ષટકર્મ એટલે શું?
ષટ એટલે છ; ષટક એટલે છનો સમૂહ કે જેને આપણે છકડું કે છકડી કહીએ. આપણી સંસ્કૃતિમાં છનો સમૂહ ત્યાં જોવામાં આવે છે; ષટકર્મ એટલે છ પ્રકારનાં કર્મ; બ્રાહ્મણે ષટકર્મ કરવા જોઈએ એટલે એનો અર્થ એ થયો કે અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યજન અને યાજન; તાંત્રિકના ષટકર્મ એટલે મરણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન અને વિધ્વંસન; યોગીના ષટકર્મ એટલે ધૌતિ, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક અને કપાલભાતી.
વેદાંતના અધિકારીમાં હોવા જોઈતા છ ગુણ: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન.
ષડગ એટલે વેદના છ અંગ: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ.
ષડઋતુ એટલે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર
રાજનીતિના ષડગુણ એટલે સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ અને સમાશ્રય
ઈશ્વરના છ ગુણ એટલે ધર્મ, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય
ષડદર્શન એટલે વૈદિક તત્ત્વજ્ઞાનમાં છ દર્શનો જેવાં કે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત
શરીરના છ વિકારને ષડભાવ કહેવામાં આવે છે. આ છ વિકાર એટલે જન્મવું, હોવું, વધવું, વિપરિણામ પામવું, અપક્ષય અને નાશ
ષડરસ એટલે છ રસ: મીઠો, ખારો, ખાટો, તીખો, કડવો અને તૂરો
સંગીતમાં પણ ષટરાગ કહેવાય છે; આ છ રાગ એટલે ભૈરવ, માલકૌંસ, હીંડોળ, શ્રી રાગ, કેદાર અને મલ્હાર. પણ ષટરાગ પરથી આપણે ખટરાગ શબ્દ બનાવ્યો છે એનો અર્થ કજિયો કે કંકાસ કર્યો છે; આવો અર્થ શા માટે થયો એ એક પ્રશ્ન છે.
ષડરિપુ એટલે મનુષ્યનાં છ છૂપા દુશ્મનો: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર
(વજુ કોટકના પુસ્તક 'ચંદરવો'માંથી, પૃ.224)
No comments:
Post a Comment