આ બ્લૉગ નિયમિત વાંચતા હશો તો 14 સપ્ટેમ્બર 2014નાં રોજ સૌરભ શાહના નિબંધ સંગ્રહો વિશે એક પોસ્ટ લખી હતી એમાં જયેન્દ્ર ત્રિવેદીના સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ નિસર્ગલીલા અનંતની એમણે કરેલી પ્રશંસાનો ઉલ્લેખ હતો અને એ મંગાવવા માટેની લિંક આપી હતી એ યાદ હશે. એકાદ મહિના પહેલાં મંગાવેલો આ સંગ્રહ આજે સવારે વહેલા જાગીને વાંચ્યો અને બપોર સુધીમાં પૂરો કર્યો. સૌપ્રથમ તો આવા અદભુત પુસ્તકનો રેફરન્સ આપવા બદલ સૌરભ શાહનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.
ભાવનગરમાં આંબાવાડી વિસ્તારમાં પંદરસો વારના જમીનના ટુકડા પર આવેલા લેખકના મકાનનું નામ 'નિસર્ગ' છે અને નિસર્ગલીલા અનંત એટલે આ નૈસર્ગિક આવાસના આસપાસના વાતાવરણ સાથેના ચૈતસિક સંબંધની અનુભૂતિ કરાવતું અને વાચનના દરેક રસિકે અચૂકપણે વાંચવા જેવું પુસ્તક. નેવુંના દાયકામાં નવનીત સમર્પણમાં આ લેખશ્રેણી પ્રકાશિત થઈ હતી.
નિસર્ગલીલા અનંતમાં શું છે? અહીં ખિસકોલી બહેન સાથે કોબ્રાલાલનું સહઅસ્તિત્વ છે, પર્ણો અને વૃક્ષ વચ્ચેનો સંવાદ છે, ચુસ્ત નાઝી સૈનિક સાથે સરખાવવામાં આવેલા મંકોડા છે, વીંછી કરડ્યાની વેદનાનું રોચક વર્ણન છે, કીડીઓ પર એક મસ્ત વિસ્તારપૂર્વકનું પ્રકરણ છે, વનસ્પતિઓ-ઔષધિઓના ઉલ્લેખો છે, પર્ણોનું અધ્યયન કરવા માટેના દુર્લભ પુસ્તકનો રેફરન્સ છે, નવનીત સમર્પણમાં કીડી વિશે લેખ લખવાથી પોતાની સિનિયોરીટી જોખમાતાં ગુસ્સે ભરાયેલાં મંકોડાએ લેખકને ચટકો ભરીને ટીપું લોહી કાઢ્યું એનો હળવી શૈલીમાં લખાયેલો મસ્ત લેખ છે, વિવિધ પક્ષીઓના ગાન પરનો એક લેખ છે, બે-ચાર ઢેલને લઈને નિસર્ગમાં ચણવાં આવી જતાં મયૂર મહારાજ છે, ગાય અને બુલબુલના આઈ.ક્યુ.ની સરખામણી કરતો રમૂજી પ્રસંગ છે, સરગવા પર રહીને શુદ્ધ શાકાહારી વૈષ્ણવજન લાગતી ખિસકોલી છે તો ફૂદાંઓને ચાંઉ કરી જઈને જુગુપ્સા જન્માવતી ગરોળી પણ છે.
દરેક પ્રકરણમાં લેખની વચ્ચે વચ્ચે વિવિધ કવિઓની ભાવોચિત પંક્તિઓ વાચનને વધુ રસપ્રદ બનાવે છે. જેમ કે, લાભશંકર રાવળ, આદિલ મન્સૂરી, સુમિત્રાનંદન પંત, સૂરદાસ, પ્રહલાદ પારેખ, આધુનિક હિન્દી કવિ દેવ, નરસિંહ મહેતા, નીનુ મજુમદાર, માખનલાલ ચતુર્વેદી, મકરન્દ દવે, દેવજી મોઢા, હરિવંશરાય બચ્ચન. તો હિન્દીના પ્રયોગશીલ વાર્તાકાર જૈનેન્દ્રકુમારની 'તત્સત' વાર્તા મરવીન સ્કીપરની મીટિંગ પૂલની યાદ અપાવે છે જેના વિશે જય વસાવડાએ એક અલાયદો લેખ લખ્યા બાદ તરત લોકમિલાપ પ્રકાશને "તળાવડીને આરે" નામે એનો સંક્ષિપ્ત ભાવાનુવાદ પ્રગટ કર્યો હતો.
હંમેશની આદત મુજબ પુસ્તકમાંથી ગમેલાં લખાણનો શક્ય એટલો ટૂંકમાં આસ્વાદ કરાવીને રજા લઈશ:
(1) વીંછી કરડવાની વેદના:
મને નાનપણમાં બે વાર વીંછી કરડ્યા છે. કાળી વેદના થાય. પિતાજીની દવા તરત રાહત આપે. વારતહેવારે આંગણામાં રાસડા લેવાય તેમાં 'હંબો હંબો વિછુડો'નું લોકગીત જામે. 'લાકડાં વીણવા ગઈ'તી ને વિંછુડે ચટકાવી, હંબો હંબો વિંછુડો.' પછી વીંછીનું ઝેર ઊતરે જ નહીં. સસરો આવે, જેઠ આવે, દિયર આવે પણ ઝેર ન ઊતરે અને 'પરણ્યો' આવે કે પટ દઈને ઊતરી જાય! જાતીય સભાનપણું એ વયે વિકસેલું નહીં એટલે વિંછુડો એ શેનું પ્રતીક છે એની ગતાગમ પણ ન પડે. પણ ઢાળ યાદ રહી જાય અને વીંછી કરડ્યાની વેદના સ્વાનુભવની એટલે પીડાની વાત સમજાય પણ આ પીડા 'પરણ્યા'ના આવવાથી શમે તે સમજાય નહીં. મને તો બાપુજીના મલમથી જ પીડા શમી જતી! આમ નિસર્ગ સાથે જ બાળપણ વીત્યું, કૌમાર્ય વીત્યું અને યૌવન જામ્યું અને સાહિત્યશોખ વિકસ્યો અને 16, રેલવે દવાઘર, ભાવનગર પરાથી રવાના થયેલા લેખો, વાર્તા વગેરે 'ફૂલછાબ' કે 'જીવનપ્રકાશ' કે એવાં સામયિકોમાં છપાવા માંડ્યાં એટલે છપાવવાનો વિંછુડો કરડ્યો જેની પીડા આજ સુધી ભોગવું છું. (પાન નં. 14)
(2) સુરેશ જોષી વિશે:
સુરેશ જોષી વારંવાર કહેતા કે જેમ ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય તેમ કવિતા મરવાની થાય ત્યારે પાઠ્યપુસ્તકમાં પસંદગી પામે! સુરેશ જોષી મારી માનીતી વ્યક્તિ હતા. તેમને પણ 'નિસર્ગ' પ્રિય હતું. નિસર્ગમાં બેઠાં બેઠાં મેં તેમની સાથે ખૂબ ગોષ્ઠીઓ, ક્યારેક તો ખૂબ અંગત ગણાય તેવી ગોષ્ઠીઓ - તેમના ગમા-અણગમાની તેજ ધારને સ્પર્શતી ગોષ્ઠીઓ કરી છે. પણ પ્રભુ તેમના આત્માને શાંતિ આપે, કવિતા વિષેનું તેમનું વિધાન તેમના ઘણાં આત્યંતિક વિધાનો જેવું જ લાગ્યું છે. મારો તો અનુભવ છે કે કવિતા વર્ગમાં ભણાવાય ત્યારે તે પાઠ્યપુસ્તકમાંથી બહાર નીકળી વર્ગને ખરેખર સ્વર્ગ બનાવે છે. એમાંય જ્યારે કવિએ જે ક્ષણે કવિતા લખી હોય તે ક્ષણ સાથે અધ્યાપકની વેવ-લેન્થ જોડાઈ જાય ત્યારે તો જનાન્તિકે જનાન્તિકે રહેતું નથી અને વિદ્યાર્થી અને અધ્યાપક કોઈ અન્ય લોકમાં ખોવાઈ જાય છે. (પાન નં. 16)
નોંધ: સુરેશ જોષીની કવિતા વિશેની વાતથી બક્ષીબાબુની પેલી વાત યાદ આવી કે ખરાબ, વાસી, સડેલું લખાણ ગુજરાતી સાહિત્યના ઈનામોને લાયક થઈ જાય છે?
(3) શિક્ષણપદ્ધત્તિ વિશે:
જડ લાકડા પર બેઠેલ ચેતનવંતા બાળકોના દિમાગને જડ શિક્ષણપદ્ધત્તિથી ભણાવતાં ભણાવતાં ઉજ્જડ બનાવી દેતા ભારતીય પગારખાઉ શિક્ષકોને માની છાતીએ દૂધ ચડે તેમ ભણાવવાનું પોરસ ચડે એવી પરિસ્થિતિ પેદા શું શું કરવું જોઈએ! વાલી-વિદ્યાર્થી-શિક્ષકનો ત્રિકોણ સમત્રિબાહુ બને તો શિક્ષણના ઘણા પ્રશ્નો ઉકલે. કોઈ અંગ્રેજ શિક્ષકોએ 'Kid stuff' - a rock opera' નામે રચેલી કવિતાની પંક્તિઓ વાંચો:
"we are locked into desks in a dull routine,
we learn to function as a spoon-fed machine!
we are all neatly numbered, and we are put into a mould,
knowledge is product that is packaged and sold
school is such a bore and they are building more!"
(4) ઈશુ ખ્રિસ્ત અને મહાવીર:
કહે છે કે ઈશુ ખ્રિસ્તનો બાપદાદાનો ધંધો સુતારનો હતો તે એક સુતારે બનાવેલ ક્રોસ પોતે જ ઉપાડવો પડ્યો અને સુતારના ભાઈબંધ લુહારે બનાવેલા ખીલા ખાવા પડ્યા. ભગવાન મહાવીરે કાનમાં ખીલા ખાધેલા અને ઈશુએ હથેળીમાં! (પાન: 26)
(5) બ્યુટી પાર્લર:
હૉટેલ-રેસ્ટોરાંની જેમ જ ગલીએ ગલીએ શહેરોમાં બ્યુટી-પાર્લરો ખૂલવા માંડ્યા છે. બ્યુટીની પરિભાષા હંમેશા પરિવર્તનશીલ રહી છે. મારા એક પરિચિતની પુત્રીના લગ્નમાં હું ગયેલો. 'કન્યા પધરાવો સાવધાન'ની બૂમો પડવા છતાં કન્યાકુમારી મંડપમાં ન પધાર્યાં ત્યારે સ્વજનોને ઘડીભર ચિંતા થઈ ગઈ. કોઈના પ્રેમમાં પડીને કન્યાએ હિન્દી ફિલ્મની નાયિકાનું અનુકરણ તો નહીં કર્યું હોય ને એવી ચિંતા પણ વરપક્ષના લોકો કરવા માંડ્યા; પણ પછી ઘટસ્ફોટ થયો કે બ્યુટી-પાર્લરમાં ક્યૂ હતી એટલે વારો મોડો આવ્યો છે અને હવે થોડી વારમાં જ કન્યાની પધરામણી થશે. હવેથી કંકોત્રીઓમાં મંડપમુહૂર્ત, ગ્રહશાંતિ, હસ્તમેળાપ વગેરેના સમય લખ્યા હોય છે, તેમ બ્યુટી-પાર્લરમાં જવાનું મુહૂર્ત પણ લખાવું જોઈએ; જેથી મોડુંવહેલું થાય તો વડીલોનું બ્લડ-પ્રેશર વધી ન જાય અને સાજનમાજનને શરબતનો એક ગ્લાસ વધુ પીવા મળે. (પાન:30)
(6) વૃક્ષના પાંદડાં:
આપણી આસપાસનું વનસ્પતિ જગત પાંદડાંઓથી ભરેલું છે. માણસને ફળ-ફૂલમાં જેટલો રસ છે તેટલો દુર્ભાગ્યે પાંદડાંમાં નથી. વૃક્ષ પર પાંદડાં પણ શોભતાં હોય છે. એના રંગ, રૂપ, આકારમાં અજબગજબની વિવિધતા છે. માણસ કરતાંયે પશુજગતનો તો મુખ્ય આહાર જ પાંદડાં છે. કમળનું ફૂલ સુંદર છે પણ એનું પાન ઓછું સુંદર નથી. એક વાર સ્વ. રાષ્ટ્રકવિ મૈથિલિશરણ ગુપ્તને કોઈએ પૂછ્યું, કે 'આપની લાખો પંક્તિઓમાં સ્મરણીય તો માત્ર સેંકડો જ છે. આવું કેમ?' તેમણે લાક્ષણિક જવાબ આપેલો કે, 'વૃક્ષ પર પાન વધુ હોય છે અને ફળફૂલ ઓછાં પણ ફળફૂલ માટે પાન પણ જરૂરી છે.' (પાન: 38)
(7) લોહીનું દબાણ:
લોકો ભલે સહાનુભૂતિપૂર્વક જ્યારે એવો પ્રશ્ન કરે છે કે લોહીનું દબાણ ઊંચું રહે છે કે નીચું ત્યારે મને કોણ જાણે કેમ અપમાન જેવું લાગે છે. જવાબ ફટકારવાનું મન થાય છે કે 'ભાઈ મારા, જિન્દગીમાં કોઈ વાત નીચી રાખી નથી તે હવે લોહીનું દબાણ નીચું રાખું?' આમ તો ઘણી વાતમાં લૉ પ્રોફાઈલ રાખવી ગમે છે પણ લોહીના દબાણમાં તો બસ 'હાઈ' જ જોઈએ. હાઈ, હાયર અને સ્ટીલ હાયરનો મુદ્રાલેખ જો કે હું લોહીના દબાણ બાબત રાખતો નથી. માત્ર 'હાઈ'થી સંતોષ માનું છું. જેમ 'બૉમ્બે હાઈ' શબ્દથી આપણે પરિચિત છીએ, 'બૉમ્બે હાયર' કે 'બૉમ્બે હાયેસ્ટ' શબ્દો પ્રચલિત થયા નથી. તો જો મુંબઈ જેવું મુંબઈ માત્ર 'હાઈ'થી સંતુષ્ટ હોય તો મારી જેવા નગણ્યને 'હાયર' તરફ જવાનું કેમ પાલવે? (પાન: 42)
(8) રજત, સુવર્ણ અને હીરક જયંતિઓ:
માણસ સોના-ચાંદી, જર-ઝવેરાતનો કેવો ગુલામ છે! સંસ્થા પચીસ વર્ષે રજતજયંતી ઊજવે, પચાસ વર્ષે સુવર્ણ જયંતી, સાઠ વર્ષે હીરક મહોત્સવ અને પંચોતેર વર્ષે પ્લેટિનમ. માણસને પંચોતેર વર્ષ થાય ત્યારે વળી 'અમૃત મહોત્સવ' ઉજવાય. મૃત્યુની નજીક પહોંચવાનું આવે ત્યારે જ 'અમૃત' મહોત્સવ ઉજવાય ને? રજત-સુવર્ણ, હીરા-પ્લેટિનમ એવાં માપિયાને બદલી ન શકાય? (પાન:47)
(9) પંખીઓ, ટાગોર અને ગાંધી:
ટાગોરે જ્યારે લખ્યું કે આ વહેલી સવારે ગીતો ગાતાં ગાતાં ઊડતાં પંખીઓ નક્કી પ્રેમનું જ ગીત ગાતાં હોવા જોઈએ. ત્યારે હળવેકથી ગાંધીએ ટકોર કરી કે વીતેલા દિવસે સારી ચણ મળી હોય અને પેટ ભર્યા પછીની નિંદર માણી હોય તો એ ગીત પ્રેમનું હોય; નહીં તો કદાચ એ ભૂખની ચીસ પણ હોઈ શકે. 'હરિજન'માં ગાંધીની ટકોર વાંચીને 'મૉર્ડન રિવ્યૂ'માં ટાગોરે વાત કબૂલ રાખી પણ ઉમેર્યું કે પંખીને પોતાની ચણ શોધી લેવાની શક્તિ કુદરતે આપી છે, માણસે પોતે જ માણસ ભૂખ્યો રહે એવી સમાજવ્યવસ્થા ગોઠવી છે. બન્ને મહાનુભાવો પોતપોતાની રીતે સાવ સાચા હતા. (પાન:51)
(10) મયૂર મહારાજ અને કેકારવનો સૂર:
આંબાવાડી વિસ્તારમાં મોરની વસ્તી સારા પ્રમાણમાં છે એટલે ચિન્મયકુમારને તો મજા આવી ગઈ. ગમે ત્યારે આ મયૂર પરિવાર પાણી પીવા કે કૂણા કૂણા અંકુર ખાવા કે શિંગના દાણા નાખીએ તો લહેરથી ચણવા આવી જાય છે. એમને ચણતાં જોઈને ચિન્મયની આંખોમાં જે ચમક આવે છે એ ચમક સદાશિવ અમરાપુરકરની આંખો સિવાય મેં ક્યાંય જોઈ નથી. તે પોતાની અભિનયકલાનો પચાસ ટકા અંશ તો પોતાની આંખોની ચમક દ્વારા જ દેખાડે છે. આ મોર પરિવાર ક્યારેક અર્ધી રાતે ટેંહુક ટેંહુક કરવા માંડે છે. કવિ જ્યારે કહે છે કે, 'મેં તો મધરાતે સાંભળ્યો'તો મોર.' ત્યારે એ સત્ય જ કહે છે. ક્યારેક મધરાતે કોઈ મોરની ઊંઘ ઊડી જાય તો એના કેકારવનો સૂર વિલંબિતને બદલે સીધો દ્રૂતમાં રજૂ કરી દે. ક્યારેક અનિદ્રાનો શિકાર બનતાં આ મયૂર-મયૂરીને ઊંઘવા માટે વેલિયમ ફાઈવની ટીકડીઓ ચણવા કોણ આપે? (પાન: 57)
(11) શકુંતલાના વિરોધાભાસી મનોભાવો:
જોતજોતામાં ખોળો ખૂંદનારી બાલિકા કેવી સૂક્ષ્મ રીતે કોઈના ઘરની વધૂ બનવાયોગ્ય બની ગઈ! શરીર વિકસતું તો નરી આંખે જોઈ શકાય છે પણ મનને વિકસતું કોણ જોઈ શકે છે? અચાનક વહાલસોઈ દીકરી કહી ઊઠે કે, 'મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ!' ત્યારે જ મા-બાપને ખ્યાલ આવે છે કે આ કળી તો વિકસી ગઈ! એક બાજુ 'મેરે તો ગિરધર ગોપાલ' અને બીજી બાજુ 'બાબુલ મોરા, નૈહર ન છૂટ્યો જાય!' આ બે અતિ તીવ્ર ભાવોનું તુમુલ યુદ્ધ પ્રત્યેક શકુંતલાને કણ્વનો આશ્રમ છોડતી વેળા થતું હોય છે! (પાન: 68)
(12) ઉનાળાનો સૂરજ અને નદીની સાડી:
દાદીમા મને સમજાવતાં કે સૂરજ બે છે. શિયાળાનો સૂરજ નરમ અને ભલો હોય છે. ઉનાળાનો સૂરજ જાલીમ અને ક્રૂર હોય છે. ઉનાળાનો સૂરજ રોજ રોજ નદીની સાડી ખેંચવા લાગે છે અને સાડી સાવ ખેંચાઈ જાય ત્યારે નદી બિચારી શરમની મારી જમીનમાં સંતાઈ જાય છે. (સીતામાતાઓને ધરતીનો જ આશ્રય માંગતાં રહેવો પડશે શું? સૌરાષ્ટ્ર-કચ્છની નદીઓની લાજ ઢાંકવા એની મોટેરી નર્મદા જેવી બહેનો નહીં આવે શું?) (પાન: 71)
(13) ખરીદીનો ઉત્સાહ અને પાકીટનો અંકુશ:
નિસર્ગવાસીઓની એક નબળાઈ છે. બજારમાં નીકળે ત્યારે વેચાતી બધી વસ્તુઓ ખરીદવાનો અદમ્ય ઉત્સાહ તેમને ઘેરી વળે છે. તેમના મનમાં એ વખતે એવો કરુણાભાવ જાગે છે કે જો આપણે ખરીદી નહીં કરીએ તો બજારનું શું થશે? દુકાન માંડીને બેઠેલા વેપારીઓનું ભરણપોષણ કેવી રીતે થશે? સદભાગ્યે અમારા ઉત્સાહ પર ખિસ્સાના પાકીટનો કે હાથના પર્સનો અંકુશ હોય છે તેમ છતાં જે કાંઈ હોય તે વાપરી નાખવાની અલૌકિક પ્રેરણાને વશ થઈ જવાનું અમારા માટે સુલભ છે. (પાન:73)
(14) જીવનનું સત્ય અને વ્યાકરણનું સત્ય:
'ટુ હેવ' ને દુનિયા 'ટુ બી' કરતાં વધુ અગત્યનું ક્રિયાપદ સમજે છે તેવો ખ્યાલ પણ અમને આપવામાં આવ્યો ન હતો અને કાંઈ પણ કર્યા વગર માત્ર મૂડીના જોરે વધુ ને વધુ મૂડી ખેંચી લાવીને 'હેવ'ને 'હેવ મોર'માં ફેરવી નાખવાની રમત રમનારા આ દુનિયામાં હુશિયાર ગણાય છે તેનું જ્ઞાન પણ અમને બહુ મોડું થયું. એમાંય 'કાળ' બદલોના પાઠ આવતા ત્યારે અમને ખરેખર કાળ ચડતો. હાઈસ્કૂલના એક શિક્ષકે જ્યારે વર્ગમાં પૂછ્યું કે 'હું જુવાન છું' વાક્યમાં કયો કાળ વપરાયો છે ત્યારે એક વિદ્યાર્થીએ જવાબ આપેલો કે, 'સર, તે ભૂતકાળનું વાક્ય છે.' ત્યારે વૃદ્ધ સરે તેનો જવાબ ખોટો આપેલો. ત્યારથી અમને ખ્યાલ આવી ગયેલો કે જીવનનું સત્ય એ વ્યાકરણનું સત્ય નથી. (પાન:74)