હમણાં પીઢ અને જ્ઞાનવૃદ્ધ રાજકીય સમીક્ષક શ્રી નગીનદાસ સંઘવીએ ચિત્રલેખાના તાજા અંકમાં ચીંથરિયું અખબાર એવો સરસ શબ્દ પ્રયોજ્યો અને સૌરભ શાહના પુસ્તક 'કંઈક ખૂટે છે'ના એક લેખમાં આપણે વર્ષોથી ખોટી અર્થછાયા પકડીને વાપર્યા હોય એવા પ્રચલિત શબ્દોના વાસ્તવિક અર્થો વિશે જાણ્યું તો શબ્દો વિશે થોડી જ્ઞાનવૃદ્ધિ થઈ.
સંઘવી સાહેબે પ્રયોજેલા શબ્દ ચીંથરિયું અખબારનો સંદર્ભ કંઈક આમ હતો : મોદી-જયલલિતા વિશેની અભદ્ર ટિપ્પણી કોઈ ચીંથરિયા અખબારમાં લખાઈ હોય તો સમજ્યા, પરંતુ શ્રીલંકાના સંરક્ષણ ખાતાની વેબસાઈટ પર આવી ટિપ્પણી મૂકાય એ અક્ષમ્ય છે. ચીંથરિયું લખાણ એટલે ચાલુ, માલ વગરનું લખાણ. આ શબ્દ વાંચતાની સાથે જ એનો અંગ્રેજી સહોદર કહેવાય એવો શબ્દ કે જે મેં રૉબિન કૂકની "સીઝર" નામની એક મૅડિકલ થ્રિલરમાં વાંચેલો એ યાદ આવી ગયો: rag ! પત્રકારિતાના નિમ્નતમ ધોરણો ધરાવતું તિરસ્કૃત અખબાર એટલે રૅગ.
હવે સૌરભભાઈના લેખમાં વાંચેલા શબ્દો જેનું અત્યાર સુધી આપણે ખોટું અર્થઘટન એટલે કે અનર્થઘટન કર્યું છે.
ખખડધજ: શબ્દ સાંભળતાની સાથે જ ખખડી ગયેલું કે ખરાબ કન્ડિશનમાં હોય એવું ચિત્ર ઉપસે, પણ એનો પ્રથમ અર્થ (ખાસ કરીને વૃદ્ધ છતાં) મજબૂત બાંધાનું અને બીજો અર્થ છે: દમામદાર, ભવ્ય. તાજમહેલને ખખડધજ ઈમારત કહો તો બિલકુલ ચાલે.
અભિભૂત: આ શબ્દને આપણે ભાવવિભોરના અર્થમાં વાપરીએ છીએ. સાર્થ જોડણીકોશ પ્રમાણે એનો સાચો અર્થ છે: હારેલું, અપમાનિત. આ શબ્દ વિશે જય વસાવડાએ પણ એમના એક ગુજરાતી ભાષાના લેખમાં લખ્યું છે કે "ભલભલા ખેરખાંઓ એને 'ઇમ્પ્રેસ' થઇ જવાના અર્થમાં જ વાપરે છે. પણ એનો સાચો કોશમાન્ય અર્થ છે: ગભરાયેલ, તિરસ્કાર પામેલ, અપમાનિત ! ''અભિભૂ'' એટલે કે અપમાનના આ ભૂતકૃદંતનું રૂપ છે ! ભાગો, ભૂત આયા !"
પનોતી: આપણે આ શબ્દને ઘણી વખત જીવનમાં આવતા કપરા સંઘર્ષના કાળ તરીકે વાપરીએ છીએ અને જ્યોતિષ મુજબ ગ્રહોની અવદશા એવો અર્થ પણ છે. જો કે, જેનું એકપણ છોકરૂં મરી ગયું નથી તેવી સ્ત્રીને પનોતી કહે છે. પનોતું એટલે શુભ અને મંગળકારી. જેમ કે દેશનો પનોતો પુત્ર.
બિસમાર અને બિસ્માર: ભાંગ્યાતૂટ્યા જહાજોની સ્થિતિ માટે આ શબ્દ ઘણી વાર વાંચ્યો હશે. સ તોડીને મ સાથે જોડ્યા વિનાનો જે બિસમાર શબ્દ છે એનો અર્થ છે વિસ્મૃત, વિસારી મૂકેલું. પણ અર્ધઅક્ષર તરીકે 'સ'ની સાથે મ જોડીને 'બિસ્માર' લખીએ તો આ શબ્દનો એક અર્થ આવો થાય છે: પાયમાલ; ભાંગીતૂટી ગયેલું; હાલહવાલ થઈ ગયેલું.
સપત્ની: કોઈકને આમંત્રણ આપતી વખતે ઉત્સાહથી બોલાઈ જતું હોય છે કે, 'તમે અમારે ત્યાં સપત્ની આવજો.' સપત્ની એટલે શોક્ય અથવા પતિની બીજી પત્ની! પત્નીની સાથે આવજો એવું કહેવું હોય તો સાચો શબ્દ છે: સપત્નીક.
No comments:
Post a Comment