Tuesday, November 10, 2015

ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું? (વિનોદ જોશી)

"ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.


સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું....."
                                                            – વિનોદ જોશી

No comments:

Post a Comment