હાસ્યલેખક વિનોદ ભટ્ટને કોઈએ પૂછ્યું હતું કે તમે કવિ કેમ ન થયા? વિનોદ ભટ્ટે જવાબ આપ્યો હતો કે પોતે જીવદયામાં માને છે. ભાગ્યેશ જ્હાએ બીઆરટીએસ બસમાં કોઈ અમદાવાદીને કહ્યું કે હું કવિ છું તો અમદાવાદીએ જવાબ આપ્યો કે, "હું બહેરો છું." સરળતાથી ગુનાની કબૂલાત ન કરાનારા રીઢા ગુનેગારોને ઢોર માર મારવાથી જે અસર થતી નથી એ ઘણી વાર ગુજરાતી ફિલ્મો બતાવીને અથવા કવિતાઓ સંભળાવવાથી થાય છે અને એ તરત ગુનાની કબૂલાત કરી લે છે. કવિતાની વાત આવે ત્યારે કેટલાંક ગમ્મત કરાવે એવા અને કેટલાંક ગમગીન કરે એવા જાતજાતના ટૂચકાં ફરતાં હોય છે.
ઑગસ્ટનો મહિનો એટલે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો મહિનો. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે બીગ બી બક્ષીબાબુની જન્મતિથિ અને 2012માં 10મી ઑગસ્ટે શબ્દલીન થયેલાં કવિ સુરેશ દલાલની પુણ્યતિથિનો મહિનો.
આખેઆખી નવલકથા વાંચી જતા ઘણાં વાચકો મધ્યમ કદનો કાવ્ય સંગ્રહ પૂરો વાંચવાની તસદી લેતા હોતા નથી, ત્યારે 600થી વધારે પાનાનો મોટો ગ્રંથ હોય અને એ પણ ત્રણ ત્રણ ભાગમાં હોય ત્યારે આખો કાવ્યસંગ્રહ વાંચવાનું મન થઈ શકે? જવાબ છે હા, provided that અથવા બશર્તે એ કવિતાઓ સુરેશ દલાલની હોય તો. જુરાસિક પાર્કનો પહેલો ભાગ જોયા પછી બીજો ભાગ જોવાનું મન થાય અને બીજો ભાગ જોયા પછી ત્રીજો ભાગ ક્યારે રિલીઝ થાય અને જોઈ આવીએ એવી તાલાવેલી જાગે. (આમાં દરેક જણ પોતપોતાને ગમતી ફિલ્મોની ત્રિપુટી ઉમેરી શકે.) એ જ રીતે 1966થી 2013 સુધી સુરેશ દલાલની સમગ્ર કવિતાઓનો સંપુટ 3 ભાગમાં કાવ્યવૃષ્ટિ તરીકે પ્રકાશિત થાય ત્યારે પહેલો ભાગ વાંચ્યા પછી બીજો અને બીજો વાંચ્યા પછી ત્રીજો ભાગ વાંચવાની તાલાવેલી જાગે જ.
કહેવાતી ક્રિએટિવિટીની કોહવાઈ ગયેલી ગાયોનાં આંગળીના વેઢે ગણી શકાય એટલાં મર્યાદિત આંચળના પ્રતીકોને દોહી દોહીને ફાટેલા દૂધ જેવી દોઢડાહી કવિતાઓ કર્યા કરતાં જીવાત જેવા કવિઓની જમાતમાં સુરેશ દલાલ એક સુખદ અપવાદ છે. એ તમને સરાબોર કરશે, બોર ક્યારેય નહીં કરે. એમની કવિતામાં વાચકોની બે-ચાર દાદ વધારે મેળવવા પરાણે ઘૂસાડેલાં વજનદાર શબ્દોનું જોર નથી માટે એમના સરળ શબ્દો ઝકઝોર કરે છે. કમ્પલ્ઝિવ કવિઓની જેમ એ રચનાઓ માથે મારીને ટૉર્ચર કરતા નથી બલકે અદીઠાં અને અનૂઠાં વિચારોની અંધારી ભૂમિમાં ટૉર્ચ ફેંકીને ભાવકના મનમાં અજવાસ ફેલાવે છે. એમની કવિતાઓ લૂસલૂસ ખાઈ લેવામાં આવતા જંક ફૂડ જેવી નથી. એને શાંતિથી ચાવવાની છે, પચાવવાની છે. અને આ કવિતાઓમાંથી પસાર થયા પછી એ વાચકોને હચમચાવવાની છે એ પણ નક્કી છે.
ગુજરાતીમાં બેસી શકે એવા બધા જ શ્રેષ્ઠ શબ્દપ્રાસના કૉમ્બિનેશનનો સુરેશ દલાલે ઉપયોગ કરી લીધો છે. આ બ્લૉગમાં મારા પરિચયમાં મેં લખેલું કે નિજાનંદ માટે લખતો હોઉં છું પરંતુ પ્રતિભાવો માટે વલખતો હોઉં છું. એ વખતે મનમાં એમ હતું કે લખવું અને વલખવું શબ્દોનો પ્રાસ મારા સિવાય કોઈએ બેસાડ્યો નહીં હોય, પરંતુ કાવ્યવૃષ્ટિના એક કાવ્યમાં આ જ પ્રાસ વાંચ્યો ત્યારે મારી માન્યતાના ભુક્કા થઈ ગયાં. સુરેશભાઈ જાણે મલકીને કહેતા હોય કે, "બેટા, તુમ જિસ સ્કૂલ મેં પઢે હો વહાં કે હમ પ્રિન્સિપલ રહ ચુકે હૈ!"
|
કાવ્યવૃષ્ટિ ભાગ 1, 1966થી 1986 |
કાવ્યસંગ્રહમાં શું શું છે એના કરતાં શું શું નથી એવો પ્રશ્ન વધારે થાય છે. Suresh Dalal, an enormously talented poet, has practically and tactically covered almost every subject under the sun in his anthology of poems. બક્ષીબાબુએ પુરુષની ખડતલ છાતીને પાણી પાણી કરતા તડકા વિશે કવિતા લખી છે. સુરેશ દલાલ મધુર કોમળ મલયનો લય લઈને વહેતા રાતના સમય વિશે વાત કરે છે. બક્ષીનો તડકો વેકેશનમાં બેંચો પર થાકીને સુસ્તાય છે, સુરેશ દલાલનો રાતનો સમય રાતરાણીની સોડમાં સૂઈને મ્હેકતો રહે છે. બક્ષીનો તડકો તળાવના પાણીની ઉપર ટુકડે ટુકડે તરતો રહે છે, સુરેશ દલાલનો રાતનો સમય શહેરની કાળી સડક ઉપર ઊજળો થઈને ફરે છે ! બંને કવિતાઓની સરખામણીનો સ્નૅપશોટ નીચે જુઓ :
ફ્લૅટ વિશેની આધુનિક કવિતામાં એ પૈસેટકે સુખી અને સભર પણ લાગણીઓની બાબતમાં નીંભર જેવા માણસની જીવનશૈલી પર પ્રહાર કરતા લખે છે કે :
ફ્રિજના પાણી વિના છીપે નહીં મારી તરસ....ને એરકન્ડિશન્ડ વિના ઊગે નહીં એક દિવસ... આ નવું એક્વૅરિયમ... ડાઈનિંગ ટેબલ પર હમણાં અમારી વાતનો એક જ વિષય... જો કે, હજી નક્કી નથી કે મૂકશું કઈ સાઇડ પર...જોઈને આ માછલી?.... જોઈને આ માછલી...કોણ જાણે કેમ પણ યાદ આવે છે મને ટાઈપિસ્ટ-ગર્લ ઑફિસની જે કૅબિનમાં ને કારમાં એવી ખીલે....
પાણિપત કવિતામાં ઉજાગરો વેઠીને બીજે દિવસે ઑફિસે જવા માટે નિત્યક્રમ પતાવતાં રઘવાયા માણસની સંવેદના સરસ રીતે વ્યક્ત થઈ છે. તો "આ શહેરમાં" શીર્ષક હેઠળ લખે છે: એવી સિફતથી શબ અમે ઢાંકી દીધું, કૈં ખબર પડતી નથી કે કાય આ છે કે કબર?
પંખી વિનાના ઝાડની વેદનાને વર્ણવતા કહે છે:
પંખી વિનાના ઝાડને જોતાં પાંદડાં પીળાં લાગ્યાં,
ફૂલના ચ્હેરા સાવ ઉદાસીન વીલા વીલા લાગ્યા !
ડંખ્યા કરે ક્યારનો મને વેદનાનો એક વીંછું
પાંખની મળે છાંય જો મળે ગીતનું કોમળ પીંછું
પંખીનો ટહુકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે એવું કવિ કહે છે. મેડિકલના છાત્ર જેમ શબનું ડિસેક્શન કરે એમ એક એક શબ્દને ખોલીખોલીને જોતાં કવિને એની ભીતર વરસાદમાં ભીંજાયેલા તૃણ જેવું અને સાંજ ઢળ્યા પછી પંખી વિનાના આકાશ જેવું પારદર્શી મૌન મળે છે. કવિ પ્રભુને પ્રાર્થના કરતા ઘૂઘવતા જળની વચ્ચે ઊભેલા ખડક જેવું મૌન માંગે છે.
'કાગળના કિલ્લામાં' કવિતામાં એક સરસ પંક્તિ આવે છે:
આરસનું પંખી અહીં ફેલાવી પાંખ.... કરે ઊડવાનો કેવો અરે ચાળો,
રૂના આકાશની છાયામાં આપણો....ભાંગેલી ડાળ ઉપર માળો.
"આંખ" કવિતામાં સુરેશભાઈની આંખ કેવા કેવા અવલોકન કરે છે? આંખને ઊંબરે ડુંગરા ઊભેલા દેખાય છે, તો સાથે સાથે સાતે સમંદર પણ ઘૂઘવતા દેખાય છે. આંખમાં કોતર અને કંદરા પણ છે, આભ અને વસુંધરા પણ છે! આંખમાં શંકા છે, તો રાવણની લંકા પણ છે અને આંખમાં કાદવની સાથે ગંગા પણ છે!
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે શું થાય છે? કવિના મતે પ્રેમ કરીએ છીએ ત્યારે સૂર્ય આથમતો નથી અને રાત ઊગે છે! દીવાલોમાંથી સમુદ્ર ઘૂઘવે છે અને રેતી સુકાતી નથી! આસપાસ અરીસા ગોઠવાય છે અને પ્રતિબિંબ દેખાતું નથી! આપણે ત્યાં જ હોઈએ છીએ અને રસ્તો ચાલે છે!
'અર્થ શીર્ષકની કવિતાની એક પંક્તિ જુઓ:
મોટી મોટી કરેલી પ્રેમની વાતો ઊંઘમાં સરકતી રાતની જેમ વિલાઈ જાય છે
અને નાના નાના કરેલા ઉપકારો બપોરના તડકાની જેમ ઉઘાડા ફરે છે !
ફેસબુક પર ઘણી શેર થયેલી એક કવિતાની પંક્તિ પણ અદભુત છે:
કંઈ કેટલાં નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે!
સંબંધ વિશે પિષ્ટપિંજણ કરતાં લાંબાલચક લેખો લખતાં કટારલેખકો-લેખિકાઓ કરતાં સુરેશ દલાલની કવિતાઓ થોડામાં ઘણું કહી જતી હોય છે:
આવે તેને આવવા દઉં: જાય તેને નહીં રોકું:
આપણો અહીંનો સંબંધ એ તો નીંદ પહેલાંનું ઝોકું!
વણમ્હોરેલા ફૂલની ભરી છાબડી ખાલી ખાલી:
આવ્યા વિના આંખમાંઆંસુ પાંપણ જાય પલાળી.
શમણાંની અહીં સરતી રહેતી આવે રે સૂની પોઠ;
ઝાકળભીનાં લોચનિયાં ને અવાક મારા હોઠ.
દિવસ મારો બ્હાવરો ફરે: સળગે શીતળ રાત:
ગગનમાં અહીં કણસે કાળું, કથળેલું પરભાત!
જાય તેન કહું 'આવજો' અને આવતાને કહું 'આવ';
બેય બાજુની તટની વચ્ચે ઝૂરતી રહે નાવ!
એકબીજામાં રસ રહ્યો ન હોય એવી વ્યક્તિઓ વિશે કવિ કહે છે:
આપણે એકમેકને એટલા વધુ પડતા ઓળખીએ છીએ
કે આપણને એકમેકમાં રસ રહ્યો નથી.
બુઝાઈ ગયેલી મીણબત્તીને સળગાવવા માટે હવે અંધકાર પણ ક્યાં છે?
બપોરને સમયે ઝળહળતા શો-કેઈસ પાસે આપણે વિન્ડો શૉપિંગ કરતાં હોઈએ એમ ઊભાં રહ્યાં છીએ... જાણે કે કશું પણ ચૂકવ્યા વિના... !
એક કવિતામાં કવિ દાવો કરે છે કે શબયાત્રા જેની નીકળી નથી એવા સંબંધોનાં મડદાં મેં જોયાં છે!
કવિતાને ધારદાર બનાવતી ઉપમાઓની સુરેશભાઈ પાસે ખોટ નથી. કોઈની યાદ જાણે ચકરાવો લેતાં પંખીની જેમ આપણાં ફરતે વીંટાતી હોય એવી કલ્પના એક કવિતામાં વ્યક્ત થઈ છે. બીજી એક કૃતિમાં સ્મૃતિને એકમેકની અલગતાને એક કરતો સેતુ ગણાવ્યો છે.
'આજ ને આજ' કવિતામાં તાજમહેલ બંધાવ્યા બાદ જીવનના અંતિમ સમયમાં આગ્રાના કિલ્લામાં કેદ થયેલા મુઘલ બાદશાહ શાહજહાંની વ્યાકુળતા આબાદ વ્યક્ત થઈ છે:
તાજની છાયામાં સાથે બેસી, સ્મિત સજીને ફોટા પડાવતાં પ્રેમીઓને જોઈને લીલા અંગુર જેવી મુમતાઝની આંખમાં યમુના થીજી ગઈ છે.
શરદ પૂનમે પથ્થરો પવનની જેમ પાગલની જેમ ભટકતાં ભટકતાં બબડે છે: 'આજ ને આજ તાજને તોડી નાખો: તાજને તોડી નાખો!'
'મારું ભાગ્ય' કવિતામાં કવિ લખે છે:
વિચારોના કુરુક્ષેત્રમાં
મારા પુરુષાર્થનો રથ
ભાંગીને ભુક્કો થઈને પડ્યો છે!
કૃષ્ણની વેણુ જો સાંભળવી હોય તો
રાધાની વ્યાકુળતા અનુભવવી પડે
કે
કૃષ્ણની વાણી સાંભળવી હોય તો
અર્જુનનો વિષાદયોગ અનુભવવો પડે
એ હકીકત
હું કેમ ભૂલી જાઉં છું?
કૃષ્ણ ત્યારે જ ચીર પૂરવા આવે
જો મારામાં પ્રકટે
દ્રૌપદીની નિ:સહાય ચીસ. '
સેફ'ના ખાનાના અંધકારમાં પડેલા
વિધવાના મંગળસૂત્રની જેમ
મારું ભાગ્ય કણસે છે!
'સાથે મળીને એકલા ગાવાનું ગદ્ય અને વાંચવાનું ગીત' ત્રણ પાનામાં ફેલાયેલું છે અને માણસની જિંદગીમાં ખખડતાં ખતરનાક ખાલીપાનું કાવ્ય છે. માણસ લગ્નમાંથી ઉઠમણામાં અને ઉઠમણામાંથી લગ્નમાં એક ખંડમાંથી બીજા ખંડમાં જતો હોય એવી આસાનીથી જઈ શકે છે એમ કવિ કહે છે. રવિવારના રમકડાંને શનિવારથી ચાવી આપતો માણસ 'વીક એન્ડ'નો મહિમા કરે છે. પ્લાસ્ટિક જેવા સિન્થેટિક માણસને બાળવા માટે લાકડું કે ચંદન નહીં પણ નાયલોન જોઈશે એવું કહીને કવિ મરી પરવારેલી લાગણી પર સખત કટાક્ષ કરે છે. પ્લાસ્ટિકના આદમ અને નાયલોનની ઈવમાં જીવ નથી અને બંનેનો પ્રેમ પ્લાસ્ટિકનો અને શોક નાયલોનનો છે.
'અકારણ' કવિતામાં કવિ જીવનનો મર્મ સરસ આપે છે:
આપણે તો અહીં તરતા રહેવું માછલીઓની જેમ;
કોઈને નહીં કારણ કહેવાં, પૂછવું નહીં કેમ?
સાહજિકતાથી જીવવાનો મહિમા વ્યક્ત કરતી આવી જે એક અન્ય કવિતા 'સ્વબોધ'માં કવિ લખે છે:
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું.
મૂગા થઈને સ્હેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું!
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવુંદેવું કાંઈ કશું નહીં: કેવળ હોવું: એ જ તો રહેવું,
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
'એક અનામી નદી' કાવ્યસંગ્રહમાં આવા જ મતલબના એક કાવ્યમાં કવિ લખે છે:
કોઈને માટે કશું ન હોય,
રાગ-દ્વેષ કૈં તસુ ન હોય!
આપણે તો બસ ચાલતા રહેવું,
પંખી જેવા પાંદડાની જેમ
સાવ લીલાછમ મ્હાલતા રહેવું,
ક્યાંય ગુફા કે પશુ ન હોય,
કોઈને માટે કશું ન હોય.
'કુરુક્ષેત્ર' કાવ્યમાં કવિ આપણી અંદર જ સારાઈ અને બુરાઈ બંનેનો સંગમ થયેલો છે એવું કહે છે:
તું કૌરવ, તું પાંડવ: મનવા! તું રાવણ, તું રામ!
હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !
કદી હાર કે જીત: કદી તું તારાથી ભયભીત;
કદીક પ્રકટે સાવ ઓચિંતું સંવાદી સંગીત,
ભીષણ તું તાંડવમાં: મંજુલ લાસ્ય મહીં અભિરામ
તું કૌરવ, તું પાંડવ: મનવા! તું રાવણ, તું રામ!
ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ;
તું તારું છે બંધન મનવા! તું તારું નિર્વાણ !
તું તારો શત્રુ ને બાંધવ: તું ઉજ્જવલ: તું શ્યામ!
તું કૌરવ, તું પાંડવ: મનવા! તું રાવણ, તું રામ!
ક્યારેક કોઈ પરિસ્થિતિ વિશે વાંચીને હૈયું દ્રવી ઉઠે અને તત્કાળ કવિતા સૂઝી આવે એવી કવિતા સિચ્યુએશનલ પોએટ્રી કહેવાય છે. 1971માં બાંગ્લાદેશના મુદ્દે ભારત-પાક. યુદ્ધ અગાઉ પૂર્વ બંગાળમાં થયેલા હત્યાકાંડ અંગે સહાનુભૂતિ દર્શાવવા એક કાર્યક્રમમાં ભેગા થયેલા કવિઓ વિશે 'થયા આપણે ભેગા' કાવ્ય સુંદર રજૂઆત કરે છે.
શબ્દની આંખે શબને જોવા થયા આપણે ભેગા
પીંખાઈ ગયેલા માળા જોવા થયા આપણે ભેગા
ભરબપ્પોરે થયાં જેમનાં મોત અભાગી દિવસે
એને છાણે ખૂણે રોવા થયા આપણે ભેગા.
પ્યુબર્ટીના સમયમાં છોકરા છોકરીને ફૂટતી યુવાનીની જેમ કવિને કેટલી સહજતાથી ગીત ફૂટે છે:
તરણાંની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં,
હરણાંની જેમ એ તો ભટકે છે બ્હાવરાં ને કહેવાનું કાંઈ નથી કહેતાં.
સામાજિક પ્રાણીનાં ગીતમાં કવિ સમાજનાં સળિયામાં પૂરાયેલા માણસના ચટાપટાળા દિવસો પિંજરપૂર્યા વાઘની જેમ આંટા મારતા હોવાનું કહે છે.
સંબંધ વિશેની બીજી એક વેધક કવિતા વાંચો:
આખી રાત પડેલા વરસાદના
ગંદા પાણીમાં ન્હાતાં
ઝૂંપડપટ્ટીનાં નાગાં બાળકો
જેવો
આપણો સંબંધ
છબછબિયાં કરે છે.
તડકો ઊઘડશે ત્યારે
એકઠા થયેલા કાદવને
આપણે જોઈ શકશું ખરા?
કવિને 'મધ્યમવર્ગી આકાશ'માં ગઈ કાલનો આથમેલો સૂર્ય ઘરના હિસાબની ડાયરીમાં શાહીનું ટપકું થઈને પડેલો જણાય છે. આજે ગજવામાં રૂમાલનું ઓશીકું કરીને ટૂંટિયું વાળીને પડ્યો છે. આવતીકાલે પહેલી તારીખના પગાર, મકાનના ભાડાં, દૂધ-છાપા-કપડાંના બિલો વચ્ચે ફેરફૂદરડી ફરીને પાછો શાહીનું ટપકું થઈને હિસાબની ડાયરીમાં પડ્યો રહેશે.
પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરેલાં બે ગીતો પણ આવે છે: (બંને ગીતો પર ક્લિક કરવાથી Tahuko.com પર સાંભળી શકાશે)
'અનુભૂતિ' કાવ્ય મૃત્યુ સામે માણસની લાચારી વ્યક્ત કરે છે. મૃત્યુ આવે ત્યારે દોરાધાગા, માદળિયાં, તાવીજ, બાધાઆખડી, માનતા, સત્યનારાયણ, શ્રીનાથજી કશું કારગર નીવડતું નથી. પ્રત્યેક પથારીમાં જીવનની આબરૂ અને મૃત્યુનું રૂ રહેલું છે. મરણપથારીએ પડેલાં દોસ્તની નિ:સહાયતાનું વર્ણન કરતાં લખે છે કે હજી એના સંતાનના ખભા પર નિશાળનું દફતર લટકે છે, સ્કૂલબસમાં જતો છોકરો હાથમાં દોણી લઈને સ્મશાને કઈ રીતે જઈ શકશે? મૃત્યુના ભિડાયેલા હોઠમાં પોલાદી સંકલ્પની સખ્તાઈ છે.
મૃત્યુ વિશે એક જગ્યાએ કવિ લખે છે:
મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.
શબ પર ફૂલ મૂકીએ છીએ
એ પહેલાં
હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.
जो लोग जिंदगी की सख़्त हकीकतो से डर गये....वो लोग अपने मौत से पहले ही मर गये...એવી શાયરી ક્યાંક વાંચી હતી. મૃત્યુ પામતાં પહેલાં જ મરી ગયેલા માણસના કાવ્યમાં સુરેશ દલાલ કહે છે હું પોતે જ મારા પોતાના પ્રેત સાથે, વેરણછેરણ હેત સાથે અને અશુભ સંકેત સાથે જીવું છું. દિવસ આખો શબવાહિની જેવો લાગે છે. શહેર આખું સ્મશાન જેવું ભાસે છે ત્યારે તૂટેલા અરીસાઓને પ્રેતની જેમ પોતાનો પ્રાણ ક્યાં છે એવો સવાલ પૂછ્યા કરું છું. જન્મ થયા પછી જાણે કે જન્મ્યો નથી અને મૃત્યુ પામતાં પહેલાં હું મરી ગયો છું.
મહાભારત સાથે જીવનની સરખામણી કરતાં કાવ્ય 'બધાં જ હાંફે છે'માં કવિ લખે છે:
લોખંડની વિરાટ પેટી જેવા મુંબઈમાં
મારી માતાએ
મને કાળના પ્રવાહમાં વહેતો મૂકી દીધો છે.
સૂર્યના તેજ વિનાનો હું કર્ણ
વારસો ભોગવું છું
વિષાદના ગઠ્ઠા જેવા લોખંડનો.
તો 'રામ વિનાનું રામાયણ'માં કવિ કહે છે:
ટ્રેનના કમ્પાર્ટમેન્ટ્સ જેવા ચહેરામાં સળિયાવાળી બારી જેટલી પણ મોકળાશ નથી.
શબ્દમાંથી માન અને અપમાનના ઝેરની કોથળી કાઢી લઈએ તો શબ્દ છેવટે સાપને બદલે ઈયળ બનીને રહી જાય એવી અદભુત કલ્પના 'અપેક્ષા નથી હોતી' કાવ્યમાં વ્યક્ત થઈ છે. એ જ કાવ્યમાં કવિ આગળ લખે છે: ઈશુનો વધ થયો અને અમે સાવધ થયા!
'એમ તો માણસ સમજુ છે' રચનાનો એક અંશ જુઓ:
સવારના સૂરજની કેવી અવહેલના
કે કૂકડો પણ
ઍલાર્મ-ક્લૉક મૂકીને સૂઈ જાય !
પંખીઓ આકાશમાં ઊડવાની ના પાડશે
તો હવે શું કરીશ
એ ચિંતામાં ઈશ્વરને અલ્સર થયું છે.
ડામરની સડક જેવા આકાશમાં
શું ટૅક્સીઓ દોડાવવાની અને રેલવેના પાટાઓ જડાવવાના?
પ્રાર્થના વિશે કવિ કહે છે કે લાચારીને કારણે જોડાઈ ગયેલા હાથ એ પ્રાર્થનાનો દેખાવ છે, પ્રાર્થના નથી. 'એક સરોવર ઝૂરે છે' કૃતિમાં કવિ આકાશને પંખીઓની શૂન્યતાનું ઍરપોર્ટ કહે છે.
'આ રાત પછીનો દિવસ'ના કેટલાંક શબ્દો જુઓ:
હાથમાં
મરેલા સસલા જેવો દિવસ લઈને
રાતે હું પાછો વળું છું
- શિકારનો સંતોષ મેળવી.
જય સંતોષી મા!
ખુલ્લંખુલ્લા તરીને
સ્વિમિંગ પુલને કૅબરે બનાવી મૂકતી સ્ત્રીઓને જોઈને
સમુદ્રની માછલીઓ બ્રા અને નીકર
કેમ નથી પહેરતી?
એવું કોણ પૂછે છે મશ્કરીમાં?
નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને રે કહીએ ગીતની કેટલીક પંક્તિઓને કવિએ વીસમી સદીના માણસના એકરારનું સ્વરૂપ આપીને કટાક્ષમાં ઝબોળીને કેવી રીતે લખી છે એ જુઓ:
સફળ લોકમાં સહુને વંદું
નિષ્ફળની કરું નિંદા રે.
રૂપિયા પછીનાં વ્હાલાં લાગે
એક પછી એક મીંડા રે.
તૃષ્ણા પરસ્ત્રી જેવી વ્હાલી
મનના મેલા અમે મવાલી
જીભને જુઠ્ઠાણાનો મહિમા,
જુઠ્ઠાણાને નહીં કોઈ સીમા
પારકું ધન પોતીકું લાગે,
ઊંઘવાનું ઓશીકું લાગે.
મોહમાયાની મૈત્રી એવી
કે રંગરાગ તો મનમાં છે:
રાવણનામની તાળી લાગી
બટરની ગંગા તનમાં છે.
ગટરની ગંગા મનમાં છે.
બૅન્ક લૂંટવાનો લોભ ભર્યો છે
અમે કપટના નફ્ફટ કાજી;
કામ-ક્રોધના કુંડ મઝાના
ચારે બાજુ હાજી-હાજી!
એન.મહેતાનું ભજન કર્યું છે
અવળું એની માફી માગું
વીસમી સદીમાં જીવું છું રે
એની તો હું આ ફી માગું.
કુળ એકોતેર બોળ્યાં છે.
જીવન અમે તો ડહોળ્યાં છે.
રાગ સમાજ ને તાલ છે ચાલુ.
જીભ પર છે જુઠ્ઠાં જરદાળુ.
બાપુનું વ્હાલું ભજન
વૈષ્ણવ જન...વૈષ્ણવ જન -
એનું હવે લાગે છે વજન
- લાગે છે વજન.
તરેહ તરેહના વિષયો ખેડનાર સુરેશભાઈ પાસે શૃંગાર રસનું વર્ણન કરવાનો પણ કેવો કસબ છે એ 'ગમે છે' રચનામાં જોવા મળે છે:
અમસ્તી અમસ્તી અમસ્તી ગમે છે,
સ્તનોની સુંવાળી આ વસતી ગમે છે.
સ્તનોના ઊછળતા આ દરિયાની ઉપર
તરે ચંદ્ર એવી આ કિસ્તી ગમે છે
જરી હાથ મૂકું અને આ થયું શું?
મને તારી છાતી ઊપસતી ગમે છે!
21 ઑક્ટોબર 1979નાં રોજ 'લોકશાહી આમ તો જીવે છે!' શીર્ષક હેઠળ લખેલી કવિતામાં કવિએ લોકશાહીની એ વખતની સ્થિતિ પર જે કટાક્ષ કર્યો છે એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
ભાંગી ગયેલા ભારતના રથનાં પૈડાંનું
ગોળ રૂપિયામાં રૂપાંતર કરીને
ચૂંટણીમાં મત ખરીદીને
ગાંધીજીની ખાદીને કાળાબજારમાં વેચીને
એમના રેંટિયાનું લિલામ કરીને
એમના સત્યાગ્રહને અને સૂત્રોને
બજારુ સ્ત્રીની જેમ ચાવીને
રાજઘાટને જાણે કે રેડલાઈટ એરિયામાં
ફેરવી નાખીને
લાલ કિલ્લા પર
પંદરમી ઑગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીએ
ધ્વજવંદનનો મુજરો કરીને
હિંદુસ્તાનના નક્શાને
ચોળ્યો છે, ચૂંથ્યો છે
ડૂચો કરી મૂક્યો છે.
ચીંથરેહાલ થયેલા હિંદુસ્તાનના નક્શાને
નપુંસક ભાષણોથી
કે ગાંધીજી અને જયપ્રકાશની તસવીરથી
હવે સાંધી નહીં શકાય
એટલું પણ
કેમ નહીં સમજાતું હોય
અમારા સંતાનપ્રેમી નેતાઓને!
અહીં ક્યાંય ધર્મક્ષેત્ર નથી
અહીં કોઈ કૃષ્ણ નથી
પાંડવ નથી
સત્તાના તાંડવમાં
અહીં તો બધા જ કૌરવો.
પાંચ પતિએ અનાથ
દ્રૌપદી જેવી લોકશાહીનાં વસ્ત્રો
અનેક પક્ષો ખેંચી રહ્યા છે
પોતાની નગ્નતાને ઢાંકવા.
લોકશાહીની આસપાસ
તાપણું કરીને બેઠેલા નેતાઓનો
કેમ્પ-ફાયર
શી દશા કરી છે એમણી ગાંધીટોપીની?!
ભારતની આબરૂની રક્ષા કરે
કે એના ગૌરવને વધારે
એવી આ ટોપી રહી છે જ ક્યાં?
નેતાઓ ચૂંટણીનો મહાસાગર તરવા માટે
આ ટોપીને અવળી કરીને
હોડી તરીકે વાપરે છે.
એમને રસ છે
પોતાને મળે એ કિનારામાં.
આ ટોપીનું ભિક્ષાપાત્ર કરીને
તેમાં મત ભેગા કરે છે.
આ ટોપી જાદુઈ ટોપી છે
ગાંધીજીની લાકડી પર
આ ટોપીને લટકાવીને
સુદર્શન ચક્રની જેમ ફેરવતાં આવડે છે આ નેતાઓને
આ નેતાઓ...
કૃષ્ણના સુદર્શન ચક્રને
હવાઈ ચકરી જેવું કરી મૂકે
એવા આ નેતાઓ!
એમને માટે પ્રજા
એ માણસ નહીં
પણ હાંકવા માટેનાં ઘેટાંઓ,
એમને વ્હાલાં છે
પોતાનાં દીકરી જમાઈ અને બેટાઓ.
પ્રજા આમ તો વ્હાલી છે:
પણ આંગળીથી નખ
છેટા હો તે છેટા હો.
લોકશાહી મરી નથી ગઈ, એટલું જ.
એને બધા જ રોગો થયા છે:
એનું બી.પી. નૉર્મલ નથી
પલ્સનું ઠેકાણું નથી
સેરેબ્રલ હેમરેજ થયો છે
લોકશાહીને.
લોકશાહી પાસે
હવે અસલની વાચા નથી
એની આંખ પણ ગઈ છે
સ્મૃતિ નથી રહી
લોકશાહીને.
ઘાસપાનની જેમ જ
પડી રહી છે લોકશાહી.
લોકશાહી આમ તો જીવે છે
વચનોમાં
પ્રવચનોમાં
બચી જશે એવા આશ્વાસનોમાં
શંકા કાવ્યમાં કવિની શોધમાં નીકળેલા શબ્દોને સુરેશભાઈ સ્કૉટલૅન્ડ યાર્ડના કૂતરા સાથે સરખાવે છે.
વિ-સંગતિ કાવ્યમાં કવિ રામાયણ જેવા મહાકાવ્યમાં લક્ષ્મણરેખા, સુવર્ણ મૃગ, લંકા, રામ, લક્ષ્મણ, ભરત વગેરે પાત્રોને આ રીતે વ્યાખ્યાયિત કરે છે:
મારી ચીસ મારા કાન સુધી પહોંચે એવી
લક્ષ્મણરેખા મેં દોરી છે.
સુવર્ણ મૃગ - એ તો ભરમીલી આંખોએ કરેલી છાનીછપની ચોરી છે.
લંકા બળે છે ત્યારે મારી અયોધ્યા પણ દાઝે છે.
રામ, લક્ષ્મણ, ભરત, રાવણ - એ નરનાં સ્વરૂપ
સીતા, કૈકેયી, મંથરા, કૌશલ્યા - એ નારીનાં સ્વરૂપ
હનુમાનને એક જ સ્વરૂપ: રામનું - રામના નામનું
વાનરમાં વિભિન્નતા નથી હોતી
વાનરને વિકલ્પો નથી હોતા.
આ જ કાવ્યમાં લાગણી મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે અને સાચો પ્રેમ કેવો હોઈ શકે એ વિશે કવિ ફોડ પાડે છે:
લાગણી મૃત્યુ પામે છે પછી
માણસ જ્યારે
સંબંધોમાં ખુલાસા કરે છે ત્યારે
એ બધાં લાગણીનાં ચૂંથણાં લાગે છે
લાગે છે નર્યો વેશ્યા જેવી બુદ્ધિનો પ્રપંચ
સડક પર પડેલા મરેલા ઉંદરને
ચૂંથતા કાગડાની ચાંચ જેવો.
સાચો પ્રેમ ખુલાસાથી પર છે
શબ્દ નહીં પણ અનુભવ છે
ઘાસમાં આળોટતી ચાંદની જેવો.
કવિ-લેખકને શબ્દનું મમત્વ હોય છે, શબ્દોનું વળગણ હોય છે, શબ્દોનું ગળપણ હોય છે, અને શબ્દો સાથે એને સગપણ હોય છે. ત્યારે સુરેશભાઈ એક જગ્યાએ લખે છે:
બધી જ વાતને શબ્દમાં મૂકવાના સ્વભાવને તારે છોડવો પડશે, મારા દોસ્ત!
ભાવની તીવ્રતા એ શબ્દથી પર હોય છે.
ભાવની તીવ્રતાનો અનુભવ હોય છે મૌનના ગર્ભાશયમાં
શબ્દ તો અનુભવનો પડછાયો પણ નથી.
અનુભવ તો અનુભવમાં જ જન્મે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે
શબ્દ તો અનુભવની છાયાસૃષ્ટિ : માયાસૃષ્ટિ!
શબ્દોમાં વહી જતી લાગણી વિશે કવિનું શું કહેવું છે?
શબ્દોમાં વહી જાયે લાગણી: જેમ પાણી અહીં વહી જાયે નીકમાં
બોલે ને તોય એ તો કાંઈ કશું કહે નહીં: હું તો મૂગો છું બોલકાની બીકમાં !
ગુજરાતીમાં અનેક કવિઓએ માછલીને કેન્દ્રસ્થાને લખી ઋજુ સંવેદનાઓ પ્રગટ કરતાં કાવ્યો લખ્યા છે. (આમાંથી કોઈપણ કવિ નૉન-વેજ ખાતી વખતે માછલી ઑર્ડર નહીં કરતો હોય!) ઍક્વેરિયમની માછલીને દરિયો અને માછીમારની જાળ મિસ કરે છે એવું કવિ આ રીતે કહે છે:
માછલી વિના દરિયો ઝૂરે, માછલી વિના જાળ;
કાચની કોમળ દીવાલ કરે માછલીની સંભાળ.
'ગાઈ નાખવાનું ગીત' વાંચતા લાગે છે કે હવે માણસજાતે પ્રેમ વિશે નાંહી નાખવાનું છે:
પ્રેમ હવે પલટાતી મોસમમાં છે,
રતિ અને કામદેવ મ્યુઝિયમમાં છે.
માણસ તો પ્લાસ્ટિકની ટૅન્ક તોપ જેવા,
I love you શબ્દો હવે લોલીપોપ જેવા;
લાગણી તો મૈથુનની ચ્યુઈંગમમાં છે,
રતિ અને કામદેવ મ્યુઝિયમમાં છે.
લોહી-માંસ-ફીણ ફીણ: Venusને ત્રાસ
Cupidનો stupidની સાથે મળે પ્રાસ;
રાસ હવે કૅબરેની ધામધૂમમાં છે,
રાધા અને કૃષ્ણ હવે ફિલ્મમાં છે.
'છેવટે' કૃતિમાં અલગ રસ્તે જવાનું પસંદ કરતાં યુગલની વાત સરસ વ્યક્ત થઈ છે:
છેવટે આપણે છુટ્ટાં, સાજન! છેવટે આપણે છુટ્ટાં
સાચાબોલો સમય અને હોઠ તો આપણા જુઠ્ઠા
કેટલી બધી રાતો
ને કેટલી બધી વાતો
આપણા બધા શબ્દો: જાણે મન-સરોવર સુક્કાં
છેવટે આપણે છુટ્ટાં, સાજન! છેવટે આપણે છુટ્ટાં.
યાદ તો આવે, જાય
અને કાંઈ કશું નવ થાય
ધીમે ધીમે ઊખડી ગયા લાગણીઓના બુટ્ટા.
છેવટે આપણે છુટ્ટાં, સાજન! છેવટે આપણે છુટ્ટાં
'મહોબતના મુજરાનું ગીત' લગ્નની સામાજીક પ્રથાના નામે ચાલતા પ્રેમના દંભ પર પ્રહાર કરે છે. કાવ્યમાં લગ્નના નાટકથી કંટાળીને પુરૂષ નિખાલસતાથી એકરાર કરે છે કે પોતે શયનખંડમાં વસ્ત્રો ઉતાર્યા છે પણ નગ્ન થયો નથી. જ્યાં સુધી મનનાં વસ્ત્રો ન ઊતરે ત્યાં સુધી લગ્ન થતાં જ નથી. પોતે નિરાધાર ન થાય અને એકલતા ન પીડે એવા ભયને કારણે જ લગ્ન કર્યા હોવાનું કહે છે. કાવ્યમાં સંતાનોને જાડી જાડી વાસનાનાં ખરબચડાં કંતાનો, વૃદ્ધાવસ્થાના પગલૂછણિયાં, આપણા અહંના વંશનો વિસ્તાર ગણાવવામાં આવ્યા છે. લગની અને અગ્નિ વિનાના નર્યા દેખાડાવાળા લગ્નમાં ધુમાડા સિવાય કંઈ બચ્યું નથી એવી હતાશા વ્યક્ત થઈ છે. પ્રેમ વિશેના જ અન્ય એક કાવ્યમાં કવિ પ્રેમને આંગળીઓના રોજેરોજ વધતા જતા નખ સાથે સરખાવીને ભય પ્રગટ કરે છે કે ક્યાંક એ પોતાને જ ફાડી ન ખાય!
લગ્નની 'ગોઠવણ' પર પ્રહાર કરતું 'આલબમ' શીર્ષકનું બીજું એક કાવ્ય જોઈએ:
એક સરસ ઘરની અંદર બે જણા ખરાબ રીતે ઝઘડે છે. સવારના
પહોરમાં ક્રૉકરી ઉત્તમ, વાતો મધ્યમ, અધમતાને આરે પહોંચતી
હોય એવી. વ્યક્તિઓની વાતોમાંથી નિંદાકૂથલી. સામસામે કાદવનો ગારો.
પછી બન્ને નોકરીએ જાય, સંતાનો સ્કૂલમાં, નોકરો માટે ડ્રૉઇંગરૂમ
બાથરૂમ, શયનખંડ, ફ્રીજ, પંખાની હવા, ઍરકન્ડીશનર, ફોન...
કૉમ્યુનિકેશનની પરાકાષ્ઠા.
સાંજે બધા ડાઈનિંગ ટેબલ પર ટોળે વળે, કોઈને કોઈનામાં રસ નહીં.
ધૂંધવાયેલો ક્રોધ. બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિકનો ધોધ. અવારનવાર
થતી ડીનર પાર્ટીના મૃગજળથી પ્યાસ છિપાવવાનો હરણિયો પ્રયત્ન.
રાતના સેક્સી મૅગેઝીનની સોડમાં. સિંહ અને સિંહણ ઉંદરની બોડમાં.
કોણ જાણે કેવા કરમાયેલા કોડમાં એકમેકને કરડે, ફૂંકે, ફકે.
જીવનમાં આમ ટકે, લટકે, છકે. સવારના પહોરમાં કમાન છટકે.
ઘડિયાળ બંધ, ઘડિયાળ ચાલુ. કંકોતરી, રિસેપ્શનના ફોટા,
લગ્નનું આલબમ, ફાટી ગયેલા પૂંઠાં, લગ્નનો અગ્નિ થીજી ગયો છે
અને રિસેપ્શનનું આઈસ્ક્રીમ આગ...આગ...
એક આલબમની અંદર બે જણ ગોઠવાયેલા, ઘવાયેલા. સંતાનો, બીજી પેઢી...
એની પાસે પણ હશે એક સરસ ઘર, લગ્નના આલબમની બીજી આવૃત્તિ...
ગુજરાતી સાહિત્યમાં મા વિશે લગભગ દરેક લેખકે લખ્યું જ હોય એવું જ મુંબઈનું છે. મુંબઈ વિશે જ્યોતીન્દ્ર દવે, ચંદ્રકાંત બક્ષી, નિરંજન ભગત, અશ્વિની ભટ્ટ, તારક મહેતા સહિતના ઘણાં લેખકોએ પોતપોતાના અવલોકનો વિશિષ્ટ શૈલીથી રજૂ કર્યા છે. નિરંજન ભગતે એમના પ્રસિદ્ધ કાવ્યમાં મુંબઈને પુચ્છ વિનાની મગરી ગણાવ્યું હતું. સુરેશભાઈ શું કહે છે એ જોઈએ:
મુંબઈ મીટર ચડ્યા કરે એ ટૅક્સી છે, મુંબઈ સેક્સ વિના પણ સેક્સી છે, મુંબઈ નાગું છે ઉપર જો કે મૅક્સી છે, મુંબઈ એ શ્રીમંત ભિખારીઓની ઍર-પોર્ટ પરની ગૅલૅક્સી છે, મુંબઈ હડકાયું હિપ્પી છે, સલામતીખોર જિપ્સી છે, હમણાં હમણાં મુંબઈને રાસદાંડિયાની ઘોંઘાટિયા ગાંડિયાની ખુજલી છે, ખણસ છે; મુંબઈ રાવણના માથા જેવું મોટુંમસ છે. સરસ છે, ભઈ આ મુંબઈ સરસ છે.
અહીં ફૂલ ફ્લાવરવાઝમાં ઊગે. નવી કવિતાની રીતે કહેવું હોય તો કહી શકીએ કે અહીં ફૂલમાં ફ્લાવરવાઝ ઊગે. સમડી ને બાજ ઊગે. લાઉડ-સ્પીકર્સના અવાજ ઊગે. અહીં પંખાની હવામાં વસંત વાય. અહીં ઍરકન્ડીશન્ડમાં શિશિર થાય. કાંઈ નહીં આવે ને બધુંય જાય. મુંબઈ કાદવનો ગારો છે અને આરસની ફરસ છે. મુંબઈ ટ્રેજડી છે, ફારસ છે, મુંબઈ પ્લાસ્ટિકિયા સિફારસ છે. અહીં કશું હેમખેમ નથી. અહીં કશું એમનેમ નથી. ખાંસી ખાઈને ધ્યાન દોર્યા કરે એવી મુંબઈ ન અટકે એવી ઉધરસ છે. આ એક નવો રસ છે. અહીં બધું આસપાસ ને અરસપરસ છે. સરસ છે. ભઈ આ મુંબઈ સરસ છે.
આપણે કોણ છીએ, આપણા અસ્તિત્વનો હેતુ શું છે અને આ દુનિયામાં કેમ આવ્યા છીએ આવા દાર્શનિક પ્રશ્નો ઘણાંને થતાં હોય છે. 'હું કોણ છું' કાવ્યમાં કવિ જાતની ઓળખ મેળવતા કાંટાળા પ્રશ્નો કરે છે:
હું ગયા જનમના કોઈ પુસ્તકનું
છૂટું પડી ગયેલું પાનું છું?
કે આવતા કોઈ જન્મની
અધૂરી હસ્તપ્રત છું?
હું માતાપિતાના પ્રેમનું
કે વાસનાનું કે બન્નેનું
બહાનું છું?
હું કોણ છું?
હું આ જ શહેરમાં શા માટે
હું આ જ ઘરમાં શા માટે?
આને બદલે કોઈ બીજું શહેર હોત, \
કોઈ બીજું ઘર હોત
તો કોઈ ફેર હોત?
મારી કુંડળીનો માલિક કોણ?
કે પછી કુંડળી જ મારી માલિક?
કોણે ગોઠવ્યા છે ગ્રહો એના ખાનામાં?
પાંચમાં સ્થાનમાં શુક્ર, ગુરુ, કેતુ
એનો કયો હેતુ?
ચોથા છઠ્ઠા અને સાતમા સ્થાનમાં
મંગળ, સૂર્ય, બુધ.
આ બધું આ જ અને આવું કેમ? - હું અબુધ.
નીચેની એક કાવ્યપંક્તિનો અંગ્રેજીમાં અનુવાદ કરવાની લાલચ રોકી શક્યો નથી:
તારે શા માટે લાવવું જોઈએ કાવ્યનું પુસ્તક કે ગુલાબ?
તું પોતે જ છે મારે માટે મારાં નહીં લખાયેલાં કાવ્યોની કિતાબ
Why should you bring a book of poetry or a rose?
For me you are a book of my unwritten poetic prose !
આજે તત્કાળ ટેકનોલોજીકલ કનેક્ટિવિટીના જમાનામાં માનવો વચ્ચે સંપર્ક તો છે, પણ દિલથી દિલને જોડી શકે એવો સંવાદ નથી. કવિ રતિલાલ 'અનિલ'નો એક શેર છે:
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!
માણસોની આછકલાઈ અને વ્યક્તિત્વની પોકળતા જોઈને આવું જ કંઈક અશરફ ડબાવાલા કહે છે:
ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં?
એક વેંત ઊતરો ત્યાં તો તળિયું આવે !
મળવા જેવા માણસની ખોજ કરી રહેલા સુરેશભાઈ કહે છે:
ક્યાં છે મળવા જેવા માણસ?
આંખોમાં, વાતોમાં જોઉં છૂરી, કરવત, કાનસ!
એક ફૂલની ફોરમ પાછળ લીલા લીલા સાપ;
શાંત સરોવર તળિયે જોયો સૂરજનો સંતાપ.
સહજીવન ને સહવાસની પોકળ બધી સિફારસ.
હસી કાઢીને નિભાવવાનું કરુણતાનું ફારસ
નિષ્ફળ માણસ અને સફળ માણસ જેવા તદ્દન વિરોધાભાસી વિષયો પર પણ સુરેશભાઈ કેટલી અદભુત હથોટીથી એકસરખો ન્યાય આપી શકે છે, એ બન્ને કાવ્યો વાંચવાથી સમજાશે:
હું એક નિષ્ફળ માણસ છું
આત્મહત્યા કરવામાં સફળ ન થયો તે ન થયો
નિષ્ફળ માણસની વાત સાંભળવામાં તમને રસ પડશે ખરો?
નિષ્ફળ માણસની વાતો
સફળ માણસો સાંભળતા નથી હોતા
સફળ માણસોને તો પોતાની ઘાસ જેવી વાતને
બહેલાવી બહેલાવીને બગીચો રચવાની
ડંફાસની આવડત હોય છે
આદત હોય છે.
નિષ્ફળ માણસની વાતને
બીજો નિષ્ફળ માણસ સાંભળતો નથી
કારણ કે એની વાતમાં એને માટે કશું નવું નથી.
હું દેવાદાર છું
પૈસે ટકે ખુવાર છું
આ સમાજમાં પૈસાદાર માણસો જ સફળ ગણાય છે
પત્ની પણ સમાજનો જ એક અંશ છે
સંતાનો પણ સમાજનો જ વંશ છે
તમે ઘરે કેટલા રૂપિયા લાવો છો એના પર જ
પિયા પિયા કે સાંવરિયાનાં સંબોધન હોય છે
આશ્લેષ ને આલિંગન હોય છે અને સંવનન હોય છે
પત્નીની લાગણી પણ ખરીદવી પડે છે
સંતાનોને પણ
બાપ શું લાવે છે કેટલું લાવે છે
એની બરાબર સમજ પડે છે
આ બધી વાત મને નડે છે, કનડે છે.
આમ તો મારા ઘરમાં
કલર ટી.વી. છે, ફ્રીજ છે
લાગણી નામે એક નિર્જીવ ચીજ છે
બારી પર પડદા છે
પણ એ પડદા મનની આબરૂને ઢાંકે એવા નથી.
નિષ્ફળતાનાં બોર કોઈ શબરી ચાખે એવાં નથી.
પૈસા સિવાય અહીં કોઈ કોઈને માપે એવા નથી.
પૈસો હોય તો આપણા શબ્દોને કોઈ ઉથાપે એવા નથી.
પત્નીનો ભાઈ વેલ્થટૅક્સ ભરે છે
પત્નીની બહેનપણીનો વર ડાયમંડ મર્ચન્ટ છે
પત્નીના મામા મિલિયોનેર છે
પત્નીના કાકા કરોડપતિ છે
આ બધાની સરખામણીમાં હું કાંઈ નથી
પત્ની આમ તો મને કશું કહેતી નથી
પણ આસપાસના બધા માણસો
કેટલા બધા સફળ થયા છે
એ કહ્યા વિના પણ
એનું મન છાનું રહેતું નથી
પૈસો ન હોય તો આ જીવવાનો કોઈ હેતુ નથી
બે માણસ વચ્ચે સમજણનો સેતુ નથી
થાય છે કે હું સ્મગલર થાઉં તો સારું
હું વલ્ગર થાઉં તો સારું
પૈસાને કારણે થોડો કલ્ચર થાઉં તો સારું
પણ ન સ્મગલર થયો
ન વલ્ગર થયો
ન કલ્ચર થયો
મારા જેવો એક આદમ, - દમ વિનાનો
કેવળ અલ્સર થયું.
સ્મગલર થયો હોત તો
વેલ્થનો વલ્ગર શો કરી શક્યો હોત
ઑનરશિપનો 30 લાખનો ફ્લૅટ
લઈ શક્યો હોત
પૃથ્વી ઉપર સ્વર્ગનો નશો કરી શક્યો હોત
કુટુંબને વૅકેશનમાં
જાપાન, જર્મની, હૉંગકૉંગ, સિંગાપોર, યુરોપ, અમેરિકા ફેરવી શક્યો હોત,
ડૉલર, રૂપિયા, રૂબલ્સ, પાઉન્ડ, લીરામાં ભેરવી શક્યો હોત
પાકેલા ફળની જેમ ઝાડ પરથી લાગણીને ખેરવી શક્યો હોત
પણ આપણામાં ત્રેવડ નથી
બાપના વાવેલા રૂપિયાના વડ નથી
માથું અને ધડ નથી
રૂપિયા આવશે એવા નસીબના સગડ નથી
જેટલી આપી શકાય એટલી સગવડ નથી
ડાયમંડના દગડ નથી
લંચ અવર્સમાં કોઈને શીશામાં ઉતારી શકાય એવી પકડ નથી
મારી પાસે નથી એટલા બધા છે કે થોડાક છે -નો પણ છેદ ઊડી જાય છે
ચહલપહલ આનંદના મેદ ઊડી જાય છે.
પૈસો હોય તો તમારો પરસેવો પરફ્યુમ લાગે
પૈસો ન હોય તો તમારો પસીનો પણ ગટરનું પાણી છે
આ વાતને મેં અનુભવથી પ્રમાણી છે
મારું નસીબ
એ કૂવામાં ઉતારેલી બાલદી છે
પણ બાલદીની કૂખ કાણી છે
નસીબ હોય તો કૂવો દરિયો લાગે
અને બાલદીની દોરી વરમાળા લાગે
નસીબ વિના
શયનખંડનાં એક એક ફૂલ કાળી જ્વાળા લાગે
મારી વાતને મારી ગરીબીની જેમ હું લંબાવી શકું એમ છું
પણ આ વાત કે ગરીબી લંબાવવા જેવી નથી
જિંદગી ટૂંકાવવા જેવી છે
હું જિંદગીને ટૂંકાવવા ગયો પણ એમાં નિષ્ફળ ગયો
આત્મહત્યામાં પણ હું સફળ ન થયો
કારણ કે હું નિષ્ફળ માણસ છું
હવે સફળ માણસનું કાવ્ય જોઈએ:
લોકો કહે છે હું એક સફળ માણસ છું.
સફળ માણસો ભોળા નથી હોતા.
એક દોસ્તે તો ત્યાં સુધી કહ્યું,
કે સફળ માણસો ભ્રષ્ટાચારથી મુક્ત નથી હોતા.
માણસ કદી વ્યાખ્યામાં બંધાતો નથી
માણસ કદી વિશેષણથી સંધાતો નથી.
સફળતા અને નિષ્ફળતા
જિંદગીની કિતાબમાં બહુબહુ તો
હાંસિયામાં લખવા જેવી વાત છે.
મને જિંદગીને ખાનામાં ગોઠવવી ગમતી નથી.
સફળ નિષ્ફળ ગરીબ શ્રીમંત
લોકપ્રિય સ્વભાવશત્રુ...
આ બધા ખાનાંઓ છે.
માણસને ઓળખતાં નથી હોતાં છતાંયે
માણસને ઓળખીએ છીએ એવા
દાવાઓ અને બહાનાંઓ છે.
સમાજની સફળતાની વ્યાખ્યાઓ
સગવડથી હરીભરી હોય છે.
સમાજ નામનું એક યંત્ર છે,
એ યંત્રમાં તમે સ્ક્રૂ થઈને ગોઠવાઈ જાઓ,
ક્યાંય કશો આક્રોશ કે વિરોધ કરો નહીં
તો સમાજ પોતાની સફળતા ખાતર
તમને સફળ માણસ તરીકે ઓળખાવશે.
હા, હું સફળ માણસ છું.
મુંબઈ જેવા શહેરમાં રહીને પણ
કવિતા સાથે નાતો રાખવો
એ એક સફળતા જ ગણાય.
મને સફળ કહેનારા માણસોને
હું કવિતાથી જીવું છું એમાં રસ નથી;
પણ કોઈ કવિ કફ પરેડ પર રહે એનું આશ્ચર્ય છે.
કફ પરેડ પર રહેનારો માણસ પણ
ભીતરથી યક્ષ હોઈ શકે:
રામગિરિના આશ્રમોમાં ભટકતો હોય એવો.
લોકોને બહારના પોશાકમાં જેટલો રસ હોય છે
એટલો ભીતરના એક્સ-રેમાં નથી હોતો;
અને ભીતરના એક્સ-રે આપણે જ જાળવવાના હોય છે.
જહાંગીર આર્ટ ગૅલેરીમાં એનું પ્રદર્શન ભરવાનું નથી હોતું.
લોકો તો બહારથી તમને માપે છે,
અંદરથી તમને શાપે છે,
તમારા પર ચોકીપહેરાની નજર રાખે છે.
તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ છો.
છાશવારે દિલ્હી, કલકત્તા, બેંગ્લોર
ઍર-બસમાં દોડો છો,
એ બધાંને આધારે એક સર્ટિફિકેટ ફડાય છે
કે તમે સફળ માણસ છો,
અને સફળ માણસો ભોળા નથી હોતા.
મને કોઈ ભોળો કહે એમાં સ્હેજ પણ રસ નથી.
હું તો પ્રામાણિકપણે માનું છું કે કવિઓ ભોળા નથી હોતાં.
કવિઓ ભોળા હોય એ તો એક રોમેન્ટિક કન્સેપ્ટ છે.
શું વ્યાસ ભોળા હતા? જેમણે મહાભારત રચ્યું,
એ વ્યાસને ભોળા કેમ કહેવાય?
કવિ તો દુનિયા અને દુનિયાદારી બંનેને જાણે.
શું વાલ્મીકિ ભોળા હતા?
એ તો રામ અને રાવણ બંનેને જાણે.
નથી હું વ્યાસ કે નથી હું વાલ્મીકિ
નથી હું ટાગોર કે નથી હું ઉમાશંકર
અને છતાંયે હું 'હું' છું
એનું જ મને ગૌરવ છે.
મેં પણ મારી રીતે દુનિયાને જાણી છે.
ક્યારેક મારા હૃદયમાં વૃંદાવન રચાયું છે
તો ક્યારેક મારા હૃદયમાં કુરુક્ષેત્ર.
ભલેને રામાયણ ન લખ્યું હોય,
પણ ક્રૌંચવધની વ્યથા અનુભવી છે.
જ્હૉન બેરીમેન કે સિલ્વીયા પ્લાથની જેમ
મેં આપઘાત ભલે ન કર્યો હોય
પણ હું પણ ઘણી વાર અનુભવું છું
કે Dying is an art.
મને પણ ઘણી વાર એમ થાય છે
કે મારે મારા મરણનો યશ
મરણને ન આપવો જોઈએ,
પણ મારે કર્તા થવું છે.
મને તો ઘણી વાર એવું લાગે છે
કે હું મરણ પાસેથી
ઉછીના દિવસો લઈને
જીવી રહ્યો છું.
મારી ઇચ્છા પ્રમાણે હું મરી શકું
તો તમે મને
સફળ માણસ કહેજો.
મારી ઇચ્છા પ્રમાણે
હું જીવી તો નથી શક્યો
પણ સમાજની ઇચ્છા પ્રમાણે જીવું છું.
અને આ રીતે જીવતા માણસને તમારે
સફળ કહેવો હોય તો
મને કશો વાંધો નથી.
અલગ અલગ વિષયોને ન્યાય આપતાં કાવ્યો ઉપરાંત સુરેશભાઈએ બ.ક.ઠાકોર, કાન્ત, રાવજી પટેલ, ઉમાશંકર જોશી, વેણીભાઈ પુરોહિત, વ્હિટમન, હરીન્દ્ર દવે અને રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય સર્જન પર ઓવારી જતાં અને એમને વધાવતાં કાવ્યો પણ લખ્યાં છે. આ લેખમાં સમાવી ન શકાયેલી અન્ય અસંખ્ય મર્મવેધી કવિતાઓ વિશે લખવાનો મોહ જતો કરીને અહીંથી અટકવું પડે છે. સુરેશભાઈને બીજી પુણ્યતિથિએ ભાવભીની અંજલિ !