જળ કર્યાં જુદાં બધાએ ને અલગ કાંઠા કર્યા
ધોધથી છુટ્ટા પડી ખાબોચિયાં નાનાં કર્યાં.
રાજમાર્ગે ચાલનારા છે તરત ભૂલી ગયા,
ને અહમને કારણે ફંટાઈ જઈ ફાંટા કર્યા.
એ જ સુખ ને એ જ દુ:ખ ને એ જ તડકો-છાંયડો,
આંસુઓએ આમ બાવળના સદા આંબા કર્યા.
શ્વાસ-આવરદા દિશા-મંઝિલ બધું નિશ્ચિત છતાં,
મન મુજબ રસ્તા બધા ટૂંકા કર્યા લાંબા કર્યા.
પેટ ભરવું કે સુખી થાવું હતું અઘરું જ ક્યાં,
માત્ર સ્પર્ધામાં સરળ સીધાં જીવન વાંકાં કર્યાં.
અંત ના આવ્યો કદી મિસ્કીન દુ:ખનો એટલે,
આપણે પણ, કૈં પ્રહારો, જોઈ તક સામા કર્યા.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
No comments:
Post a Comment