Friday, March 14, 2014

...ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે કૌમાર્યભંગ કરતાં આચારસંહિતા ભંગના કિસ્સાઓ વધી પડે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે ગુપ્તરોગોનું નિદાન અને સારવાર કરતાં સેક્સોલજિસ્ટો કરતાં ચૂંટણી અને મતદાનના વલણોની મિમાંસા કરતાં સેફૉલજિસ્ટો વધારે ચર્ચામાં હોય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે ઈન્ટરપોલ કરતાં ઍક્ઝિટ પોલનું મહત્ત્વ વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે સભાઓ ગજવીને બધાં નેતાઓના અવાજો ઘોઘરાં થઈ જાય અને હરીફ પક્ષ સાથે ઝપાઝપીમાં કાર્યકર્તાઓના હાડકાં ખોખરાં થઈ જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે હૃદયપલટા કરતાં પક્ષપલટાની ઘટનાઓ વધે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે સંનિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને બલિના બકરા બનાવવામાં આવે અને બાહુબલિઓને ટિકિટમાં પ્રાથમિકતા આપવામાં આવે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે અદાલતોમાં દાખલ થતી ફરિયાદીઓની અરજીઓને બદલે ચૂંટણીપંચ સમક્ષ આચારસંહિતા ભંગની અરજીઓનો જથ્થો વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે પોલીસ સ્ટેશનની બદલે પોલિંગ સ્ટેશનની સંખ્યા વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે નેતાઓના ડિનર ટેબલ પર ચટણીને બદલે ઉમેદવારોની છટણીની પ્રાથમિકતા વધે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે ઈન્કપેનમાં ભરવાની શાહીને બદલે સિલ્વર નાઈટ્રેટની શાહીની માંગ વધારે ઊભી થાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે જનતાની જરૂરિયાતો અને એમને આપેલા અધૂરા રહેલાં વચનોની યાદી કરતાં ઉમેદવારોની યાદીની ચિંતા વધારે સતાવે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે ફૅશન શોને બદલે રોડ શોના આયોજન વધારે થાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે ટપાલ, સિનેમા, બસ કે ટ્રેનની ટિકિટ કરતાં વિધાનસભા કે લોકસભા બેઠકની ટિકિટ વધારે ચર્ચામાં હોય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે ભાષણ કરવા માટે શબ્દભંડોળ અને પ્રચાર કરવા માટે નાણાંભંડોળની તીવ્ર જરૂરિયાત ઊભી થાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે કૉલેજમાં થતી રેગિંગની ઘટનાઓ કરતાં મતદાન મથકોએ પોલ રિગિંગ (rigging)ની ઘટનાઓ વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે બધાં નેતાઓ કેમ્પેઈન કરતાં હોય પણ કેમ પેઈન થાય છે એવું જનતાને ન પૂછતાં હોય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...

જ્યારે થ્રી-ડી એટલે કે ડિઝાયર, ડૅપ્થ અને ડિલિજન્સ (Desire, Depth and Diligence) અનુક્રમે ઈચ્છાશક્તિ, ઊંડાણ અને ઉદ્યમને અવગણીને થ્રી-ડી ટેકનોલોજીની મદદથી ઝાકઝમાળવાળા પ્રચારથી લોકો સુધી પહોંચવાના તરકટ કરવામાં આવે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... 

2 comments:

  1. મસ્ત મજાની ચૂંટણી ભભરાવેલી પોસ્ટ :)

    ReplyDelete