Thursday, September 25, 2014

સીમાડા : હરિશ્ચંદ્ર ભટ્ટનું એક ગીત

રવિવાર તા: 21 સપ્ટેમ્બર, 2014ના રોજ ગુજરાત સમાચારમાં જય વસાવડાની સ્પેક્ટ્રોમીટર કૉલમનો ઓપનિંગ પેરેગ્રાફ (ઊઘડતો ફકરો અથવા પ્રારંભિક પરિચ્છેદ) આ પ્રકારે હતો: "એમનું નામ હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા એ કવિને વાંચનનો અનહદ શોખ. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, પોલિશ અને જર્મન ભાષા પર પ્રભુત્વ. પૂર્વ-પશ્ચિમના ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને દર્શનનું આજીવન પઠન જ તેમના જીવનનો હેતુ. ગ્રીક દંતકથાઓથી લઇ ભારતીય દાર્શનિકો પર ઉત્તમ કાવ્યો લખી, વિદ્વાનોની કાયમી સંગત મેળવનાર જીવ અને ૧૮ મે, ૧૯૫૦ના રોજ આવા પ્રકાંડ અભ્યાસુએ ૪૪ વર્ષની જ ઉંમરે આત્મહત્યા કરી!"

ઉપરના ફકરામાં ભૂલ એ છે કે હરિશ્ચંદ્ર ભટ્ટને એમણે આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા ગણાવ્યા છે. આ સદી એકવીસમી સદી છે. એકવીસમી સદીના પ્રારંભકાળે એટલે કે 2001માં પેદા થયા હોય તો એમની ઉંમર અત્યારે માંડ 14 વર્ષ હોય. વાસ્તવમાં એ ગઈ સદીમાં એટલે કે 20મી સદીમાં પેદા થયા હતાં. જન્મ તારીખ: 6-12-1906 અને મૃત્યુ તારીખ: 18-5-1950. ખેર, જયભાઈએ હરિશ્ચંદ્ર ભટ્ટને યાદ કર્યા એ નિમિત્તે ચંદ્રકાન્ત શેઠ સંપાદિત અમર ગીતો પુસ્તકમાંથી આપણે એમની એક રચના માણીએ જેનું શીર્ષક 'સીમાડા' છે:

હૈયાના બારણાની ભોગળો ભેદવી,
ઉંબર સીમાડો ઓળંગવો જી.

અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
ચોક ને ચૌટામાં ભમવું જી.

વહેલે પરોઢિયે કૂકડો બોલાવે
ગામના સીમાડા એ છોડવા જી.

કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
ઊંડાં તે વનમાં ચાલવું જી.

વનના સીમાડા એ છોડવા છે મારે
રણની વાટડીએ દાઝવું જી.

રણની તે રેતીમાં ભૂલા પડીને
સાગરને સીમાડે પહોંચવું જી.

સાતે સાગરને ખૂંદી વળીને
ધ્રુવનું નિશાન મારે ધરવું જી.

ધરણી સીમાડા એ છોડવા છે મારે
ઊંચા ગગનમાં જાવું જી.

પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
એને આપું ભવોભવની પ્રીતડી જી.

Monday, September 22, 2014

જીવન-મૃત્યુની એક તુલનાત્મક કવિતા

મોદી સરકારની શપથવિધિને એક અઠવાડિયું માંડ વીતેલું ત્યાં કેન્દ્રિય પ્રધાન ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. એ વખતે આ કાવ્ય રચનાની પ્રથમ બે પંક્તિઓ લખી હતી. આજે રચનામાં વધુ શેર ઉમેર્યા છે:


પ્રમોદ મહાજન, દેશમુખ અને હમણાં ગયાં એ મુંડે

કાલે મારો'ય વારો આવશે, ડર છે મનમાં ઊંડે ઊંડે


જોઈ મેં કંઈક નવી કળીઓને ખીલતાં ક્યારે ક્યારે,

તો જોયાં મેં કેટલાંક પુષ્પોને પણ ખરતાં કૂંડે કૂંડે


મૃત્યુનો કોઈ મનાવે ઉત્સવ, કોઈને ઘેરી વળે ઉદાસી,

અભિગમ છે અલગ અલગ, ભિન્ન છે મતિ તુંડે તુંડે


વહાવી રહ્યા લોક મૃતકનાં અસ્થિ ગંગા કેરા જળમાં,

ને છાંટી રહ્યા ઐરાવત જીવનજળ સાત-સાત સૂંડે સૂંડે


વિચરી રહ્યા અહીં યમના દૂત ઝડપી લેવા  જીવને,

ફરતાં હોય છે અહીંતહીં જેમ હર ગલી ગલી કે ગુંડે 

પ્રકાંડ પંડિત: વનસ્પતિના પ્રકાંડના નિષ્ણાત અભ્યાસુ વૈજ્ઞાનિક

આત્મનીંભર: આત્મનિર્ભર શબ્દનો અપભ્રંશ છે.

ઓરીજીનલ અને મૅકમિલન (Original & McMillan): અમારી સોસાયટીમાં મિલન અને જીનલ નામનાં ભાઈ-બહેન રહે છે. બંનેના નામો પરથી એક વખત વિચાર આવ્યો કે જીનલને ઓરી થાય તો એ ઓરીજીનલ કહેવાય અને મિલન પાસે મૅક-બુક હોય તો એ મૅકમિલન કહેવાય !

ગુડગુડ બૉય: સારા છોકરાને ગુડ બૉય કહીએ તો હુક્કો ગુડગુડાવાના શોખીન છોકરાને ગુડગુડ બૉય કહી શકાય?

તજજ્ઞ: ખોરાકમાં તજનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે જ્ઞાન હોય એવી વ્યક્તિ.

તેલંગાના: આમ તો આંધ્રમાંથી છૂટું પડીને બનેલું નવું રાજ્ય છે, પણ સંધિવિગ્રહ કરીએ તો "તેલ અંગ લગાના" મતલબ કે અંગે તેલ ચોળવું એવો અર્થ કરી શકાય.

ધુઆંધાર: જેના વગર આપણો આધાર છીનવાઈ જાય એવી વ્યક્તિ. 

પતંજલિ: પતી ગયેલાંને અંજલિ આપવી એને પતંજલિ કહે છે.

પ્રકાંડ પંડિત: વનસ્પતિના પ્રકાંડના નિષ્ણાત અભ્યાસુ વૈજ્ઞાનિક.

પારંગત: એવી વ્યક્તિ જે પોતાના ક્ષેત્રમાં ખરેખર નિષ્ણાત હોવાથી એ ક્ષેત્રની જે વાતો કરે એમાં રંગત હોય.

મર્મ-અજ્ઞ: ઊંડો અર્થ કે મર્મ જાણનાર વિદ્વાન માણસને મર્મજ્ઞ કહેવાય તો એ સમજી ન શકે તેવી વ્યક્તિને મર્મ-અજ્ઞ કહી શકાય.

રાષ્ટ્રક્ષતિ શાસન: કોઈ રાજ્યમાં સરકાર ન બને કે શાસન ન ચાલી શકે એવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, પણ દેશની છબી કે આબરૂને નુકસાન પહોંચાડે એવા શાસનને રાષ્ટ્રક્ષતિ શાસન કહી શકાય.

રોમાંચ: રોમે રોમે આંચ આવે એવી આનંદની અનુભૂતિ.

રોલ મોડલ: ફિલ્મમાં રોલ મેળવવા માટે તડપતી મોડલ.

શ્યામક દાવર: બોલીવૂડમાં ડાન્સિંગના ક્ષેત્રે કદાવર નામ છે, પણ શ્યામકનો 'ક' ખસેડીને દાવરની આગળ મૂકીએ તો ભગવાન શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ એટલે કે શ્યામ કદાવર વંચાય.

સ્કૂપમંડૂક: કૂવામાંના દેડકાની જેમ સંકુચિત દ્રષ્ટિવાળાને કૂપમંડૂક કહેવાય તો સનસનીખેજ મસાલેદાર વાતો લખવા-છાપવા કે વાંચવાનાં શોખીનને સ્કૂપમંડૂક કહી શકાય.

હુક્કો: 'હુકમનો એક્કો'નું ટૂંકાક્ષરી સ્વરૂપ.

Sunday, September 21, 2014

ગુજરાત સમાચારમાં છપાયેલો મારો ભાષાંતરનો એક અહેવાલ

19 સપ્ટેમ્બર, 2014ના ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં મેં અગાઉ કોઈ પીઆર એજંસી માટે કરેલાં એક પ્રેસ રિલીઝનું ભાષાંતર છપાયું હતું. બિનસાહિત્યિક ભાષાંતરના કામોમાં અનુવાદકનું નામ ક્યારેય સામે આવતું નથી. મેં ભાષાંતર કર્યું હોય અને મારી નજરમાં ન આવ્યું હોય એવા આ પ્રકારનાં અમુક લખાણો બીજે પણ કદાચ છપાયા હશે. જો કે, પ્રેસ રિલીઝનાં ભાષાંતરના કામોમાં પેમેન્ટની સમયસર ચૂકવણીમાં અનિશ્ચિતતાની સતત લટકતી તલવારથી કંટાળીને હવે આ પ્રકારનું કામ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ખેર, નીચે ગુજરાતી ભાષાંતરની ક્લિપિંગ મૂકી છે અને એ પછી ઓરીજીનલ અંગ્રેજી ટેક્ષ્ટ છે. 

A press release translated by me, published in Gujarat Samachar Film Supplement dated 19/04/2014. Below is the Gujarati translation snapshot followed by original English text. 


Aneri – Nisha’s Interview

·         Do you always wanted to be an actress? Tell us something about your background
I am born and brought in Mumbai, a very typical Gujarati girl who loves to travel and who is a complete foodie. As far as acting is concerned, it was a wild dream to me that got fulfilled purely by chance. I always fantasized about posing for shutterbugs but I never really gave it a push. Then one fine day, a casting director came across my pictures on a social media site (Facebook) and invited me for a screen test, and before I could realize what was happening, I got the role. Since then, life has been a fairy tale for me as I live my dream every day. I'm in love with the fact that I'm busy all day with shoots. In fact, when I'm home on a free day, I feel the pangs to get back to work.

·         How do you think 'Nisha Aur Uske Cousins' is going to be different?
Nisha Aur Uske Cousins promises to be youth centric, to not be melodramatic, and to be lighthearted and realistic. It’s the first joint family show – which will focus completely on the youngsters, their equation, their troubles and pranks. Cousins are your blood relations but at the same time they are the friends you keep forever, the ones you share your childhood memories and growing up angst with. It is this very relationship that will be highlighted in the show.
·         How do you relate to the character? Any training / preparation you underwent?
This role is like a dream because in real life I am just like her. All my friends call me a tom boy. I am always there whenever they need me just like Nisha. Having said that, at the same time, as I play a character of a tom boy; I had to work on my body language, my voice modulation and dialogue delivery. The hardest decision was to cut my long hair just for this role. I had to do get into the skin of the character.

·         Whom you close to more on the sets?
I am more close to Heli & Meherzan, my on –screen cousins. I connect with them the best. They treat me like a baby and they are always there whenever I have a bad day. Meherzan makes up a mood by talking the most random thing and Heli pumps me up by getting me pasta.
·         What is your equation with your cousins in real life?
I am very close to my cousins in real life too. They hold a special place in my life. They are my first friends, first play buddies, rivals and partners in crime. We make it a point that on all the festivals we come together and celebrate it like a big fat Gujarati family.
·         Tell us about your most memorable experience while shooting for the show.
I would like to highlight an incident while we were shooting in Jaipur. The temperature was about 50 degree and I had to give an action shot; I didn’t even realize that my I am getting exhausted. I fainted I was rushed to the hotel and given medication. When I came into senses I didn’t even remember anything. That was one kind of experience which I will never forget.
·         How do you think people will accept or relate to your role & show?
I feel Nisha’s role is somewhere very similar to Anjali from Kuch Kuch Hota Hai. I think people would love it as it is very real. In many ways Nisha and her cousins represent the Star Plus of today - young, energetic, wanting to break the mold and do something new. They respect Dadaji and their elders but don't always agree with their stereotypical views. The show not only captures the unexplored but extremely interesting dynamic between cousins, but also deals with issues of today's youth and their desire to challenge stereotypes.
·         Are there any cat fights on sets?
No, not at all. We actually have become one big family. In fact Heli is my best buddy on the set.
·         How is it to work with all the fresh star cast
I think that’s the best part of our show as brings out a very fresh energy .We all are hungry to learn and very hard working.
·         Other than acting what are your hobbies?
The young actor is also a dancer, having received formal training in Bharatnatyam and also by Shiamak Davar. "Dancing is my passion. If given a chance, I would love to participate in a dance reality show."

Wednesday, September 17, 2014

બાપુ, તમે પાછા આવશો?

બાપુ, તમે બહુ યાદ આવો છો...ના, હું તમારા વિશે 500થી 1000 કે 1500 કે 2000 શબ્દોમાં દર વર્ષે 30મી જાન્યુઆરી અને 2જી ઑક્ટૉબરે નિયમિતપણે કટાર લેખો ઘસી કાઢતો લેખક નથી. તમારી જેમ જ અંદરુની નબળાઈઓને જીતીને વ્યક્તિત્વને મઠારવા મથતા એક સામાન્ય માણસ તરીકે વાત કરી રહ્યો છું.

એક વખત પ્રાથમિક શાળામાં કોઈ બહેન મારી હોમવર્કની નોટબુક જોઈને દાઢમાં બોલેલાં કે તારા અક્ષર ગાંધીજી જેવા છે. એ વખતે ગાંધીજીના અક્ષર એટલે ખરાબ અક્ષર એવી ખબર ન હતી, એટલે તમારી સાથેની સરખામણીથી મને નિર્દોષ રોમાંચ થયેલો. પણ હકીકત ખબર પડ્યા પછી પણ સરખામણીનો રોમાંચ એવો જ અકબંધ રહેલો. ખરાબ માણસની સારાઈ જોડે સરખામણી થાય એના કરતાં સારા માણસની ખરાબી જોડે તુલના થાય એમાં વધારે આનંદ આવે.

જે ગુજરાતની ધરતી પર તમારો જન્મ થયો એ જ ગુજરાતમાંથી તમને મહત્તમ ગાળો આપવાની પ્રથા આજે પણ ચાલુ છે. તમારા જીવનનાં આદર્શો, સિદ્ધાંતો, નીતિનિયમો વગેરેમાં સ્વાભાવિક રીતે ઘણાને રસ ન પડતો હોઈ તમારા અંગત જીવન પર પાયા વગરના આક્ષેપો કરતા "સ્કૂપ"ના શોખીન "સ્કૂપમંડૂક" લેખકો તરફથી મસાલેદાર પુસ્તકો આવતાં રહે છે, હીન કક્ષાનાં નાટકો ભજવાતાં રહે છે. એમાં કહેવાતી સત્ય હકીકતો પર પ્રકાશ પાડવાના નામે એ લેખકો એમના દિમાગની અંધારી બાજુ જ પ્રગટ કરતા હોય છે. 

માંસાહાર કરતા ન હોય પણ નૉન-વેજ જોક્સના શોખીન હોય એવા શાકાહારીઓ તમારા નામની બીભત્સ રમૂજો ફૉરવર્ડ કરતાં રહે છે અને તમે કરેલી ઐતિહાસિક ભૂલોથી ભારતને કેટલું નુકસાન થયું છે એની એકની એક એકાંગી વાતો રિવાઈન્ડ કર્યા કરે છે. નેહરુ-સરદાર બેમાંથી એકની પસંદગી બાબતે તમે લીધેલા નિર્ણય અને બીજી કેટલીક ઐતિહાસિક ઘટનાઓને લઈને કકળાટ કરનારા હજી મળી આવે છે. 

માન્યું કે તમારા બ્રહ્મચર્ય વિશેના વિચારો અવ્યવહારુ અને અસ્વીકાર્ય હતા, પણ સાથે સાથે બાળકો અને બાળાઓને કામશાસ્ત્રનું શિક્ષણ આપવું જોઈએ એવું પણ તમે લખેલું જ ને? ભૂલો બધાથી થાય પણ તમારા વ્યક્તિત્વની મહાનતા જોતાં તમારી ભૂલો આખા શરીરને કેન્સરગ્રસ્ત બનાવી દે એવા મેલિગ્નન્ટ ટ્યુમર જેવી રોગકારક નહીં પણ શરીરના કોઈ ભાગમાં થયેલા બિનાઈન (benign) ટ્યુમર જેવી સૌમ્ય અને ક્ષમ્ય લાગે છે. 

તમે જે સર્વોદયની વાત કરતાં હતાં એ સર્વોદયના નામે મારા આણંદ-વિદ્યાનગર શહેરમાં આઈસક્રીમ દુકાન ધમધોકાર ચાલે છે. કોને ખબર, ભવિષ્યમાં અંત્યોદય આઈસક્રીમ પાર્લર પણ ખૂલે. અમે તો હવે એટલા નીંભર થઈ ગયા છીએ કે તમે નેચરોપથી અને સ્વાસ્થ્ય વિશે લખેલા વિચારોના કાગળિયામાં જંક ફૂડ લપેટીને બિંદાસ ખાઈ શકીએ.



દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ તમને ફર્સ્ટ ક્લાસના ડબ્બાની બહાર ફેંકી દીધા હતાં એમ તમારા આદર્શોને કચરાના ડબ્બામાં ફેંકીને અમારા દિમાગને થર્ડ ક્લાસ બનાવવાની અમારી "ગાંડી કૂચ" અમે જારી રાખી છે. મીઠા પરના અન્યાયી કરવેરાને નાબૂદ કરવા માટે તમે દાંડીકૂચ કરી પણ તમારા આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરવા જેટલું મીઠું હવે અમારા વ્યક્તિત્વમાં બાકી રહ્યું નથી. અમારી સમગ્ર જીવનશૈલીને જ લૂણો લાગ્યો છે.

તમારો ચહેરો જેમાં છપાય છે એવી રૂપિયાની નોટોથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, દાનપુણ્ય, ગરીબોને સહાય જેવી પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સુધી ઠીક છે પણ આ જ નોટોથી લાંચ રિશ્વતનું આદાન-પ્રદાન થાય છે અને આ જ નોટોથી મોડલ બનીને રોલ મેળવવા તડપતી આજની રોલ-મોડલના દેહને ભોગવવા માટેની પેરવી થાય છે. જોયું તમે? તમારી વિદાયની સાથે ક્રમશ: અમારી રોલ-મોડલની વ્યાખ્યામાં પણ કેવું વિકૃત પરિવર્તન આવી ગયું છે?

ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનની છાશવારે બૂમરાણ મચતી રહે છે, પણ એ રૂપિયાની નોટ પર જેની તસ્વીર છે એ મહાત્માના આદર્શોના અમે કરેલા અવમૂલ્યન વિશે કોઈના પેટનું પાણી હાલતું નથી. તમારું સરળ, નિખાલસ, પારદર્શક વ્યક્તિત્વ અને રૂપિયાની નોટ પર તમારા અસ્તિત્વ વચ્ચેની વિસંગતિ જોઈને અમારા રુદિયામાં કાંટા ભોંકાય છે. 

ઈચ્છાશક્તિ ધરાવતો કોઈ લોખંડી મનોબળનો શાસક ભારતની ધુરા સંભાળે તેનાથી અમુક અંશે ફરક પડી શકે, પણ સામાજિક સ્તર પર જાગૃતિ લાવવામાં અને લોકોને જવાબદાર નાગરિક બનાવવા માટે એ શાસક એકલા હાથે કેટલા મોરચે લડી શકે? કોઈપણ પ્રકારના રાજકીય પીઠબળ, વિચારધારાથી અલિપ્ત, કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠનથી સ્વતંત્ર અને માત્ર નિ:સ્વાર્થ સેવાભાવનાથી સામાજીક કલ્યાણના કાર્યો કરે, લોકોને નૈતિક મૂલ્યોના અધ:પતન સામે લડવા માટે દોરીસંચાર આપી શકે એવી કોઈ સશક્ત કરિશ્માઈ સખ્શિયત તો જોઈશે ને?

'મારું જીવન એ જ મારો સંદેશ' એવું કહીને પછી અંદરખાનેથી સ્થાપિત હિતો સાથે મળીને લાભ-લોભનાં રસગુલ્લાં ખાતાં દોગલા માણસો અમે બહુ જોયા છે. તમારી હયાતીમાં તમારી સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં હોંશેહોશે ભાગ લઈને અને તમારી વિદાય પછી સત્તાલાલસાથી ભૂરાયા બનેલા એ જ લોકો સામે તમારાથી પ્રભાવિત જયપ્રકાશ નારાયણે ચળવળ કરી અને પછી વર્ષો બાદ અણ્ણા હજારે-અરવિંદ કેજરીવાલે અવાજ ઉઠાવ્યો. પણ આ બધા લોકસેવકો ભ્રષ્ટાચારના કાળાડિબાંગ જંગલમાં ક્ષણિક ઝબકી જતાં આગિયાની જેમ ક્ષણિક જુવાળને કાયમી જનચેતનામાં તબદીલ ન કરી શક્યા. જે ધ્યેયહીનતા અને દિશાહીનતા વર્ષો પહેલાં હતી, એ જ આજે પણ છે. જે અસ્પૃશ્યતા અને દીનતા ગઈ કાલે હતી એ આજે પણ છે. હતાશા, નિરાશાનાં કાળાડિબાંગ વાદળોને વિખેરીને આશાના કિરણોનો સંચાર કરતાં સોનેરી સૂર્ય બનીને તમે ફરીથી આવશો, બાપુ?

Sunday, September 14, 2014

દાઉદાહરણ: ભવિષ્યમાં દાઉદ ઈબ્રાહિમના અપહરણ માટેનો શબ્દ

અંગત પળો: જેમાં સૌથી વધુ દખલ થવાની શક્યતા હોય એને અંગત પળો કહે છે.

આગળપડતું: આગળ જઈને ગબડી પડતું હોય એવું.

ઍકડેમિક્સ: એવા બોચિયા વિદ્વાનોનું ક્ષેત્ર જેમાં એકેય દિ મિક્સ થવાનું મન ન થાય !

એક્સ-પોઝ: પ્રચલિત અર્થ તો અંગપ્રદર્શન કરવું કે ઉઘાડું કરવું એવો છે, પણ ભૂતકાળમાં કોઈ સરસ પોઝ આપ્યો હોય એવા ફોટાને એક્સ-પોઝ કહી શકાય.

કાળજું: કાળજીનું નાન્યતર સ્વરૂપ.

ચૂંક: અમુક બાબતો ચૂકી જવાથી પેટમાં થતી વેદના.

જ્યોતિષ: પ્રતિભા હોય પણ સફળતા ન મળતી હોવાથી સંશયાત્મા બની ગયેલા લોકોને સધિયારો આપતું અને પ્રતિભા વિના અનાયાસ સફળ થઈ ગયેલા લોકોને સફળતા ટકાવી રાખવાના ઉપાયો બતાવતું શાસ્ત્ર.

ઢગું: 'ગૂઢ' બાબતોમાં સમજણ ન પડતી હોય એવી વ્યક્તિ.

દાઉદાહરણ: ભવિષ્યમાં દાઉદ ઈબ્રાહિમના અપહરણ માટે આ શબ્દ પ્રયોજી શકાય.

નંગપ્રદર્શન: જાતજાતના નંગો પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે એને નંગપ્રદર્શન કહે છે.

પડદાં: ઘરમાં શું ગોલમાલ ચાલી રહી છે એ બહારના લોકો ન જોઈ શકે માટે બારીઓ પર કરવામાં આવતી એક વ્યવસ્થા.

પરિવર્તન: કુદરતનું પરી જેવું વર્તન! કુદરત પરીની જેમ એક જાદુઈ છડી ફેરવી દે છે અને દુનિયા બદલાઈ જાય છે.

પુરુષત્વ: પુરુષના વ્યક્તિત્વમાં પૂરેપૂરું સત્ત્વ હોય એવી સ્થિતિ.

પ્રસ્તાવ: ભવિષ્યમાં લગ્ન થશે અને ગર્ભ રહેશે ત્યારે પ્રસવ વખતે કેવી પીડા ભોગવવી પડશે એ વિચારથી કોઈ યુવતીને તાવ આવી જાય એને પ્રસ્તાવ કહે છે.

બંડકોષ: સ્થાપિત હિતો સામે બંડ પોકારતી બળવાખોર સ્ત્રીઓના શરીરમાં બંડકોષ વધારે હોય છે.

બુનિયાદ: બૂ એટલે કે ખરાબ ગંધની યાદ આવવી.

બેકારી: તમારામાં ક્ષમતા છે એવો વિશ્વાસ બધાં આપતા હોય પણ નોકરી આપવાની મમતા કોઈ દેખાડતું ન હોય એવી સ્થિતિ.

મહાનુભાવ: મહાન હસ્તીનો થયેલો મહાન અનુભવ?

મીમાંસાહારી: માંસ ખાતી વ્યક્તિ માંસાહારી કહેવાય. પોતાની આસપાસ બનતી ઘટનાઓની મીમાંસા કરવાના શોખીનને મીમાંસાહારી કહી શકાય.

યમી (Yummy): ખાવા-પીવાની એવી વસ્તુ જેને જોઈને સંયમી પણ ચળી જાય.

યાદગીરી: મન જ્યારે અમુક બાબતો યાદ રાખવાની દાદાગીરી કરે તેને યાદગીરી કહે છે.

વેમ્પાયર: ક્રિકેટમાં ખોટો નિર્ણય આપીને ચાહકોનો રોષ વહોરી લેતો અમ્પાયર.

સીટી સ્કૅન: ઍક્ઝેક્ટલી કયા રોમિયોએ સીટી મારી છે એ સ્કેન કરવાનું મશીન.

સેલ્ફીકાર: સાહિત્ય સર્જન કરનારને સાહિત્યકાર કહેવાય તો સેલ્ફી લેવાના શોખીનને સેલ્ફીકાર કહી શકાય.

શેરડો: શેરડીનું પુંલ્લિંગ સ્વરૂપ. 

સૌરભ શાહના ત્રણ નિબંધસંગ્રહો : કંઈક ખૂટે છે/પ્રિય જિંદગી/મનની બાયપાસ સર્જરી

હા, મને ખબર છે કે આ ભાઈ એક જમાનામાં જબરદસ્ત એન્ટી-બક્ષી ક્રુસેડ ચલાવતાં હતાં, પણ આ એકાદ માઈનસ પૉઈન્ટને અવગણતાં સૌરભ શાહની કલમમાં દમ છે અને હમણાં એ ફેસબુક પર પુન:સક્રિય થયા છે ત્યારે રોજ મૂકાતાં એમના વખાણવાલાયક લખાણો વાંચીને એમના ત્રણ નિબંધસંગ્રહો "કંઈક ખૂટે છે", "પ્રિય જિંદગી" અને "મનની બાયપાસ સર્જરી" વાંચવા માટે પ્રેરાયો અને સારું, ગુણવત્તાસભર વાંચ્યાનો આનંદ થયો. વિષયોનું વૈવિધ્ય સારું છે. કલમમાં ખેંચાણ છે. રોજનો એક નિબંધ વાંચવો એવું નક્કી કરેલું એને બદલે એક અઠવાડિયામાં ત્રણેય નિબંધ સંગ્રહો વંચાઈ ગયાં. દરેક પુસ્તકની શરૂઆત ગુજરાતના અગ્રણી લેખકો, કલાકારો દ્વારા સૌરભ શાહના લખાણના વખાણની પ્રતિક્રિયાઓથી થાય છે. 

કુલ સિત્તેર લેખો ધરાવતાં ત્રણ પુસ્તકોમાંથી થોડું આચમન કરીએ:



'કંઈક ખૂટે છે' પુસ્તકમાં પુસ્તકોના અર્પણની દુનિયામાં ખ્યાતનામ ગુજરાતી અને અન્ય લેખકોએ પોતપોતાના પુસ્તકો કોને અર્પણ કર્યા છે એની રસપ્રદ વિગતો છે. આ લેખનો એક નાનકડો નમૂનો અહીં વાંચી શકાશે:


અર્પણના બધાં ઉદાહરણોમાં મને રાધેશ્યામ શર્માએ 'ફેરો' નવલકથામાં લખેલી અર્પણપંક્તિ સૌથી વધારે ગમી. શર્માજીએ લખ્યું છે: "જેમનાથી પ્રભાવિત થયા વિના જેમને રંગે રંગાયો એ સુરેશ જોષીને અને જેમના રંગે રંગાયા વિના જેમનાથી પ્રભાવિત થયો તે નિરંજન ભગતને.

પ્રવાસ વર્ણનો વિશેના અદભુત માહિતીપ્રચૂર લેખમાં લગભગ બધાં જ પ્રમુખ પ્રવાસલેખકોના પુસ્તકો વિશે વાત કરી છે. જેમનું નામ પહેલી વાર આ લેખથી જાણ્યું એવા શિક્ષણકાર જયેન્દ્ર ત્રિવેદી વિશે લેખક લખે છે: 'નિસર્ગલીલા અનંત' એમનો સંસ્મરણાત્મક નિબંધસંગ્રહ છે જેમાં પ્રગટ થતી એમની નિરીક્ષણવૃત્તિ તથા ભારવિહીન લેખનશૈલી વાચકને તરત જકડી લે છે. 'યાત્રા: અંદરની અને બહારની' એમનો ટ્રાવેલોગ છે અને ભોળાભાઈ પટેલે ઉદાર કલમે આ પુસ્તકની દીર્ઘ પ્રસ્તાવના લખી છે. જયેન્દ્ર ત્રિવેદીની યાત્રાકથામાં બહારની યાત્રાને બદલે લેખકની અંદરની યાત્રા ટપકી પડે છે ત્યારે એ વાચકને ખલેલ પહોંચાડે છે. પ્રવાસવર્ણનોમાં વારંવાર પ્રવેશી જતો લેખકનો નોસ્ટેલ્જિયા, પોતાના ભૂતકાળ સાથેની રતિ, પ્રવાસવર્ણને પર્સનલ બનાવવાને બદલે રસક્ષતિ ઊભી કરે છે. 'યાત્રા:અંદરની અને બહારની' પુસ્તકનું પુનર્લેખન તથા પુન:સંપાદન કરીને એમાંથી બે અલગ અલગ પુસ્તકો બનાવવામાં આવે તો પિત્ઝાનો ઑર્ડર આપનાર વાચકને પિત્ઝા અને મસાલા ડોસાનો ઑર્ડર આપનારને મસાલા ડોસા મળી જ રહે. સંભાર સાથે પિત્ઝા ખાવામાં કે ટૉમેટો કેચઅપ સાથે મસાલા ડોસા ખાવામાં બહુ ઓછાને મઝા પડે.

જયેન્દ્ર ત્રિવેદીના ઉપરોક્ત બંને પુસ્તકો ઉપરાંત વિદુરવાણી ઑનલાઈન મંગાવવા હોય તો નીચેની લિંક પર મળી શકશે: (નિસર્ગલીલા અનંતના વખાણ વાંચીને મેં મંગાવ્યું છે.)

http://www.amazon.in/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=jayendra+trivedi

ચંદ્રકાંત બક્ષીના પ્રવાસ વર્ણનો વિશે લેખકશ્રીના વિચારો આ લિંક પરથી જાણી શકાશે:

http://bakshinama.blogspot.in/2014/08/blog-post_37.html

ઈનામોના સ્વીકાર-અસ્વીકાર વિશેનાં લેખમાં બક્ષીબાબુ વિશે તેઓ લખે છે કે ચંદ્રકાન્ત બક્ષીએ એક જમાનામાં એમની 'પેરેલિસિસ' નામની નવલકથાને મળેલું ત્રીજું અડધું ઈનામ નહોતું લીધું. આ મુદ્દા પર તેઓ આખી જિંદગી નામના મેળવતા રહ્યા.  જો કે આ વિધાન સાથે સંમત થઈ શકાતું નથી કારણ કે 'મહાજાતિ ગુજરાતી' લેખમાળાને 1985માં પ્રથમ ઈનામ આપવામાં આવ્યું ત્યારે એનો સૌજન્યપૂર્ણ સૈદ્ધાંતિક અસ્વીકાર કરીને બક્ષીબાબુએ આ નિવેદન પ્રકટ કર્યું હતું: "હું ચોક્કસ માનું છું કે ઈનામ એવા લેખકને આપવું જોઈએ કે જે જવાન હોય, જેની એકાદ કે બેચાર કૃતિઓ પ્રગટ થઈ ગઈ હોય, જેને જીવનના આ તબક્કે મૂલ્યાંકન, આદર, પુરસ્કાર અને બે હજાર રૂપિયા કામ આવી શકે પણ મારી કક્ષાએ પહોંચ્યા પછી (1985માં મારી ઉંમર 53 વર્ષ, લખેલાં પુસ્તકોની સંખ્યા: 54) એને પહેલાં નંબરના સરકારી સર્ટિફિકેટની બિલકુલ જરૂર હોતી નથી. પચીસ, ત્રીસ વર્ષ પહેલાં આ બધાનું કદાચ થોડું પણ મહત્ત્વ મારે માટે હોત, આજે નથી...મારા તરફથી એક જ પ્રાર્થના કરવાની છે કે ભવિષ્યમાં મને ગુજરાતી સાહિત્ય અકાદમીના કોઈ નંબરી ઈનામ માટેની સ્પર્ધામાં ગણશો નહીં. મને દોષભાવના થઈ રહી છે કે મેં કોઈ યુવા દલિત કવિ કે ઊગતી લેખિકા કે સમર્થ થઈ શકે એવા કોઈ કલાકારના હક પર તરાપ મારીને એને વંચિત રાખ્યો છે...મારે પહેલા નંબરના ઈનામની જરૂર નથી, ખરેખર.'

ડિક્શનરી વિશેના લેખમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ શબ્દકોષોની દુનિયા વિશે સરસ માહિતી આપી છે. અમુક શબ્દોના અર્થ આપણા મનમાં કેટલાં ખોટી રીતે રૂઢ થઈ ગયા હોય છે એની ઝલક તમને નીચેની લિંક પરથી મળી શકશે:

http://mehtanehal.blogspot.in/2014/08/blog-post_12.html

મુહમ્મદ મુસ્તફા ખાં 'મદ્દાહ' સંકલિત 'ઉર્દૂ-હિન્દી શબ્દકોશ'માંથી માહિતી મળે છે કે ઇતિહાસ કે ગઈ કાલની વાત તરીકે આપણે જે શબ્દ જાણીએ છીએ તે તવારીખ નામનો અરબી શબ્દ વાસ્તવમાં તારીખનું બહુવચન છે. ખૂબ બધી તારીખો એટલે ઇતિહાસ!

વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે એવા એક લેખમાં સરસ વાત કરી છે: વાચક ક્યારેય મરી પરવારતો નથી. હા, લેખક મરી પરવારે એ શક્ય છે. લેખક જ્યારે જિંદગીમાં રસ લેવાનું ઓછું કરી નાખે છે ત્યારે આપોઆપ એનાં ઈનપુટ્સ ઘટી જાય છે. છેવટે આની અસર એના આઉટપુટ પર પડે છે. આઉટપુટની ક્વૉલિટી-ક્વૉન્ટિટી બેઉ કંગાળ થતી જાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એવો સીધો હિસાબ છે પણ કૂવામાં ક્યારે હોય? જ્યારે એમાં ઊંડાણ હોય, એમાંનો કચરો સતત સાફ થતો હોય અને સૌથી મહત્ત્વની વાત એ કે એના તળને બીજાં અનેક પાતાળ ઝરણાંનો લાભ મળતો હોય. આ તમામ શરતોનું પાલન ન કરી શકતો કૂવો ખાલી થઈને સુકાઈ ગયા પછી ફરિયાદ કરે કે હવે પાણી પીવા કેમ કોઈ આવતું નથી, એ જ રીતે ઊંચા ઊંચા સાહિત્યકારોએ ચર્ચા ઉપાડી છે: વાચકો ક્યાં ગયા બધા? 

લોકપ્રિયતાનો અંત એ જ સાહિત્યિકતાનો આરંભ છે? એ લેખના અંશો: જે લખાણમાં અમુક તત્ત્વો હોય એ જ શિષ્ટ સાહિત્ય એવા ભાગલા પાડતી અનેક થિયરીઓ પશ્ચિમી પંડિતોએ ઘડી કાઢી. ફ્રૅન્ચ, જર્મન અને સ્પેનિશમાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થતી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવતી આવી થિયરીઓ કે આવા સાહિત્યિક સિદ્ધાંતોને માપદંડ બનાવીને આપણા દેશી વિવેચકો નક્કી કરવા લાગ્યા કે કઈ કૃતિ લોકપ્રિય છે, કઈ શિષ્ટ છે. દેશી વિવેચકો પાસે મૌલિક વિચારણાનો છાંટોય નથી હોતો. વિદેશી વાતોને ચાટી ચાટીને તેઓ પોતાના અધકચરા જ્ઞાનને વધુ ગૂંચવણભર્યું બનાવે છે અને એની ક્લિષ્ટ રજૂઆત દ્વારા પોતાના થોડાક ડઝન વાચકો-શ્રોતાઓને વધુ ગૂંચવી મારે છે. સાહિત્યના સિદ્ધાંતો શીતળાની રસી જેવા નથી હોતા કે જે અમેરિકામાં કારગત નીવડે તે જ આફ્રિકામાં પણ સફળ નીવડી શકે. સાહિત્ય સામાજિક સંદર્ભોને લઈને સર્જાતું હોય છે. દરેક દેશ-કાળને એનો પોતાનો ઇતિહાસ, એની પોતાની સંસ્કૃતિ હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્જાયેલા યુરોપિયન સાહિત્યને વાંચ્યા પછી વિવેચકોએ જે થિયરી ઊભી કરી એના આધારે તમે સ્વાતંત્ર્યની લડત દરમિયાન સર્જાયેલા ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો? એમના સાહિત્યિક સિદ્ધાંતો એમના સાહિત્ય પૂરતા સીમિત હોય. 

ગુજરાતી બાળસાહિત્ય વિશેના એક લેખમાં લેખક સરસ કટાક્ષ કરે છે: 'અદેખો ચકલો'માં મૉર્નિંગ ઍલાર્મની ફરજ બજાવતા કૂકડાની ઈર્ષ્યા કરતો ચકલો એક દિવસ પોતે કૂકડાની જવાબદારી ઉપાડે છે ત્યારે એના ગળામાંથી માંડ ઝીણું ઝીણું ચીં...ચીં... નીકળે છે. ચકલાનું ઍલાર્મ કોઈ સાંભળતું નથી અને જંગલની દુનિયાનું રુટિન ખોરવાઈ જાય છે! (પોતાને બહુ ગ્રેટ માનતા ચકલાઓ માત્ર ગુજરાતી ભાષાના બાળસાહિત્યમાં જ નથી હોતા, પુખ્ત સાહિત્યમાં પણ હોય છે.)

નવલકથા લેખન વિશેના એક ખાસ લેખમાં નવલકથાકાર બનવા માંગતા લેખક વિશે કંઈક આવી વાત છે: વર્ષો પહેલાં એક નવોદિત લેખક મળવા આવ્યો હતો. એ નવલકથાકાર બનવા માંગતો હતો. મેં પૂછ્યું કે તેં કઈ કઈ નવલકથાઓ વાંચી છે? એણે કહ્યું કે મને વાંચવા કરતાં લખવાનો શોખ છે! ચક્કર આવી જાય એવો જવાબ હતો. ગુજરાતી ભાષાની ભારતીય ભાષાઓની અને વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓ વાંચ્યા વિના લેખક બનવા નીકળી પડનારાઓ સૂંઠના ગાંગડાય વિના ગાંધી થઈ જવા માગે છે. ઉત્તમ નવલકથાઓ વાંચ્યા પછી તમે પોતે એ કક્ષાનું સાહિત્ય સર્જી શકશો એવી કોઈ ગૅરન્ટી નથી. પણ વાંચ્યું હશે તો મનમાં એક માપદંડ ઊભો થશે અને 1થી 100ના આંક પર તમારી પોતાની કૃતિ કયા માર્ક સુધી પહોંચે છે તેની તમને ખબર પડશે, સુધરવાની તક મળશે.

પતિ દેશપાંડે અને પત્ની ઉપદેશપાંડે એ શીર્ષકના લેખમાં વિખ્યાત મરાઠી હાસ્ય લેખક પુ.લ.દેશપાંડે વિશે એમની પત્નીએ લખેલાં સંસ્મરણોનો સરસ ચિતાર આપ્યો છે. અન્ય એક લેખમાં મનોજ ખંડેરિયાના કાવ્ય 'આ સીધી વાટ છોડીને, ચાલ્યા જવાનો સાવ'નો વિસ્તારપૂર્વક રસાસ્વાદ કરાવ્યો છે.

'નારીવાદી લેખિકાઓ પુરુષની માન્યતા મેળવવા તડપે છે' એવા એક લેખમાં પોતાની અવગણના થતી હોવાનો ગુજરાતી લેખિકાઓને જે વાંધો પડ્યો છે એના વિશે સરસ રજૂઆત થઈ છે. લેખક લખે છે: વર્ષા અડાલજાને બાદ કરો તો કઈ લેખિકાએ કેટલું પ્રદાન કર્યું ગુજરાતી સાહિત્યમાં? ચાર કવિતાઓ લખવાથી કે ઉમાશંકર જોશીએ ખભા પર ટપલી મારી હોવાથી તમે કવયિત્રી થઈ જાઓ ખરાં? દીર્ઘ ઉપાસના, પાકું હોમવર્ક, હન્ડ્રેડ પર્સેન્ટ ડેડિકેશન અને અબોવ ઑલ ટેલન્ટ, ક્રિયેટિવિટી તથા ઓરિજિનાલિટી - આ બધું જ સાહિત્યસર્જનમાં જોઈએ. અને એ પછીય તમને ભોજિયોભાઈ પણ ગુજરાતીમાં ન ઓળખે એવુંય બને. 

આ લેખનો સૂર એવો છે કે કોઈ માનનીય વિવેચક સાહિત્યની વાત કરતી વખતે લેખિકાને યાદ ન કરે તેનાથી તમે હાંસિયામાં ધકેલાઈ જાઓ છો? રૅકગ્નિશન માટે આવા વલખાં શોભે નહીં.આ લેખમાં આગળ સૌરભભાઈ વિનોદિની નીલકંઠ (રમણભાઈ નીલકંઠના પુત્રી) અને સરોજ પાઠકને ઓવરરેટેડ લેખિકાઓ ગણાવતાં કહે છે: વિનોદિનીબહેનનાં માતાપિતા રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ તથા દાદા મહિપતરામ રૂપરામ નીલકંઠ ખૂબ જ આગળ પડતા તથા જાણીતા અને પ્રભાવશાળી કેળવણીકાર તથા સાહિત્યકાર એટલે મોટા કુટુંબને હિસાબે વિનોદિનીબહેનને પણ અન્ય સાહિત્યકારો ખમ્મા ખમ્મા કરતા થઈ ગયા. સરોજબહેનનું જે કંઈ મર્યાદિત સર્જન છે તેમાંથી કાયમી યાદ રહે એવું જૂજ છે. આમ છતાં લેખન કરતાં વધારે પોતાની લાઈફસ્ટાઈલને કારણે સરોજ પાઠક સાહિત્યમાં વધુ ચર્ચાતાં રહ્યાં.

મનની બાયપાસ સર્જરી અને પ્રિય જિંદગી પુસ્તકોમાં માટલાના ઊંધિયાની મહેફિલ, મુંબઈ છોડીને બીજે ક્યાં રહેવા જઈ શકાય, ગુજરાતી ફિલ્મી ગીતો વિશેની અલભ્ય માહિતી, ચાણક્ય નીતિના અત્યારે લાગુ પડી શકે અને આઉટડેટેડ થઈ ગયા હોય એવા સૂત્રો, ઈન્કમ ટૅક્સ રિટર્ન, સાચી ભૂખની વ્યાખ્યા, ફોન પર વાત કરવાની મૅનર્સ, જનરલ નૉલેજ અને જનરલ ઈન્ફર્મેશન વચ્ચેનો ભેદ, જ્યોતિષશાસ્ત્રની નિરર્થકતા, ફાંસીની સજા, ઈચ્છામૃત્યુ સહિતના ઘણાં વૈવિધ્યસભર વિષયો આવરી લેવામાં આવ્યા છે.

સમગ્રપણે જોતાં, ત્રણેય નિબંધસંગ્રહો સૌરભભાઈના સૂક્ષ્મ અવલોકન અને રજૂઆતના ઊંડાણને કારણે એકથી વધારે વખત નિરાંતે વાંચવા ગમે એવાં છે. જતાં જતાં ત્રણેય પુસ્તકોમાંથી કેટલાક વિચારોદ્દીપક ક્વોટેબલ ક્વોટ્સનું આચમન કરીએ:

(1) શહેરો વિના દેશનો ઉદ્ધાર નથી થવાનો અને ગામડાઓ પછાત વર્ગની વસાહતો છે અને તે રાષ્ટ્રના નક્શા પર ફૂટી નીકળેલાં ગૂમડાં છે એવો ખ્યાલ પહેલેથી જ રોપવામાં આવે છે.

(2) સુરેશ દલાલે એક વખત કહ્યું હતું કે હરીન્દ્ર દવેને દરેક વ્યક્તિ અને દરેક ચીજમાં માત્ર સારું જ જોવાની ટેવ, એ તો બૅડમિન્ટનને પણ ગુડમિન્ટન કહીને બોલાવે.

(3) ગાંધીજીની જેમ મોરારજી દેસાઈ પણ પાકા સત્યવાદી. પરંતુ વાજબીપણું અને વાસ્તવિકતાને ઓળખીને સ્વીકારવાની દ્રષ્ટિ - આ બે ગુણ ગાંધીજીમાં વધુ. મોરારજીભાઈમાં આ ગુણો પૂરતા પ્રમાણમાં નહીં જેને કારણે તેઓ જક્કી કે જિદ્દી રાજપુરુષ તરીકે ખોટી રીતે વગોવાયા અને જાહેરજીવનની સફળતા પણ એમને મોડી તથા અપૂરતી મળી.

(4) ખૂબ જાણીતાં થયેલાં પુસ્તક વિશે ટીકા કરતાં પહેલાં એક સારા વાચક હોવાની પાત્રતા ટીકાકારમાં હોવી જોઈએ. કોઈ સારા દિગ્દર્શકની ફિલ્મ બકવાસ છે એવું બોલતાં પહેલાં ફિલ્મદર્શનની આપણી રુચિ ઘડાયેલી છે કે નહીં એ વિશે વિચારવું પડે. અન્યથા, એ ટીકાનું મૂલ્ય હાથ લૂછીને કચરાના ડબ્બામાં ફેંકી દેવાતા પેપર નૅપ્કિન જેટલું જ રહેવાનું.

(5) કશુંક સ્પર્શે ત્યારે ગમી જાય ને એ ઓસરી જાય ત્યારે કશુંક ખૂટતું હોય એવું ન લાગે ત્યારે જ ઉદાસીનતાનો સૌથી ઊંચો તબક્કો સર્જાય.

(6) વાત માત્ર અસાધ્ય રોગોની નથી. જેને નખમાંય રોગ ન હોય એવી વ્યક્તિને પણ જીવનમાંથી રસ ઊડી જઈ શકે છે. જે નથી કોઈ અંડરવર્લ્ડના ચક્કરમાં ફસાઈ, કે જે નથી કોઈ દેવામાં ડૂબી ગઈ, જે નથી કોઈ સંબંધોથી તૂટી ગઈ એવી વ્યક્તિને પણ વિચાર આવી શકે છે કે હવે મારે પૂર્ણવિરામ લાવી દેવું છે આ આયખાનું.

(7) ખગોળશાસ્ત્રનો ઉપયોગ લોકો પોતાનાં સાંત્વન, મનોરંજન કે ધંધા માટે કરતા થઈ જાય ત્યારે જ્યોતિષશાસ્ત્રનો જન્મ થાય છે.

(8) પહેલાં બચત કર્યા પછી તમામ પૈસા રોકડા આપીને ગાડી ખરીદીને ફેરવો અને પહેલાં ગાડી ફેરવવાનો આનંદ માણી લીધા પછી ત્રણ વરસ સુધી કમરતોડ હપ્તા ભર્યા કરો - આ બે પરિસ્થિતિ વચ્ચે જેટલો તફાવત છે એટલો જ ફરક કામ પછીના આરામ અને કામ પહેલાંના આરામમાં છે.

(9) ભૂતકાળનું કામકાજ જરા વિચિત્ર છે. ઈચ્છવા છતાં એ ભૂલી શકાતો નથી અને ઇચ્છવા છતાં એ પાછો પણ આવી શકતો નથી.

(10) ઈનામો વિશેનું એક સત્ય બદલાવાનું નથી. સાચા સાહિત્યકારને ઈનામો ન મળે તો પણ સાહિત્યકાર ભુલાઈ જતા નથી. ખોટા સાહિત્યકારને અઢળક ઈનામો મળે એ પછી પણ એ કોઈને યાદ રહેતા નથી.

Wednesday, September 3, 2014

બૂક્સ બકેટ ચેલેન્જ: ટૉપ ટૅન ગમતાં પુસ્તકો

આમ તો હોલીવૂડ કે બોલીવૂડના ઍવોર્ડ માટે હું ક્યારેય નૉમિનેટ થવાનો નથી, પણ જે હોલીવૂડનું જન્મસ્થાન છે એ અમેરિકાના નિવાસી Shivani Desaiએ ફેસબુક પર જેનો વાયરલ ફીવર ચાલ્યો છે એ બૂક્સ બકેટ ચેલેન્જ માટે નૉમિનેટ કર્યો એટલે ગમતી 10 બૂક્સનું લિસ્ટ રજૂ કરું છું. નૉમિનેટ કરવાનો વાયરો ક્યાંથી જર્મિનેટ (germinate) થયો અને ક્યાં જઈને ટર્મિનેટ (terminate) થશે એ તો ભગવાન જાણે. 

ઘણાં લોકો એક જ લેખકની ત્રણ ત્રણ કૃતિઓનો ઉલ્લેખ કરીને દસને બદલે દ્વાદશ કે ત્રિદશ જેવું લિસ્ટ આપીને ચિટીંગ કરે છે તો એમની જેમ હું પણ સંખ્યામાં થોડી છૂટછાટ લઈશ. ખરેખર તો 10 બૂક્સના નામ આપવા કરતાં બૂક્સ ખરીદીને વાંચવા માટે પૂરતી ધીરજ, સ્થિરતા અને સમય ફાળવવાની ચેલેન્જ વધારે દુષ્કર લાગે છે.  

Here is my list. આ કોઈ ઈમામના ફતવા જેવું આખરી લિસ્ટ છે નહીં અને એવો દાવો પણ કરતો નથી. ટેસ્ટ કે વન-ડેના રેન્કિંગની જેમ સમયે સમયે ફેરફાર થયા કરતો હોય છે. 

1. બક્ષીનામા (ચંદ્રકાંત બક્ષી)

2. The Insider (P V Narsimha Rao)

3. Tell me your dreams (Sidney Sheldon)

4. મનનાં મેઘધનુષ્ય (Gunvant Shah)

5. Books I have loved (Osho)

6. Peyton Place (Grace Metalious)

7. કાવ્યવૃષ્ટિ: 1,2,3 (સુરેશ દલાલ)

8. એસ.એસ. રાહી, ડૉ.રશીદ મીર, રાજેશ વ્યાસ મિસ્કિન અને રમેશ પુરોહિતે સંપાદન કરેલી કવિતાની લગભગ બધી જ કિતાબો

9. પ્રતિનાયક (દિનકર જોષી) 

10. ચિંતનાત્મકમાં કાંતિ ભટ્ટની ચેતના સિરીઝ અને નગીનદાસ સંઘવીની 'આગિયાનો ઉજાસ' અને 'અત્તરના દીવા' (બાકી તો મોટિવેશનલના નામે મોટા મોટા વેશ કાઢતી અને બહારથી ગ્લોસી પણ અંદરથી ફોશી એવી કિતાબો ક્યારેય ફંફોસી નથી.)