૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ અપેક્ષા કરતાં નબળો રહ્યો. એકાદ ગોલ્ડ મેડલ સહિત કુલ દસેક ચંદ્રકો જીતવાની આશા હતી એને બદલે પાંચ કાંસ્ય ચંદ્રકો અને એક રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.
હૉકી ટીમે સતત બીજી વખત કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો, પણ હૉકી અને બૉક્સિંગ બંનેમાં નિર્ણાયકો, રેફરીઓના ઘણા વિવાદાસ્પદ નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા હોવા બાબતે ભારતના ઘણા સમર્થકોએ X (જૂનું ટ્વિટર) માધ્યમ પર આક્રોશ વ્યક્ત કર્યો. બૉક્સિંગમાં ખાસ કરીને નિશાંત દેવ ક્વાર્ટર ફાઇનલમાં સ્પષ્ટ વિજેતા હોવા છતાં એને પરાજિત જાહેર કરવામાં આવ્યો. હૉકીમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલમાં અમિત રોહિદાસને એના કોઈ વાંક વગર રેડ કાર્ડ બતાવવામાં આવતાં એણે જર્મની સામેની મહત્ત્વની સેમી-ફાઇનલમાં બહાર બેસી રહેવું પડ્યું અને ભારતીય હૉકી ટીમનો લય તૂટ્યો. એ ઉપરાંત પણ પેનલ્ટી કૉર્નર બાબતના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા અને ભારત માટે નડતરરૂપ બન્યા.
જેવેલિન થ્રોમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે ૯૦ મીટરથી ઉપરનો થ્રો કરીને બધાને ચોંકાવી દીધા. નીરજ ચોપડા ૯૦ મીટરના અંતરને આંબી શક્યા નહિ અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. આ ઉપરાંત ઑલિમ્પિક્સ પૂરી થયા પછી જર્મનીમાં લુસાને ખાતે યોજાયેલી ડાયમંંડ લીગમાં પણ નીરજ ચોપરાનો બીજો નંબર આવ્યો. એ લીગમાં અર્શદ નદીમ ગેરહાજર હતા, પણ ઑલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સે ૯૦ મીટર ઉપરનો થ્રો કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો. ખભાની કોઈ ઈજા માટે નીરજે ઑપરેશન કરાવવાનું છે અને આવતી ઑલિમ્પિક્સમાં ૯૦ મીટર ઉપરનો થ્રો નહિ કરી શકે તો સુવર્ણચંદ્રક ભૂલી જવો પડશે.
શૂટિંગમાં ત્રણ મેડલ મળવાની સાથે આ રમતમાં મેડલની બાબતે ભારતનો બાર વર્ષનો દુકાળ સમાપ્ત થયો. મનુ ભાકરે બે કાંસ્ય ચંદ્રક જીતીને એક જ ઑલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું. પરંતુ એ જ મનુ ભાકરે ભારત આવીને કહ્યું કે રમતગમતમાં ભારતના યુવાઓનું કોઈ ભવિષ્ય નથી. આમાં કારકીર્દિ બનાવવાને બદલે બીજું કંઈક કામ કરો. મનુ ભાકરનું નિવેદન હજી ૨૦૨૪માં પણ રમતગમત ક્ષેત્રે ભારતમાં પ્રવર્તતી નિરાશાજનક સ્થિતિનો ઍક્સ-રે આપે છે. ટેબલ ટેનિસમાં ટીમ ઇવન્ટમાં છેક ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ સર્જનાર ભારતીય ટેબલ ટેનિસ ટીમની એક સભ્ય નિશા કામથે ટેબલ ટેનિસમાં પોતાનું અનિશ્ચિત ભાવિ પારખીને રમતને અલવિદા કહી દીધી છે અને હવે એ અમેરિકા જઈને ભણતર પર ધ્યાન આપશે.
મીડિયાએ મનુ ભાકર અને નીરજ ચોપરા વચ્ચેના કથિત અફેરની વાતો ચગાવવા માંડી. આ ખેલાડીઓને એવું પૂછવાનું હોય કે હવે આવતી ઑલિમ્પિક્સ માટે શું યોજના છે, રમતમાં વધુ સુધારાઓ કઈ રીતે કરશો એના બદલે એમનાં અંગત જીવનમાં ડોકિયું કરવાની ચેષ્ટા ઘૃણાસ્પદ લાગે છે. આ બાબતે આચાર્ય પ્રશાંતનો એક યૂટ્યૂબ વિડીયો જોવા જેવો છે. જેમાં તેઓ કહે છે કે ભારતનું વાતાવરણ જ એવું છે કે ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને ભારત પરત આવેલા ખેલાડીનો ઉત્સાહ ઓછો કરી નાખે છે અને પછી એ જ ખેલાડી બીજી ઑલિમ્પિક્સમાં પોતાના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકતો નથી. ખેલાડીઓની પ્રતિષ્ઠાને વટાવવા માંગતા રાજકીય પક્ષો, પોતાની પ્રોડક્ટ્સની જાહેરાત કરાવવા માંગતી કંપનીઓ, ગ્લેમરની દુનિયાના લોકો સાથેની ઊઠબેસ.... આ બધું મેડલ જીતનાર ખેલાડીને એવી રીતે ભરડો લઈ લે છે કે પછી પોતાની રમતથી એનું ધ્યાન ધીરે ધીરે ભટકવા લાગે છે.
કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં બહુ ગંદું રાજકારણ રમાયું. જાપાનની અપરાજેય પ્રથમ ક્રમાંકિત કુસ્તીબાજને હરાવીને એ ફાઇનલમાં પહોંચી હતી અને ફાઇનલમાં એણે જેની સામે રમવાનું હતું એ કુસ્તીબાજને અગાઉ બે વખત હરાવી ચૂકી હતી. એ જોતાં વિનેશનો ગોલ્ડ મેડલ નિશ્ચિત મનાતો હતો. પણ શરીરનું વજન ૧૦૦ ગ્રામ વધારે આવતાં એ ગેરલાયક સાબિત થઈ. આ ૧૦૦ ગ્રામ વજન બાબતે મણ-મણની ચર્ચાઓ થઈ અને વિનેશની તરફેણ અને વિરોધમાં લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા. ખુદ વિનેશની પિતરાઈ બહેનો ગીતા અને બબીતા ફોગાટે ઇન્સ્ટાગ્રામ પર આડકતરી રીતે જે લખ્યું એ વિનેશના વિરોધમાં હતું. વિનેશના ઈરાદાઓ સારા હતા કે નહિ એ ભગવાન જાણે, પણ આ બધામાં ભારતનો એક ગોલ્ડ મેડલ છિનવાઈ ગયો. પુરુષોની કુશ્તીમાં અમન સેહરાવતના એક કાંસ્ય ચંદ્રકથી ભારતે સંતોષ માનવો પડ્યો.
છાશવારે ભારતમાં અલગ-અલગ રમતોનાં ઍસોસિએશનોના વહીવટમાં કંઈ ને કંઈ વિવાદો બહાર આવ્યા જ કરે છે અને છેવટે આખું ઍસોસિએશન વિખેરી નાંખવું પડે એવી નોબત ઊભી થાય છે. હૉકીમાં ઇન્ડિયન હૉકી ફૅડરેશનને વિખેરી નાખવું પડ્યું અને હૉકી ઇન્ડિયા નામની નવી સંસ્થા ઊભી કરાઈ. રૅસલિંગમાં રૅસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયાને બદલે ઍડ હૉક સમિતિએ કુશ્તીનો બધો કારભાર સંભાળ્યો. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઍનસીપીના પ્રફુલ્લ પટેલે ભારતીય ફૂટબૉલનું નખ્ખોદ વાળ્યું. આ બધામાં છેવટે તો પ્રતિભાશાળી ખેલાડીઓને જ ભોગવવાનું આવે છે અને ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાની રહીસહી આશાઓ પર પાણી ફરી વળે છે.