે ચાર્જ કરવાનું હોય છે જેથી તે બીજે દિવસે ફરીથી મચ્છરોનો ખાત્મો બોલાવવા માટેની તાજગી મેળવી લે. વિડંબણા એ છે કે જે ચીન આપણને સરહદે સતત ટેન્શનમાં રાખે છે એ જ ચીની બનાવટના આ રેકેટ્સનો ઉપયોગ કરીને આપણે આપણાં ઘરમાં ઘૂસેલા સૂક્ષ્મ દુશ્મનોનો ખાત્મો બોલાવીએ છીએ. જેમ Windows XP કરતાં Windows 7 અને 8 ઑપરેટિંગ સિસ્ટમ ઘણી વધારે ઝડપથી બૂટ થાય છે તેમ મચ્છર કરતાં પ્રમાણમાં વધારે મોટી એવી માખી સ્વ-બચાવમાં વધારે ચપળ અને ઝડપી હોય છે. નસીબ સાથ આપે તો આ રેકેટથી મચ્છર ઉપરાંત, માખીઓ, ફૂદાંઓ, વંદાનું મિનિ વર્ઝન એવી વંદીઓ પણ મારી શકાય છે.
સંસ્કૃતમાં એક સુભાષિત છે:
उद्यमेन हि सिध्यंते कार्याणि न मनोरथै:
नहि सुप्तस्य सिम्हस्य प्रविशंति मुखे मृगा:
મતલબ કે માત્ર મનમાં ઓરતાં રાખવાથી કે મનોકામના સેવવાથી આપણાં કાર્યો સિદ્ધ થતાં નથી. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. જેમ સૂતેલા સિંહના મોંમાં હરણ જાતે દોડી આવીને કોળિયો બનવા માટે પ્રવેશ કરતું નથી, નદી તરસ્યા માણસ પાસે સામે ચાલીને જતી નથી અને તમારા લક્ષ્યાંકો અને સ્વપ્નો જાતે આળસ મરડીને તમારી પાસે સાકાર થવા માટે આવતા નથી, બિલકુલ એ જ રીતે મચ્છરો પોતે જાતે ઊડીને મરવા માટે રેકેટની જાળીમાં સપડાતાં નથી. મચ્છરો ઉડતાં હોય એ દિશામાં જઈને રેકેટ વીંઝવું પડતું હોવાથી ક્રિકેટની જેમ આમાં પણ ટાઈમિંગ, ટેકનિક મહત્ત્વનાં છે જ, સાથે સાથે ફૂટવર્ક ઉપરાંત હેન્ડવર્ક પણ બરાબર હોવું જરૂરી છે. દરમિયાન જેઓ યુવાવયે ક્રિકેટ કે ટેનિસ પ્લેયર બનવાનાં સપનાં જોતાં હોય પરંતુ સંજોગોવશાત સાકાર કરી શક્યા ન હોય એવા લોકો મૉસ્કિટો બેટ કે રેકેટ વડે મહત્તમ સંખ્યામાં મચ્છરો મારવાનો વિક્રમ નોંધાવ્યાનો સંતોષ મેળવી શકે છે!
અહા બહુ જ સરળ અને smily lekh . મચ્છર માટે તો ભલભલા ઉદ્યમ કરવા લાગી જાય , બુખ કદાચ સહન કરી શકાય પણ મચ્છરનો ગણગણાટ નહિ જ . તમારું મન ભલે મચ્છર બની ગણગણાટ કરે પણ તમારો લેખ વાચકો માટે મસ્ત બની મલકાટ કરાવે ..
ReplyDeleteમોર થી મચ્છર વાહ.. સુંદર લેખ
ReplyDeleteGood article with humour....
ReplyDelete