આસામ અને ત્રિપુરામાં છ બેઠકો માટે મતદાન સાથે 2014ની 16મી લોકસભા માટેની ચૂંટણી આજથી શરૂ થઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ એમ અલગ અલગ કેમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી અને ઝપાઝપી સાથે ભારતના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બનનારી ચૂંટણીના પડઘમ પરાકાષ્ઠાએ વાગી રહ્યા છે. પોતપોતાના પ્રિય-અપ્રિય-અતિપ્રિય નેતાઓના સમર્થન કે વિરોધમાં સામસામે પ્રગટ થતાં વિરોધાભાસી સૂરો અને ઘોંઘાટનું પ્રમાણ એટલું ઊંચું છે કે ભારતીય રાજકારણને વિવેકનો બિલોરી કાચ લઈને બારીક નજરે જોવાની કોશિશ કરતાં સમજદાર લોકો પણ આ બધા કોલાહલમાંથી સત્ય હકીકતોનો કલરવ સાંભળી શકતાં નથી.
આવા ગરબડિયા, ઘોંઘાટિયા અને મૂંઝવી નાંખતા માહોલમાં કોઈનો પણ ગેરવ્યાજબી રીતે પક્ષ તાણ્યા વિના કે અણછાજતી ટીકા કર્યા વિના વિવિધ અંગ્રેજી દૈનિકોમાં 25થી વધુ વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં પત્રકાર અને અર્થશાસ્ત્રી સુતનુ ગુરુએ પોતાના ખુદના માર્મિક અવલોકનો અને જે તે ક્ષેત્રના "ધોરણસર"ના લોકોના મંતવ્યોનું સંકલન કરીને 2014ની લોકસભા ચૂંટણી અને એ પછીના દશકને ધ્યાનમાં રાખીને
Beyond Rahul vs Modi, 2014-2024, The Battle for India's Soul નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે એના વિશે વાત કરવી છે. અહીં મોદી મંજીરા મંડળી કે કેજરીવાલ કકળાટ કમિટિ કે શહજાદા સાયકોફન્ટ્સ અનલિમિટેડ જેવી ટીમોના પૂર્વગ્રહયુક્ત વિચારોની બિલકુલ શેહમાં આવ્યા વિના પ્રામાણિકતા અને પરિપક્વતાથી લેખકે ઐતિહાસિક તથ્યો, વર્તમાન પરિસ્થિતિ અને આજની ચૂંટણીની આવનારા દશકના ભારત પર પડનારી અસર સુધીના પરિબળો પર પ્રકાશ ફેંકવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે.
એક ચાવાળો (મોદી) ચાચાવાળાના કુટુંબીજન (રાહુલ)ને હરાવી શકશે? આટલી મોટી સંખ્યામાં લોકો મોદીને કેમ ધિક્કારે છે? રાહુલ કોંગ્રેસ પાર્ટીમાં બદલાવ લાવી શકશે? વડાપ્રધાન તરીકે મોદીના રાજમાં લઘુમતીઓ સલામત રહી શકશે? છેવટે ચૂંટણીના પરિણામોથી સરદાર પટેલ નેહરુ પર બદલો લઈ શકશે? અરવિંદ કેજરીવાલ ફેક્ટર નિર્ણાયક બનશે? આવા પ્રશ્નોને અહીં આવરી લેવામાં આવ્યા છે. 8 પ્રકરણોમાં વહેંચાયેલા 215 પાનાનાં પુસ્તકના લગભગ દરેક પ્રકરણ પર બ્લૉગ પોસ્ટ લખી શકાય, પરંતુ વધારે સાયબર સ્પેસ રોક્યા વિના ઘણાં પ્રકરણોને અનિચ્છાએ અવગણીને મુખ્ય અંશો રજૂ કરું છું. God is in the details એવું અંગ્રેજીમાં ભલે કહેવાતું હોય, પરંતુ સમીક્ષા કે સારાંશ લખતી વખતે "લાઘવમાં જ રાઘવ સમાયેલો છે" એવી મૌલિક ગુજરાતી અભિવ્યક્તિ વધારે યોગ્ય છે. :)
પ્રસ્તાવના
ચીલાચાલુ બાબતોથી આગળ વધીને વિચારવા પર ભાર મૂકવા માટે પુસ્તકના ટાઈટલમાં આવતો Beyond શબ્દ ઘણો સૂચક છે. આ ચૂંટણી સોશિઅલ, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં ચાલતી તીખી તમતમતી રાજકીય ડિબેટ્સથી પણ આગળ વધીને આગામી દસકાના ભારતનું ભાવિ ઘડનારી બની રહેશે એવું પ્રસ્તાવનામાં લેખક લખે છે. લેખકના મતે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે પણ ઉદય પામી શકે અથવા તો આંતરિક વિરોધાભાસોને કારણે ઉદય જેટલી જ ઝડપથી પતન પણ પામી શકે. મોદી અને રાહુલને એકલદોકલ નેતાઓ માની લેવાને બદલે 1947થી ટકરાવ પર ચડેલાં ભારતના બે ભિન્ન ભિન્ન મતોનું પ્રતિનિધિત્ત્વ કરતાં પ્રતીક તરીકે આલેખવામાં આવ્યા છે. ભિન્નતા બતાવવા માટે લેખક સેક્યુલારિઝમ અને કોમવાદની જૂની ને જાણીતી ડિબેટથી આગળ વધીને ઘણાં મુદ્દાઓ શોધી લાવ્યા છે. આર્થિક નીતિના ઘડતરમાં સમાયેલો સૈદ્ધાંતિક ઢાંચો હોય કે ગરીબી રેખાથી ઉપર પરંતુ મધ્યમ વર્ગની કક્ષામાં ન આવી શકતા નવા ઉદય પામેલા નીઓ-મિડલ ક્લાસની ઝડપથી બદલાતી જતી મહાત્વાકાંક્ષાઓ હોય કે ભારતમાં પરિવર્તનના પ્રહરી તરીકે સામાજીક અને રાજકીય સંસ્થાઓની ભૂમિકા હોય; આ બધાં ક્ષેત્રોમાં બે ભિન્ન મતોનો ટકરાવ નજરે ચડે છે. આઝાદીથી અત્યાર સુધી ભારત સરકારે ઘડેલી નીતિઓમાં નેહરુવિયન કન્સેન્સસ (Nehruvian Consensus) કહેવાતી જવાહરલાલ નેહરુની વ્યૂહરચના, વિચારધારાનો પ્રભાવ રહ્યો છે. દેશના એકમાત્ર ભાજપી વડાપ્રધાન વાજપેયીજીએ પણ આ જ વિચારધારાની મર્યાદામાં રહીને શાસન ચલાવ્યું. નરેન્દ્ર મોદી ભારતના આ પ્રકારના ખ્યાલને ખુલ્લંખુલ્લા પડકારનારા પ્રથમ જન-નેતા બન્યા છે. લેખક માને છે કે નરેન્દ્ર મોદીના આ પડકારની વિશ્વસનીયતા અને ગંભીરતા રાહુલ સામેના યુદ્ધને આક્રમક આકાર આપે છે અને એમાં સામેલ મુદ્દાઓ ભારતના ભવિષ્ય પર પ્રત્યક્ષ અસર કરવા સક્ષમ છે.
રાહુલ વિરુદ્ધ મોદીનું કવરેજ અને મીડિયાના પૂર્વગ્રહો
બે રાજકીય વિરોધીઓ એકબીજાની ટીકા કે અનાદર કરે કે એકબીજાને તુચ્છ ગણે એ સ્વાભાવિક છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં જે ઝેરીલા દ્વેષ સાથેના વ્યંગબાણોનો મારો ચાલ્યો છે એવો અગાઉની કોઈ ચૂંટણીઓમાં જોવા મળ્યો નથી એવું અખબારી અહેવાલો પર રોજેરોજ નજર રાખતાં બધાં વાચકો સ્વીકારશે. ન્યુઝ ચેનલની ડિબેટ, અખબાર-મેગેઝિનની કૉલમો, ટ્વિટર અને ફેસબુક પરના સામસામા પ્રહારો કે ઈન્ટરનેટની કોઈપણ સરેરાશ બ્લૉગ પોસ્ટ નજર ફેરવતાં મફત મનોરંજન મળે છે.
ખાધું, પીધું ને રાજ કર્યું જેવી સુખદ અંતવાળી વાર્તા આપણા ભારતવર્ષના નસીબમાં નથી એની ગવાહી આપણો સાંસ્કૃતિક વારસો આપે છે. આ બધી મડાગાંઠમાં પત્તાની કૅટમાં ઉમેરાયેલા નવા જોકર અરવિંદ કેજરીવાલે સમગ્ર મુકાબલાને ત્રિપાંખિયો બનાવવાનો ભય ઊભો કર્યો છે. કોઈ એને લાલ કિલ્લા તરફ મોદીકૂચ અટકાવવા માટે કોંગ્રેસના ઈશારે ઉતારવામાં આવેલ ઉમેદવાર ગણાવે છે તો કોઈ અરવિંદ અને આપના ઊભા થયેલા ઉન્માદને વહેલાં કે મોડાં ફૂટી જનારા ફુગ્ગા સાથે સરખાવે છે. સૌમ્ય, વિચારશીલ અને ખુલ્લાં મનનાં હોવાની છાપ ઊભી કરતાં ભલભલાં દિગ્ગજ પંડિતો, ચળવળકારો, કટારલેખકો અને વિશ્લેષકો આ ચૂંટણીનું કવરેજ કરતી વખતે સાનભાન અને સંતુલન ખોઈ નાંખતા જણાય છે. એક સમયે ભાજપના સખ્ત ટીકાકાર અને હવે મોદીના પ્રશંસક બનેલા સ્વતંત્ર ફેમિનિસ્ટ મધુ કિશ્વાર, રાહુલ ગાંધીને શરમ આવે એટલી હદે ચાપલૂસીની હદ વટાવતાં કાબરચીતરી દાઢીવાળા સંજય ઝા, અગાઉ મોદીની કાર્યપદ્ધત્તિઓના પ્રશંસક અને હવે ટીકા કરતાં કટાર લેખક આકાર પટેલ, સેન્ટર ફૉર પોલિસી રિસર્ચનાં પ્રતાભ ભાનુ મહેતાનો મોદી પ્રત્યેનો અણગમો - આ બધાનાં વિચારોમાં તટસ્થ આકલનને બદલે નર્યા પૂર્વગ્રહો વધારે દેખાય છે. લેખક લખે છે કે મોદીની ટીકા કરતાં દર દસ રાજકીય વિશ્લેષકો, પંડિતોએ એવો એક પણ દેખાતો નથી જે એટલી જ તીવ્રતાથી રાહુલની ટીકા કરે. પરિણામે, "ઈન્ટરનેટ હિન્દુઝ" કહેવાતી પલટન આ ખોટને સોશિઅલ મીડિયામાં સરભર કરવાનું કામ કરે છે. (સીએનએન-આઈબીએનના લાઉડ એન્કર સાગરિકા ઘોષે આ શબ્દ પ્રથમ વાપર્યો હતો.)
2010માં પ્રથમ વખત લૉન્ચ થયા બાદ અત્યાર સુધી 50 લાખ હિટ્સ મેળવ્યાનો દાવો કરતી www.mediacrooks.com વેબસાઈટ પર નિધિ રાઝદાન, કુમાર કેતકર, અર્નબ ગોસ્વામી, વીર સંઘવી, કરણ થાપર, વિનોદ શર્મા, શેખર ગુપ્તા, રાજદીપ સરદેસાઈ, સાગરિકા ઘોષ અને બરખા દત્તને ભારતનાં સૌથી ખરાબ દસ પત્રકારો ગણાવવામાં આવ્યા છે. તો સામે પક્ષે ચડતાં ક્રમમાં સૌથી શ્રેષ્ઠ પત્રકારોમાં અશોક મલિક, મધુ ત્રેહાન, આર. જગન્નાથન, પી. સાઈનાથ, જે. ગોપાલક્રિષ્નન, સુચેતા દલાલ, એમ.જે. અકબર, કંચન ગુપ્તા, સ્વપન દાસગુપ્તા અને અરૂણ શૌરીના નામો જોઈને વેબસાઈટનો અજ્ઞાત સંચાલક મોદી તરફી હોવાની છાપ ઉપસે છે.
ગમ્મતની વાત એ છે કે એકલા મોદી સમર્થકોને જ મેઈનસ્ટ્રીમ મીડિયા સાથે વાંકું પડ્યું છે એવું નથી. 2013માં ડાબેરી કાર્યકર્તા તીસ્તા સેતલવાડે કેરળની એક બેઠકમાં એવું વિધાન કર્યું કે નરેન્દ્ર મોદીના ઈમેજ મેક-ઓવર માટે જે પીઆર કવાયતો કરવામાં આવી રહી છે એને એવા કોર્પોરેટ જૂથોનું પીઠબળ છે જે ટીવી ચેનલોમાં રોકાણનો મોટો હિસ્સો ધરાવે છે! (આ વિરોધાભાસી ગમ્મત જોતાં, નરેન્દ્ર મોદીને સાચા અર્થમાં 'polarizing' અને 'divisive' કહી શકાય? :P)
મોદી વિ રાહુલની અમિતાભ વિ શશી કપૂર, અંબાણી વિ વાડિયા અને જગદીશ ભગવતી વિ અમર્ત્ય સેન સાથે સરખામણી: (લેખકે કરેલી ત્રણ સરખામણીઓ પૈકી આપણે માત્ર એક જ ઉદાહરણ પર નજર ફેરવીએ)
બોલીવૂડમાં પગ જમાવવા માટે સંઘર્ષ કરતાં આઉટસાઈડર અમિતાભ અને કપૂર ખાનદાનના હોવાને કારણે ફિલ્મોમાં સરળતાથી કરિયર બનાવી શકનાર શશી કપૂરની અનુક્રમે મોદી અને રાહુલ ગાંધી સાથેની સરખામણી રસપ્રદ છે. બંનેએ સાથે જેટલી ફિલ્મોમાં કામ કર્યું એમાં અમિતાભ અન્યાયી દુનિયા સામે અવાજ પોકારીને પોતાની મર્યાદાઓને ઓળંગીને હક મેળવનાર બળવાખોર તરીકે ઉપસે છે જ્યારે શશી કપૂરની ઈમેજ આનંદી, હમસુખા, ચોકલેટી ઈન્સાન તરીકેની રહી છે. શશી કપૂર બધાંને ગમે એવો એક ચહીતો ચહેરો બની રહ્યા પણ નિર્માતાઓએ એન્ટી-હીરો તરીકે સફળ થનાર બચ્ચનના ઘરની બહાર લાઈન લગાવી. અમિતાભે રાજેશ ખન્ના કરતાં પણ સવાયા સુપર સ્ટાર બનીને કૌતુક સર્જ્યું, પણ એથી શશી કપૂરની કારકીર્દિ પર પડદો પડ્યો નહીં એ જ રીતે મોદી 2014ની લોકસભા ચૂંટણીના મહાનાયક બનીને સામે આવે તો પણ એનાથી રાહુલ ગાંધીની કારકીર્દિનો મૃત્યુઘંટ વાગી જશે એવું માની ન લેવાય. શશી કપૂરે નમ્રતાથી સ્વીકાર્યું કે પોતે અભિનેતા બન્યા એની પાછળ કૌટુંબિક બેકગ્રાઉન્ડનું પીઠબળ હતું. એવી જ વાત 2013ની એક સ્પીચમાં રાહુલે કરી હતી. બોલીવૂડે આપેલાં પ્રેમ અને સફળતાં છતાં સિસ્ટમને ચેન્જ કરવાની તીવ્ર ખ્વાહિશને કારણે શશી કપૂરે ઘણી ઑફબીટ ફિલ્મોને ફાયનાન્સ કરી અને નિર્માતા પણ બન્યાં, પણ એ બધી ફિલ્મો બૉક્સ ઑફિસ પર નિષ્ફળ જતાં શશી કપૂરે પરિવર્તનના પ્રયત્નો મૂકી દીધાં. રાહુલ પણ સગાવાદની ઊધઈથી ગ્રસિત કોંગ્રેસની સિસ્ટમમાં જોશભેર સુધારા લાવવા માટે પ્રયત્નો કરે છે એ બધાને સુવિદિત છે. માની લઈએ કે મોદી 2014માં રાહુલને હરાવી દે તો અમિતાભ સ્ટાઈલના સવાલથી રાહુલને ટોણો મારી શકશે કે : "તુમ્હારે પાસ ક્યા હૈ?". જવાબમાં રાહુલ એવું કહે કે "મેર પાસ મા હૈ"! તો આ જવાબ બિલકુલ ફિલ્મી નહીં લાગે!
ભારતીય મતદારોનું અકળ મન
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા બાદ પ્રજામાં ભારે આક્રોશ અને અસંતોષ ભભૂકી રહ્યો હતો. ટીવી સ્ટુડિયો અને શેરીઓમાં ઘણાં લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. સૌમ્ય અને પ્રબુદ્ધ બેન્કિંગ પ્રોફેશનલ મીરા સન્યાલે આસપાસના માહોલમાં વ્યાપેલો જન-આક્રોશ જોઈને 2009ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ મુંબઈ બેઠક પરથી અપક્ષ તરીકે એવી આશા સાથે ઝુકાવ્યું કે લોકો સુશાસન કરી શકે એવા જવાબદાર રાજકારણીઓને ઝંખે છે. સામે પક્ષે કોંગ્રેસના મિલિંદ દેવરા જેવા મજબૂત હરીફ હોવા છતાં મીરાને વિશ્વાસ હતો કે આતંકવાદી હુમલા પછી કેન્ડલ માર્ચ લઈને રેલી અને અન્ય વિરોધ પ્રદર્શનો કરનારા જાગૃત નાગરિકોના મતોના સહારે પોતે સ્વચ્છ છબીને કારણે ચૂંટણીમાં સારો દેખાવ કરી શકશે. પરિણામ? કુલ 6.5 લાખ મતોમાંથી મીરાને 11,000થી ઓછાં મત મળ્યાં અને મિલિંદ દેવરા અઢી લાખ મતોના માર્જીનથી જીતી ગયા. 1990થી 2005 સુધી બિહારમાં લાલુ યાદવ અને પછી એમના પત્ની રાબડી દેવીએ 15 વર્ષ એકધારું શાસન કર્યું. 2005માં ટૂંકા સમય માટે રાષ્ટ્રપતિ શાસન બાદ લાલુ અને રાબડી નિતિશની આગેવાની હેઠળના જેડી(યુ)-ભાજપ ગઠબંધન સામે હાર્યા. એ ચૂંટણીમાં 6000ના નાના માર્જીનથી રાબડી રાઘોપુરની બેઠક જાળવી શક્યા, પરંતુ 2010માં ફરીથી ચૂંટણી થઈ ત્યારે યાદવ મતદારોના ગઢ ગણાતાં વિસ્તારમાં રાબડી દેવી 11,000 મતોથી હાર્યા અને સાથે સાથે સોનેપુરની બીજી બેઠક પણ ગુમાવી. આનો અર્થ એવો થાય કે બિહારનાં રાઘોપુર ગામના મતદારો દક્ષિણ મુંબઈની મલબાર હિલ્સ અને કોલાબા જેવા શહેરી વિસ્તારોના મતદારો કરતાં વધારે સ્માર્ટ છે? એક તરફ ભ્રષ્ટ અને પ્રજાના પ્રશ્નો તરફ ઉદાસીન અને નિષ્ક્રિય સરકારો તરફ નાગરિકોમાં રોષ જોવા મળતો હોય છે અને બીજી તરફ મતદાનના દિવસે આમાનાં ઘણાં નાગરિકો પોતે મત ન આપીને નાગરિકધર્મ બજાવવા પ્રત્યે ઉદાસીનતા બતાવે છે. મોદી અને રાહુલની લડાઈમાં આ પરિબળો કેટલાં કામ કરશે?
સેક્યુલારિઝમ અને મંટોની સકીના:
ભારત-પાકિસ્તાન ભાગલાની ભયાવહતાની પૃષ્ઠભૂમિમાં લખાયેલી સઆદત હસન મંટોની "ખોલ દો" વાર્તા સકીના નામની ખોવાયેલી પુત્રીની ખોજમાં બેબાકળા થઈને દોડતા પિતા સિરાજુદ્દીન વિશે છે. સકીના રૂપાળી છે, જમણા ગાલ પર એક તલ છે. સિરાજુદ્દીનને એટલું યાદ છે કે એણે પત્ની અને સકીના સાથે અમૃતસરથી મુઘલપુરા જતી ટ્રેન પકડી હતી, પત્નીને ટોળાએ રહેંસી નાંખી હતી અને પછી જીવ બચાવવા માટે પુત્રી સાથે દોડતો ફરતો હતો. ખોવાઈ ગયેલી સકીનાને શોધી આપવા એ 8 યુવાનોના ટોળાને વિનંતી કરે છે. ઘણાં દિવસો પછી પોતાના કેમ્પ પાસે કેટલાંક માણસોને એક શરીરને લઈને હંગામી ધોરણે ઊભી કરેલી અસ્પતાલમાં લઈ જતા એ જુએ છે. ત્યાં જઈને જુએ છે તો ખાલી રૂમમાં સ્ટ્રેચર પર પડેલું શરીર સકીનાનું છે. સકીના મળતાં સિરાજુદ્દીન ખુશ થઈ જાય છે. ડૉક્ટર આવે છે અને એને બારી ખોલવાનું કહે છે. એ જ વખતે સકીના દર્દથી કણસીને નાડું ઢીલું કરે છે અને સલવાર નીચે ઉતારે છે. મંટોએ એ નરાધમો વિશે એક શબ્દનું પણ વર્ણન કર્યું નથી જેમણે સકીના પર એટલી હદે વારંવાર પાશવી બળાત્કાર ગુજાર્યો કે પુરુષનો આદેશ આવે એટલે પગ ખુલ્લાં કરી દેવાના એવું કરુણ સમીકરણ સકીનાના મનમાં જડાઈ ગયું. મંટોએ નામ ન આપ્યું તો પણ બળાત્કાર કોણે કર્યો હશે એ ધારી શકાય એવી બાબત છે.
ભારતમાં પણ સેક્યુલારિઝમ સકીના જેવું બની ગયું છે. મોટાભાગના રાજકીય પક્ષોને કંઈપણ પૂછવામાં આવે એટલે મોઢામાંથી "સેક્યુલારિઝમ"નું રટણ ચાલુ થઈ જાય છે. સકીનાની જેમ વારંવાર બળાત્કારમાંથી પસાર થતું સેક્યુલારિઝમ એક યંત્રવત જીવતું મડદું અને માણસના વિશ્વાસઘાતનું પ્રતીક બની ગયું છે. આદમ અને ઈવ નગ્નતા ઢાંકવા માટે અંજીરના પાંદડાંનો ઉપયોગ કરતાં હતાં એમ રાજકીય અને આર્થિક વિઝન વિનાના ખાલી દિમાગની વિચારશૂન્યતા ઢાંકવા માટે સેક્યુલારિઝમ હાથવગું શસ્ત્ર બની ગયું છે. ડાબેરી અને મીડિયાના મોટાભાગના લોકો માટે મોદી કોમવાદ અને વિભાજનનો પર્યાય છે અને મોદીનો વિરોધ કરનાર કોઈપણ આપોઆપ સેક્યુલર થઈ જાય છે તો બીજી તરફ મોદી સમર્થકો વિરોધીઓને સ્યુડો સેક્યુલર ગણાવે છે. (રામજન્મભૂમિ ચળવળ વખતે અડવાણીએ સ્યુડો સેક્યુલર શબ્દ પ્રથમ વખત વાપર્યો હતો.)
આજે આ મુદ્દો એટલો વિષાક્ત બની ગયો છે એના પર શાંતિથી વ્યાજબી ચર્ચા કરવી અશક્ય થઈ ગઈ છે. જો તમે મોટાભાગનાં રાજકીય પક્ષોના સેક્યુલારિઝમને બનાવટીનું લેબલ આપો તો તરત તમને સામે ખાખી ચડ્ડીનું લેબલ મળી જાય છે. જો તમે મોદીભક્તોને એવું સમજાવવા કોશિશ કરો કે આરએસએસનો મુસ્લિમો પ્રત્યેનો અભિગમ એ તમામ ધર્મોને મોકળા મને આવકારતાં હિંદુ સંસ્કૃતિના નૈતિક મૂલ્યોનો ઉપહાસ છે તો તમને કોંગ્રેસના એજંટનું બિરુદ મળશે. જો તમે એવો ઉલ્લેખ પણ કરો કે ઈસ્લામનો ભારતમાં પગપેસારો મોટેભાગે આક્રમણો, ચડાઈ અને લૂંટફાટથી ખરડાયેલો રહ્યો છે તો ડાબેરીઓ તરત તમને કટ્ટર કોમવાદી ગણશે. જો તમે એવું સૂચવો કે ભારતમાં ઈસ્લામના ઉદયમાં વ્યાપાર અને સૂફીવાદે પણ અગત્યની ભૂમિકા ભજવી છે તો જમણેરીઓ તમને ગાંધી કુટુંબના ચમચાં ગણી લેશે. આઝાદીથી અત્યાર સુધી કોણ સેક્યુલર કહેવાય અને કેવી રીતે કહેવાય એની વ્યાખ્યા નક્કી કરવા પર ડાબેરીઓ અને કોંગ્રેસનો અંકુશ રહ્યો હોવાથી થોડીક વૈચારિક પ્રામાણિકતા અને સામાન્ય બુદ્ધિવાળો કોઈપણ માણસ સમજી શકે કે સેક્યુલારિઝમનો જે અર્થ ઘટાવવામાં આવી રહ્યો છે એનો આધાર પોકળ છે.
લેખક આગળ વિગતવાર ચર્ચા ચાલુ રાખીને ગાંધી, નહેરુ અને આંબેડકરે આચરણમાં મૂકેલાં સેક્યુલારિઝમને સાચું ગણાવે છે અને આજે કોંગ્રેસ અને ઘણાં પ્રાદેશિક પક્ષોએ આ ત્રિપુટીએ મૂકેલા સાચા સેક્યુલારિઝમના પાયાનો દાટ વાળી દીધો છે એવું કહે છે. એક વાત કદાચ સ્વીકારવી અઘરી લાગે પરંતુ નોંધવી જરૂરી છે કે ભાજપને હવે લાગે છે કે લઘુમતીનો વિશ્વાસ જીતવો અને બધા માટે સ્વીકાર્ય બનવું જરૂરી છે ત્યારે સામે પક્ષે કોંગ્રેસ અને અન્ય સેક્યુલર પક્ષો કોમી તંગદિલી અને વિભાજન થાય એવું વર્તન કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે મોદી લઘુમતીઓનો વિશ્વાસ જીતી શકશે?
મોદી-રાહુલની લડાઈ 65 વર્ષ જૂની કઈ રીતે ગણાય?
1946માં મહાત્મા ગાંધીએ સરદાર પટેલને બદલે વડાપ્રધાનપદે કાશ્મીરી પંડિત નેહરુની પસંદગી કરી. એ પછી 1966માં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ ગુજરાતના શક્તિશાળી નેતા મોરારજી દેસાઈએ પોતાને આગામી વડાપ્રધાન બનાવવામાં આવે તે માટેનો દાવો રજૂ કર્યો. 1964માં પણ નેહરુના અવસાન બાદ મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદ માટે દાવો કર્યો હતો, પરંતુ પક્ષની અંદરની લોકશાહી ઢબની ચૂંટણીમાં શાસ્ત્રીજીની પસંદગી થઈ હતી એટલે શાસ્ત્રીજીના અવસાન પછી મોરારજી ફરીથી દાવો કરે એ સ્વાભાવિક હતું. એ વખતે બીજા પ્રબળ દાવેદાર નેહરુની પુત્રી અને કાશ્મીરી પંડિત ઈંદિરા ગાંધી હતાં જેમણે પારસી સજ્જન સાથે લગ્ન કર્યા હતાં એમની અટક યોગાનુયોગે ગાંધી હતી! ફરી એક વખત સત્તા માટે ગજગ્રાહ થયો. 1946માં લાખો ભારતવાસીઓએ જે દેશ માટે જે સપના જોયા હતા એ 1966 સુધીમાં ભ્રામક સાબિત થયા હતાં. કોંગ્રેસની લોકપ્રિયતા અગાઉ જેવી રહી ન હતી અને દુકાળની સ્થિતિથી મતદારોના મનમાં ભારોભાર આક્રોશ હતો. એ વખતની કોંગ્રેસ પાર્ટી સિન્ડિકેટ કહેવાતાં મુઠ્ઠીભર માથાભારે લોકોના અંકુશમાં હતી. એક તરફ બહોળો શાસનનો અનુભવ ધરાવતાં પીઢ, અનુભવી, પાકટ મોરારજી દેસાઈ અને બીજી તરફ ગૂંગી ગુડિયા ઈંદિરા ગાંધી ! મોરારજીની આર્થિક નીતિ નેહરુની સમાજવાદી નીતિથી વિપરીત હતી જેમાં સરકારી હસ્તક્ષેપ વિના ઉદ્યોગોને ખીલવા દઈને સંપત્તિ નિર્માણનો સુધારાવાદી વિચાર હતો. ઉગ્ર ચર્ચા, વિખવાદો બાદ સિન્ડિકેટે એવું વિચારીને ઈન્દિરા પર પસંદગી ઉતારી કે એ ગૂંગી ગુડિયા છે એને ઈચ્છા પ્રમાણે દબડાવી શકાશે. એ વખતના સંજોગો અને સત્તા ટકાવી રાખવાની સાઠમારીએ ઈંદિરાને આર્થિક નીતિમાં જૂનવાણી ડાબેરી વલણ લેવા મજબૂર કર્યા જેની કિંમત આપણે આજે પણ ચૂકવીએ છીએ. ત્યારબાદ કટોકટીનો ઘટનાક્રમ અને વડાપ્રધાનપદે મોરારજી દેસાઈની વરણી થઈ. ત્યારબાદ રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ ગુજરાતી નેતા આવ્યો નથી જેણે અગત્યની ભૂમિકા ભજવી હોય.
હવે અત્યારના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વાત કરીએ તો એમને સરદાર પટેલ અને મોરારજી દેસાઈની જેમ શાસનનો બહોળો અનુભવ છે અને એક ચોક્કસ આર્થિક વિઝન છે જેનો ઝોક દેસાઈની જેમ જ જમણેરી છે. બીજી તરફ ભારત માટે રાહુલનું વિઝન ખરેખર શું છે એનો કોઈને ખાસ ખ્યાલ નથી પરંતુ એમના હાલના ભાષણોમાં ડાબેરી અભિગમની આછીપાતળી ઝલક મળે છે. સરદાર પટેલ અને મોરારજી દેસાઈની જેમ મોદી સામાન્ય બૅકગ્રાઉન્ડમાંથી આવીને કદાવર રાજકીય નેતા બન્યા છે. દાદી અને પરદાદાની જેમ રાહુલને તૈયાર ભાણાંનો લાભ છે. આ સાથે 1946 અને 1966માં જે વિખવાદ થયો એથી ઊલટું અત્યારે વડાપ્રધાનની પસંદગી કરવા માટે મહાત્મા ગાંધી હયાત નથી કે મોરારજી-ઈન્દિરાના સમયની સિન્ડિકેટ પણ નથી. પણ રાહુલ અને મોદીના બે ભિન્ન ભિન્ન ભારતના વિઝન વચ્ચેની ખાઈ હજી એવી જ છે ત્યારે કોના પર કળશ ઢોળવો એ મતદારોના હાથમાં છે.
સાથે સાથે ભૂલવું ન જોઈએ કે એક જ પેઢીના બે ગુજરાતીઓએ આધુનિક ભારતના ઘડતરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એક હતાં મહાત્મા ગાંધી અને બીજા હતાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાહ. હવે પછી કોઈ એવું કહે કે ભારતમાં ચૂંટણી આવે ત્યારે યુપી અને બિહારનું મહત્વ વધી જવા પામે છે ત્યારે ઊંડો શ્વાસ લઈને ગુજરાતના પ્રદાનને બે ઘડી યાદ કરજો!
સેફોલોજી, ઓપિનિયન પોલ અને ભારતીય ચૂંટણીઓ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ
ચૂંટણીઓમાં સ્ક્રીન પર ઝળકતાં પરિણામોના અપડેટ્સ જોવાના શોખીન હશે એ લોકો સેફોલોજી (psephology) શબ્દથી માહિતગાર હશે. આ શબ્દના મૂળ પશ્ચિમી સંસ્કૃતિ અને લોકશાહીનું પારણું જ્યાં બંધાયું હતું એ ગ્રીસનાં પ્રાચીન એથેન્સમાંથી મળે છે. એથેન્સમાં ચૂંટણીઓ થતી અને લોકો મત આપતાં. મતદાનમાં ગુલામો, સ્ત્રીઓ અને વિદેશી મૂળના લોકોને બાકાત રાખવામાં આવતા હોવાથી કુલ મતદાન વસ્તીના 20%થી ઓછું રહેતું. મતાધિકાર વ્યક્ત કરવા માટે પ્રજા કાંકરાનો ઉપયોગ કરતી. ગ્રીકમાં કાંકરા માટે સેફોસ શબ્દ છે. આના પરથી સેફોલોજી શબ્દ આવ્યો. મરિયમ-વેબસ્ટર ડિક્શનરી એને ચૂંટણીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કહે છે. ઑક્સફર્ડના મતે એ ચૂંટણીઓ અને મતદાનના રુઝાનનો આંકડાકીય અભ્યાસ છે. એ રીતે લોકશાહી અને સેફોલોજી તાણાવાળાની માફક એકબીજા સાથે જોડાયેલા છે. (આપણે ત્યાંની ચૂંટણીઓ મુઠ્ઠીભર કાંકરામાંથી ઘઉંના એકાદ-બે દાણાં વીણવાની કવાયત જ હોય છે ને? :P)
હવે ચૂંટણીના પરિણામોની આગાહી કરતાં ઓપિનિયન પોલ્સની વાત કરીએ. બ્રિટન અને અમેરિકા જેવા વર્ષો જૂના પરિપક્વ લોકતંત્રોમાં પણ મહદ અંશે સફળ ટ્રેક રેકર્ડ ધરાવતાં સેફોલોજીસ્ટોની પરિણામોની આગાહીઓ અને વાસ્તવિક પરિણામો વચ્ચે જમીન-આસમાનનું અંતર પડી જતું હોય છે તો પછી ભારતના ચૂંટણી પરિણામોમાં ઘણી વખત ભાંગરો વાટતા સેફોલોજીસ્ટોની દયા ખાવી જોઈએ. કોઈ અબજપતિ માણસ ચૂંટણી અગાઉ દસ લાખથી વધુ પ્રતિભાવકો સાથે આખા ભારતને આવરી લેતો ઓપિનિઅન પોલ કરે તો પણ સાચી આગાહી ભ્રામક સાબિત થઈ શકે છે.
હવે ચૂંટણી સાથે જોડાયેલી એક ગેરમાન્યતા જોઈએ કે "વેવ્ઝ" મોટેભાગે રાષ્ટ્રીય કક્ષાના હોય છે. 1971માં "ગરીબી હટાઓ", 1977માં ઈમર્જન્સી બાદ ઈન્દિરા વિરોધી વેવ અને ત્રણ વર્ષ પછી જનતા સરકારના પતન બાદ "ઈન્દિરા લાઓ, દેશ બચાવો" વેવ હતો. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ તરફી સહાનુભૂતિનું મોજું હતું અને 1989માં બોફોર્સ સ્કેન્ડલને કારણે ભ્રષ્ટાચાર વિરોધી, કોંગ્રેસ વિરોધી વેવ સર્જાયો. આ તર્કને આગળ વધારીએ તો 1999માં વાજપેયી તરફી વેવ આવ્યો. 2009નો વેવ સોનિયા કે મનમોહન કે રાહુલ તરફી કે ત્રણેય તરફી હતો? આજના સમયમાં કોંગ્રેસ કે ભાજપમાંથી કોઈપણ પક્ષ 225થી વધુ લોકસભા બેઠકો જીતે તો એ ટાઈડલ વેવ કહેવાશે !
કેટલાંક રાહુલભક્તો એવા ખ્વાબો જોઈ રહ્યા છે કે પાર્ટીની આમ આદમી ઈમેજ અને ફૂડ સિક્યોરિટી બિલના માસ્ટર સ્ટ્રોકના સહારે કોંગ્રેસ તરફી વેવ સર્જાશે. (2009માં નરેગા સ્કીમને કારણે કોંગ્રેસ સત્તા પર આવી હોવાનું ઘણાં માને છે.) બીજી તરફ મોદીચાહકો માને છે કે 1977 અને 1989 જેવી કોંગ્રેસવિરોધી આક્રોશની પરિસ્થિતિ અત્યારે છે એના આધારે અને મોદીની સારા શાસક તરીકેની ઈમેજ ભાજપ તરફી વેવ પેદા કરશે. ભારતીય મતદારનો ટ્રેક રેકર્ડ જોઈએ તો આ બંને છાવણીના લોકોને નિરાશા હાથ લાગે એમ છે. ઉદાહરણો પર નજર ફેરવીએ. 2009માં આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનું ભાવિ નિરાશાજનક લાગતું હતું એ વખતે એને આ રાજ્યમાં લોકસભાની 42માંથી 33 બેઠકો મળી. ભારતીય મતદારે કોંગ્રેસને સૌથી પહેલો રાજકીય આંચકો આપ્યો હોય અને સૌથી વધુ મતો મેળવતાં રહેવાની મોનોપોલી તોડી હોય એ વર્ષ 1967 હતું જ્યારે કોંગ્રેસને તે સમયના સંદર્ભમાં 520 બેઠકોમાંથી 283 જેટલી પાતળી બહુમતી મળી હતી. આવા સમયે પણ કોંગ્રેસ આંધ્રમાં 41માંથી 35 બેઠકો જીત્યું હતું. 1977માં એન્ટી ઈમર્જન્સી વેવ આવ્યો અને મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો. 542માંથી માત્ર 154 બેઠકો મળી. આંધ્રના મતદારો ઈમર્જન્સીથી એટલા રોષે ભરાયા હતાં કે એમણે કોંગ્રેસને 42માંથી 41 બેઠકો આપી ! :P હવે 1984નું વર્ષ જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ અને કોંગ્રેસની તરફેણમાં આવેલા સહાનુભૂતિના ત્સુનામી મોજામાં રાજીવ ગાંધીએ અભૂતપૂર્વ કહેવાય એવી 404 બેઠકો મેળવી જે એમના માતા ઈન્દિરા કે દાદા જવાહરલાલ પણ નહોતા કરી શક્યા! એ વખતે આંધ્રના મતદારોએ ઈન્દિરાની હત્યા પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ વ્યક્ત કરી કે કોંગ્રેસને 42માંથી માત્ર 6 જ બેઠકો મળી! આપણે બધાં જાણીએ છીએ કે બોફોર્સ કૌભાંડથી કઈ રીતે રાજીવ ગાંધીએ આ મહામૂલી બહુમતીને વેડફી નાંખી અને 1989ના ભ્રષ્ટાચાર વિરોધી વેવને કારણે કોંગ્રેસની બેઠકો 404માંથી 197 પર લાવી દીધી. એ વખતે આંધ્રના લોકો આ ભ્રષ્ટાચારથી એવા રોષે ભરાયા કે કોંગ્રેસને 42માંથી 39 બેઠકો જ આપી !
ચર્ચાનો સાર એટલો કે 1977, 1984 અને 1989ના પરિણામોની ઉથલપાથલ સિવાય બીજી કોઈ ચૂંટણીમાં "વેવ" આવ્યો હોવાનો દાવો કરવો એ મૂર્ખામી ગણાશે. દરેક વિસ્તારો અને પ્રદેશો પ્રમાણે અલગ અલગ "વેવ્ઝ" રહ્યા છે અને એને આખા દેશ સાથે જોડવો એ હકીકતો સાથેના ચેડાં કહેવાશે. સ્થાનિક સમીકરણો હંમેશા રાષ્ટ્રીય ભાવના પર હાવી રહ્યા છે. આજના જમાનામાં શક્તિશાળી પ્રાદેશિક પક્ષોનો રાફડો ફાટ્યો છે ત્યારે દેશવ્યાપી "વેવ્ઝ"ની થિયરીને તડકે મૂકવી વ્યાજબી ગણાશે.
મોદી અને રાહુલની સરખામણી કેટલી વ્યાજબી?
સરખામણી વિશે એક જાણીતી અંગ્રેજી ઉક્તિ છે: You can't compare apples with oranges and chalk with cheese. મોદી અને રાહુલની સરખામણીમાં બંનેને સફરજન, નારંગી, ચૉક અને ચીઝમાંથી કયા વર્ગમાં મૂકવા એ સુજ્ઞ વાચકો પર છોડીએ. બંને ભારતીય છે, પણ બૅકગ્રાઉન્ડમાં ભારોભાર અસમાનતાઓ છે. મોદી 10 વર્ષના હતાં ત્યારે વડનગર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને ચા આપવામાં પિતા દામોદરદાસને મદદ કરતાં. ઈન્દિરા ગાંધી અન્ય દેશોના પ્રમુખો કે વડાપ્રધાનોને મળવા વિદેશ જતાં ત્યારે રાહુલ ક્યારેક દાદીની આંગળી પકડીને સાથે પ્રવાસ કરતાં. મોદીના દાદીમાં એટલા સાક્ષર ન હતાં કે મોદીનો જન્મ થયો ત્યારે સગાં-વ્હાલાઓને ખુશી વ્યક્ત કરતો કાગળ લખી શકે. રાહુલ જન્મ્યા ત્યારે ખુશીથી ગદગદ થઈ ગયેલાં દાદીમા ઈન્દિરાજીએ એમની મિત્ર કેથરિન ગ્રેહામને ખુશી વ્યક્ત કરતો કાગળ લખેલો. (કેથરિન ગ્રેહામ એટલે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સનનું વૉટરગેટ કૌભાંડ બહાર પાડીને એમને રાજીનામું આપવા મજબૂર કરનાર વૉશિંગ્ટન પોસ્ટના માલિક અને પ્રકાશક.) મોદી પોતાના નગરના તળાવમાં તરવાનું પસંદ કરતાં. રાહુલના પ્રપિતામહ મોતીલાલ નેહરુ પાસે 1900ના જમાનાથી ઘરમાં અલાયદો સ્વિમિંગ પૂલ હતો. મોદીના કાકા, દાદી કે પિતા હિંસક અને બર્બર મૃત્યુને ભેટ્યા નથી. મોદીના ટીનએજના વર્ષો પોતાની આસપાસની દુનિયા ખૂંદવા માંગતા, મિત્રો બનાવતાં અને મોજ પડે ત્યાં ફરવા જતાં એક ટિપિકલ યુવાન જેવા રહ્યાં. બીજી તરફ રાહુલ એક ટીનેજર તરીકે હંમેશા બંદૂકોથી સજ્જ સલામતી રક્ષકોના સમૂહથી ઘેરાયેલા રહ્યા જેને કારણે ટીનેજર તરીકે સામાન્ય માણસને મળતી સ્વતંત્રતા રુંધાઈ.
બંને વચ્ચે ઉંમરના 19 વર્ષના તફાવત ઉપરાંત, બીજી મહત્ત્વની એ બાબત છે કે મોદીએ મુખ્યમંત્રી તરીકે તેમજ એક સામાન્ય કાર્યકર્તા તરીકે ઘણી સંગઠનાત્મક અને પ્રશાસનિક ભૂમિકાઓ ભજવી છે. આ બાબતમાં રાહુલની સ્લેટ કોરી જણાય છે. સંગઠન અને શાસનનો બાયો-ડેટા જોઈએ તો રાહુલ મોદીની તુલનામાં ન આવી શકે. કાકા સંજય ગાંધીની જેમ નાની ઉંમરથી જ કોંગ્રેસની બાબતોમાં સક્રિય રસ એમણે લીધો નથી. એવી કોઈ નીતિ, યોજના કે સ્કીમ નથી જેને મજબૂતપણે રાહુલનું વિચારબીજ કહી શકાય. એથી ઊલટું, પિતા રાજીવ ગાંધીના લલાટે 1982ની એશિયન ગેમ્સના સફળ આયોજન અને ભારતમાં સૌપ્રથમ ફ્લાયઓવર લાવવાનો યશ લખાયો છે. મોદી પાસે એક ટ્રેક રેકર્ડ હોવાથી એમની પ્રશંસા કે ટીકા કરવી સરળ છે. સક્રિય રાજકારણમાં દસ વર્ષ વીતાવ્યા છતાં રાહુલ પાસે આવું કશું નથી જેની સમીક્ષા થઈ શકે. પણ કમસેકમ પરિવર્તન લાવવા માટેના બંનેના પ્રભાવ અને ક્ષમતાનું આકલન તો થઈ જ શકે.
સંસદમાં ખાસ સક્રિય નહીં એવા રાહુલના રિપોર્ટ કાર્ડમાં છૂટાછવાયા ભાષણો સિવાય ખાસ કશું ઉમેરી શકાય એમ નથી. ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલાં જાકારા બાદ રાહુલને એક ગંભીર, નિર્ણાયક અને અગ્રણી નેતા તરીકે પ્રોજેક્ટ કરવાના પ્રયાસો કોંગ્રેસે તેજ બનાવ્યા છે. લોકપાલ બિલ પસાર કરવાનો યશ કોંગ્રેસે રાહુલ ગાંધીની નિર્ણાયક (?) નેતાગીરીને આપ્યો છે. ગુનેગારોને સંસદમાં આવવા મંજૂરી આપતું બિલ પાસ કરવાના યુપીએ સરકારના નિર્ણય વખતે રાહુલે આવા બિલને ફાડીને ફેંકી દેવું જોઈએ એવું આક્રોશ સાથે કહ્યું, પણ રાહુલના આવા શક્તિશાળી અને નિર્ણાયક અવતારથી ભારતીય મતદાર ખાસ પ્રભાવિત થયો હોય એવું લાગતું નથી. આવા કિસ્સામાં કોંગ્રેસમાં "આંતરિક લોકશાહી"થી પક્ષને બેઠો કરીને પુનરોદ્ધાર કરવા માટેનું "વિઝન" (?) અને યુપી, બિહાર, તામિલનાડુ જેવા મહત્વના રાજ્યોમાં મુડદાલ બની ગયેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટેના પ્રયત્નો એ રાહુલના દેખાવને પ્રામાણિકતાથી મૂલવવાની એકમાત્ર રીત છે.
નરેન્દ્ર મોદીના દેખાવની વાત કરીએ તો "કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી" પ્રકારના વિરોધાભાસી અહેવાલોના કોલાહલમાં સાચું મૂલ્યાંકન ભાગ્યે જ થાય છે. ગોધરાકાંડ પછીના રમખાણો બાબતે મોદીની સ્થિતિ ચેતન શર્મા જેવી છે. ભલે ગમે તે થાય પણ 1986માં શારજાહની વન-ડે મેચમાં જાવેદ મિયાંદાદે છેલ્લાં દડે સિક્સ મારીને મેચ આંચકી લીધી એની સાથે ચેતન શર્માનું નામ કાયમ માટે જોડાયેલું રહેશે. ગુજરાતના કોમી રખમાણો અંગે અસ્વસ્થ કરી મૂકે એવી ચાર બાબતો લેખકના મતે આ છે: 1992-93ના મુંબઈ રમખાણોની જેમ મુસ્લિમ પરિવારોની યાદી સાથે હથિયારધારી ટોળાઓ દ્વારા ચોક્કસ લોકોને નિશાન બનાવવા, રમખાણોમાં ઘણી હિન્દુ સ્ત્રીઓની પ્રત્યક્ષ અને સક્રિય સંડોવણી, રમખાણો મોટેભાગે શહેરી વિસ્તારોમાં ઘટતી બીના છે એવી માન્યતાના ભુક્કા કરે એટલી હદે ગ્રામીણ વિસ્તારોમાં થયેલાં હુલ્લડો અને ચોથી બાબત એ માનવાધિકારોના ઉલ્લંઘનને કારણે અમેરિકન સરકાર દ્વારા 2004માં મોદીને વિઝા આપવાનો ઈન્કાર. મોદીને વિઝા નકારતી વખતે બુશ સરકારે અફઘાનિસ્તાન અને ઈરાકમાં 100,000થી વધુ મુસ્લિમોના કરેલા સંહારને ધ્યાનમાં લીધો હશે કે કેમ એ પ્રશ્ન છે. ગુજરાતના રમખાણોને મૂલવવા માટે નાદાન પત્રકારો દ્વારા "જીનોસાઈડ", "એથનિક ક્લિન્ઝિંગ", "હોલોકોસ્ટ" અને "પોગ્રોમ" જેવા અત્યંત ભારે અનર્થકારી શબ્દો એવું ચિત્ર સર્જે છે જાણે ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિતની લઘુમતી સતત ભયના ઓથાર અને કટ્ટરવાદી હિન્દુ બહુમતીની દયા પર જીવી રહી હોય.
લેખક કહે છે કે સુપ્રિમ કોર્ટની દખલ ન હોત તો ગુજરાતની પોલિસ અને અદાલતોએ તપાસમાં દાખવેલી બેકાળજીને કારણે ઘણાં આરોપીઓ છુટ્ટા ફરતાં હોત. સાથે સાથે એ પણ સ્વીકાર કરે છે કે તીસ્તા જેવા કાર્યકરોએ માત્ર મોદી પર જ ફોકસ કરીને અતિશયોક્તિ કરી જ છે. મોદીના સમર્થકો 1984માં શીખ સમુદાયના બેફામ સંહાર, 1983માં આસામમાં મુસ્લિમોની સામૂહિક હત્યા અને 1992-93નાં મુંબઈ રમખાણોનો હવાલો આપે ત્યારે એ ચોક્કસ તર્કસંગત અને સાચી દલીલ જ છે, પણ બે અનૈતિક બાબતો ભેગી કરવાથી નીતિ બનતી નથી અને ભારતના દંભી સમૂહની બૌદ્ધિક બદમાશીઓને કારણે મોદી સરકારના પાપ ધોવાઈ જતા નથી. કબૂલ કે નરેન્દ્ર મોદી પર મુસ્લિમોની હત્યા કરવા માટે ટોળાની ઉશ્કેરણી કરી હોવાનો આરોપ મૂકવો એ રાજીવ ગાંધી પર પોતાની માતાની હત્યા કરનારા "લોકો"ને વધેરી નાંખવાનો આદેશ આપવાનું આળ મૂકવા જેવું જ અન્યાયી છે. પરંતુ એક નિષ્કર્ષથી ભાગી નહીં શકાય કે મોદી ચોક્કસપણે રમખાણો માટે અને ત્યારબાદ પોલિસ દ્વારા કરવામાં આવેલા ઢાંકપિછોડાના પ્રત્યનો માટે નૈતિક રીતે જવાબદાર છે.
ગુજરાતના વિકાસ બાબતે લેખક નરેન્દ્ર મોદીની નેતાગીરીની ભૂમિકાને ફુલ માર્ક્સ આપે છે. સામાજીક ક્ષેત્રમાં પ્રગતિ, બ્યુરોક્રસીને રાજકીય હસ્તક્ષેપમાંથી મુક્તિ અપાવીને કરેલું સશક્તિકરણ, ભ્રષ્ટાચાર પર આવેલી તવાઈ, વિકેન્દ્રીકરણ, ખાનગી ક્ષેત્ર પર મૂકાયેલો ભાર અને ગુજરાતના વૃદ્ધિ અને વિકાસના ગૌરવના સંદેશ - આ બધા પર મોદીનો પર્સનલ સ્ટેમ્પ લાગેલો છે. પ્રોપેગેન્ડાના ધુમ્મસમાંથી રસ્તો કાપીને હકીકતોના પ્રકાશમાં મોદીના વિકાસ મોડેલને મૂલવીએ તો કહેવું પડે કે એમની સરકારે શાસનના એક દાયકાથી વધુ સમયમાં સતત ઊંચો અને સ્થાયી વિકાસ દર આપ્યો છે. 2002ના રમખાણો માટે એમને જવાબદાર ઠેરવીએ અને ગુજરાતના અદભુત આર્થિક વિકાસમાં એમણે કોઈ ભૂમિકા ભજવી નથી એવું કહીએ તો એ અપ્રામાણિકતા લેખાશે. માર્ચ 2013માં ગુજરાતના કૃષિ મંત્રીએ ગુજરાતમાં કૃષિ ઉત્પાદન અને કૃષિ વિકાસ દરના આંકડા દેશના આંકડા કરતાં વધારે હોવાનું જાહેર કર્યું ત્યારે મોદીના ટીકાકારોએ આને ગિમિક ગણાવ્યું. પણ પ્રખ્યાત કૉલમ સ્વામિનૉમિક્સ લખાતાં મેધાવી અર્થશાસ્ત્રી સ્વામિનાથન ઐયરે કૃષિ મંત્રીના દાવાને અનુમોદન આપતા વિચારો વ્યક્ત કર્યા ત્યારે મોદીના ટીકાકારો ભોંઠા પડ્યાં. લેખક ગુજરાતના આર્થિક વિકાસની ગાથાને સાચી ગણાવતાં કહે છે કે જીડીપી વિકાસ દર 10 વર્ષથી ડબલ કે લગભગ ડબલ આંકમાં રહ્યો છે. માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં 40 ટકા વધારે રહી છે. ઘણાં ટીકાકારો મોદીના આર્થિક ચમત્કારને તવંગરો અને મધ્યમ વર્ગ પૂરતો સીમિત બતાવીને ગરીબોની અવગણના થઈ હોવાનું જણાવે છે, તો પછી (ભારતના આયોજન પંચ મુજબ), ગુજરાતમાં 2004-05માં ગરીબી રેખા નીચે જીવતાં લોકોની ટકાવારી 31.6% હતી એ ઘટીને 2011-12માં 16.6 ટકા પર કઈ રીતે આવી હશે? ભારતના બીજા "વિકસિત" રાજ્યો ઊંચો વિકાસ દર જાળવી રાખવા માટે સર્વિસ (મહારાષ્ટ્ર) અને આઈટી (કર્ણાટક અને તામિલનાડુ) સેક્ટર પર આધાર રાખે છે. ગુજરાતમાં રાજ્યના જીડીપીમાં 28% ફાળો ઉત્પાદન ક્ષેત્રનો છે જે છેલ્લાં દાયકામાં 19%ના વાર્ષિક દરે વૃદ્ધિ પામ્યો છે. યાદ રહે કે, ઉત્પાદનનો ઊંચો વૃદ્ધિ દર એટલે 'નીઓ મિડલ ક્લાસ' વર્ગના નાગરિકો માટે વધારે નોકરીની તકો. (વાર્ષિક રૂ. 90,000થી બે લાખ સુધીની આવક હોય એ નીઓ મિડલ ક્લાસ એવી વ્યાખ્યા નેશનલ કાઉન્સિલ ઑફ ઍપ્લાઈડ ઈકોનોમિક્સ નામની સંસ્થાએ આપી છે.)
રિપોર્ટ કાર્ડ અને આગામી દશકનું ભારત
પુસ્તકમાં એક બાબત પર વારંવાર સમયાંતરે ભાર મૂકવામાં આવ્યો છે એમ મોદી અને રાહુલ વચ્ચેનો જંગ બે વ્યક્તિત્વોનો કે બે હરીફ પક્ષોનો ટકરાવ જ ન રહેતાં ભારતના બે વિરોધાભાસી વિચારો વચ્ચેનો ભીષણ જંગ છે અને એટલે જ અમાપ ઉત્સાહ અને વિજય માટેની પ્રબળ ઈચ્છા સાથે બંને કેમ્પના સમર્થકોએ ઝુકાવ્યું છે. ભારતવર્ષના આત્મા માટે થઈ રહેલી આ લડાઈમાં માત્ર રાજકીય નેતાઓ કે પક્ષના કાર્યકરો જ નહીં, પરંતુ શિક્ષણવિદો, બૌદ્ધિકો, સામાજીક કાર્યકરો, મીડિયા પ્રોફેશનલ્સ, સંગીતકારો, બોલીવૂડના તારલાઓ પણ સક્રિય યોદ્ધાઓ બન્યા છે. આ પ્રોપેગેન્ડાની લડાઈ રોજેરોજ નવી ઊંચાઈઓ (કે પતનની ગર્તાઓ?) સર કરી રહી છે. રાહુલ કોઈ સ્પીચ કે ઈન્ટરવ્યુ આપે છે એની મિનિટોમાં સોશિઅલ મીડિયા પપ્પુને લગતાં રમૂજી, વ્યંગાત્મક ટુચકાઓથી છલકાઈ જાય છે અને કોઈ રેલીમાં મોદી વિશિષ્ટ શૈલીમાં સંબોધન કરે કે તરત સોશિઅલ મીડિયા ઐતિહાસિક તથ્યો અને આર્થિક આંકડાઓ અંગે મોદી કેવી ફેંકાફેંક કરે છે એના કટાક્ષથી છલકાવા લાગે છે. વ્યંગ અને કટાક્ષની આ કોકટેઈલમાં આમ આદમી પાર્ટી પપ્પુ અને ફેંકુ બંનેને ભારતની સડેલી, ભ્રષ્ટ સિસ્ટમના પ્રતિનિધિઓ ગણાવીને અરવિંદ કેજરીવાલ જેવા પ્રામાણિક વિકલ્પની તાતી જરૂરિયાત હોવાનો શોરબકોર કરીને ઘોંઘાટની તીવ્રતામાં ડેસિબલનો નહીં પણ "દેશી બળ"નો વધારો કરે છે. ઓપિનિઅન પોલ્સ આગાહી કરે છે કે મોદી ભાજપ માટે વાજપેયી કરતાં પણ વધારે બેઠકો ખેંચી લાવશે. કેટલાંક સર્વે અરવિંદ કેજરીવાલને વડાપ્રધાનપદ માટે મતદારોની મોદી પછીની બીજી ચોઈસ ગણાવે છે. જ્યારે રાહુલ ગાંધી ત્રીજા લજ્જાસ્પદ સ્થાને હડસેલાઈ ગયા છે. જો કે, 2004 અને 2009ની આગાહીઓ ખોટી પડી હતી એટલે કશું નક્કર કહી ન શકાય. છતાં યુપીએ-2 સરકાર પ્રજામાં ભારે અળખામણી બની છે એનો બોજો રાહુલ વેંઢારી રહ્યા છે એમાં કોઈ બેમત નથી. આપના ઉદય અને ભારતમાં ચૂંટણીઓના પરિણામોના ભાવિ પર એની સંભવિત અસરો વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. હાલ પૂરતું તો આમ આદમી પાર્ટી 100 બેઠકો જીતી લાવે અને અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બને એવી અટકળો ખરી કથાને બદલે પરીકથા વધારે ભાસે છે.
અને ભારતનું ભાવિ? બંને પક્ષના લડવૈયાઓ માને છે કે તેમના સ્વપ્નનું ભારત 21મી સદીમાં દેશને એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉજાગર કરશે. બંને પાસે એમના પોતપોતાના તર્ક અને તથ્ય છે. પરંતુ ભારતનું ભવિષ્ય માત્ર બે મુખ્ય પક્ષોની ખેંચતાણમાં વિભાજીત થઈને હિજરાયા કરે એટલું ક્ષુલ્લક નથી. રાહુલે પોતાની જાતને આ મૂળભૂત પ્રશ્ન પૂછવો જોઈએ: મારી આર્થિક કલ્યાણ અને સમાજવાદની નીતિઓ આગામી દશકમાં અને એ પછીના સમયમાં પણ લાખો-કરોડો યુવાનોને સારી આજીવિકા અને નોકરીની બહેતર તકો અપાવવામાં મદદ કરશે? સત્ય એ છે કે સમાજવાદી નીતિઓ ભારતના આર્થિક ભાવિનો ઘડો લાડવો કરી નાંખશે. મોદીએ પોતાની જાતને એક પાયાનો પ્રશ્ન પૂછવો જોઈએ: વિવિધતામાં એકતા ધરાવતાં, બહુવંશીય અને બહુધાર્મિક ભારત માટે આરએસએસની વિધારધારા યોગ્ય છે કે નહીં? સત્ય એ છે કે આરએસએસના બહુમતીવાદી માનસને વળગી રહેવાથી લઘુમતી ક્યારેય મોદીનો વિશ્વાસ નહીં કરે, પછી ભલે એમનાં ઈરાદાઓ ગમે તેટલાં નેક હોય.
તો આ પુસ્તકમાંથી પસાર થયા પછી મને લાગે છે કે ભિન્ન ભિન્ન મતોને આવકારીને બહુઆયામી હકીકતોના સ્પ્રેક્ટોમીટરમાં તપાસવાથી એકાંગી દ્રષ્ટિકોણ નીચે દબાઈ જતાં તથ્યો અનાવૃત્ત થઈ શકે અને દેશમાં ચાલતી નવા-જૂની વિશે સાચી અને આધારભૂત માહિતી મળી શકે. અસ્તુ ! :)