ચારે બાજુ એક જ વાત થઈ રહી છે: ચૂંટણી, ચૂંટણી અને ચૂંટણી! 30મી મેનાં રોજ મારા 34માં જન્મદિનની જેટલી આતુરતા નથી એથી પણ વધુ આતુરતા 16મી મેનાં રોજ આવનારા પરિણામોની છે. નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કરવા અને અરવિંદ-રાહુલને રિજેક્ટ કરવા માટે કોઈ કચાશ છોડવામાં આવી રહી નથી એવી ભડાસ અમુક લોકો ઠાલવી રહ્યા છે. મોદીનો વેવ નથી, વેવ નથી, વેવ નથી એવું કહેનારાઓને 'વેવ'લા તરીકે ખપાવવામાં આવી રહ્યા છે. જેઓ મોદીનો વેવ છે, વેવ છે, વેવ છે એવું સ્વીકારે છે એમને એનડીએમાં 'વેવા'ઈ બનાવવામાં આવી રહ્યા છે. પેઈડ ન્યુઝ, પેઈડ વ્યૂઝ અને પેઈડ ઈન્ટરવ્યૂઝનો રાફડો ફાટ્યો છે. કલંકિત છબીને સરળ પ્રશ્નો પૂછીને માંજી આપતાં અને લોકોની આંખોમાં આંજી આપતાં અને પ્રામાણિક નેતાને આકરાં સવાલો પૂછીને છબી બગાડી આપતાં રજત શર્માને એમના આ કામ માટે રજત તો શું કાંસ્ય ચંદ્રક પણ ન મળે!
મુરતિયો કે કન્યા પસંદ કરવા માટે આધુનિક ટૅકનોલોજીના સાથથી મેટ્રિમોનિઅલ વેબસાઈટ્સ અસ્તિત્વમાં આવી, પરંતુ મુરતિયો કે કન્યા પસંદ કરવાના માપદંડ એવા જ જૂનવાણી રહ્યાં. એ જ રીતે ચૂંટણીમાં મત આપવા માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન આપણે બનાવ્યાં, પણ મત મેળવવા માટે ઉમેદવારો દ્વારા પ્રયોજાતી યુક્તિ-પ્રયુક્તિઓની કટુતા અને હલકટતામાં કોઈ ફર્ક ન પડ્યો. માધ્યમ નવાં નવાં અને અવનવાં, પણ અભિગમ હંમેશા વરવાં ! જેમની પાસે ચૂંટણી પ્રચાર કરવા માટે માતબર ભંડોળ હોય એ લોકોમાં સારો એવો વંટોળ ઊભો કરી શકે છે.
બેનીપ્રસાદ, મુલાયમ સિંહ, આઝમ ખાન, ગિરિરાજ, અમિત શાહ વગેરે વગેરે લોકોના વિવાદાસ્પદ, લજ્જાસ્પદ તો ક્યાંકથી હાસ્યાસ્પદ નિવેદનોની રમઝટ ચાલતી રહી. કંઈક શોભાસ્પદ બને એની જાગૃત નાગરિક રાહ જુએ છે. ચૂંટણી પંચ દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં લોકતંત્રને આજે કેવા કેવા અધમ લોકોએ ભરડો લીધો છે એની ટીસ અનુભવાતી રહી અને ચીસ સંભળાતી રહી.
બોગસ વોટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે નીતિ-નિયમોના પાલનમાં રહેલો અંધકાર દેખાય છે. પ્રશ્ન એ છે કે દરેક વખતે બોગસ નેતાઓ જ ચૂંટાઈ આવવાના હોય તો વોટિંગ બોગસ કરો કે જેન્યુઈન કરો, શું ફર્ક પડે છે એવો વક્ર વિચાર મનમાં આવે છે.
જાન લઈને જતી વખતે મંડપમાં પ્રવેશતાં પહેલાં અમુક અંતર સુધી વરઘોડો કાઢવામાં આવે છે એમ ઉમેદવારીપત્રક ભરતી વખતે ચૂંટણી અધિકારીની કચેરીએ જતાં સુધી સમર્થકોને સાથે રાખીને ભવ્ય રોડ શો કરવામાં આવે છે. નેતાઓ ચૂંટણી માટે પર્ચા ભરે છે અને જનતા એમને ચૂંટીને કે નકારીને પોતાના નિર્ણયનો પરચો આપે છે.
કેજરીવાલને થપ્પડ પડે છે એની ગુંજ આમ આદમી પાર્ટીના સારા કે નરસાં દેખાવ પર પડશે? સેક્યુલારિઝમના સ્પિરિટને જોખમાવતો શાઝિયા ઈલ્મીનો વિવાદાસ્પદ વીડિયો ફરતો થાય છે..પાર્ટીએ બચાવ કરવો પડે છે. પાર્ટીના બધા સરઘસોમાં નેતાઓને થપ્પડ પડવાની કે ઝપાઝપી થવાની ઘટનાઓ બનતી રહે છે. કોંગ્રેસ 2002ના સમયમાં વાજપેયી અને મોદી વચ્ચેનો પત્રવ્યવહાર લીક કરીને ભાજપને જે થોડીઘણી બેઠકોનું નુકસાન થાય તે ઠીક એવો દાવ ખેલવા માંગે છે. ભાજપ સંજય બારુના ધ એક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તકે સર્જેલા વિવાદની વહેતી ગંગામાં હાથ ધોઈને કોંગ્રેસ પર કીચડ ઉછાળે છે. કોંગ્રેસ એવો બચાવ કરે છે કે જે 2008માં થયું એ ભાજપે યાદ ન કરવું જોઈએ... તો પછી કોંગ્રેસ કેમ કાયમ 2002ને યાદ કરે છે? 'બારુ'ના પુસ્તકે કોંગ્રેસના ગઢમાં 'બાકોરું' પાડ્યું છે. બારુ કહે છે કે મેં જે લખ્યું છે એ મારી જાણકારીનાં માત્ર 50% જેટલો જ મસાલો આપ્યો છે. બાકીનું 50% પણ લખ્યું હોત તો કોંગ્રેસ પાસે લાજ બચાવવા માટે કંઈ રહ્યું ન હોત.
કોઈ પાર્ટી દૂધે ધોયેલી નથી, બધી પાર્ટી સૂધ-બૂધ ખોયેલી છે. દૂધ ગાળતી વખતે ગળણી ઘણી વખત મલાઈથી ભરાઈ જાય અને ગળાઈને ગ્લાસમાં પડતાં દૂધનો પ્રવાહ ધીમો પડી જાય એમ સરકારી તંત્રમાં મલાઈ-ખાઉ લોકોના ભરાવાને કારણે આમ જનતા સુધી વિકાસનો પ્રવાહ જલ્દી પહોંચતો નથી. અચ્છે દિન આને વાલે હૈ એવું કહેવાય છે. આમ તો દેશમાં કોઈક ને કોઈ જગ્યાએ સ્ત્રીઓને સારા દિવસો જતાં જ હોય છે, જેને કારણે થતાં નિરંતર વસ્તી વિસ્ફોટને કારણે આપણે ખરાબ દિવસો જોઈ રહ્યા છીએ.
અહીં સૌને પોતપોતાના વાંધા છે, વચકાં છે, બીજાને ભરવા માટેના વડચકાં છે, બંધારણ, લોકશાહી અને પ્રજા બિચારી ડચકાં ખાય છે.
સોળમી લોકસભા ચૂંટાવાની છે. સોળે સાન અને વીસે વાન એવી કહેવત છે. ભ્રષ્ટાચાર ઓછો કરવા અને પ્રજાને નિર્ણાયક નેતાગીરી આપવા માટે સોળમી લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં સાન-ભાન આવશે?
No comments:
Post a Comment