જોધપુર આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે જાતિય દુષ્કર્મના આરોપો અંગે ધરપકડનો ભય જેમના પર ઝળુંબી રહ્યો છે એવા આસારામ બાપુ પર લાગેલી કલમો વિશે એક પત્રકાર ચાર-પાંચ દિવસ અગાઉ એમને પ્રશ્નો પૂછી રહ્યો હતો. આસારામ સાંભળ્યું- ન સાંભળ્યું કરીને આડાઅવળા જવાબો આપતાં રહ્યાં, "ડાયાબિટીસવાળી વ્યક્તિએ સવારે 9થી 11ની વચ્ચે ભોજન લઈ લેવું જોઈએ, રાત્રે 3થી 5માં જે માણસ જાગે છે એના સ્વાસ્થ્યને નુકસાન થાય છે..." વગેરે વગેરે અને પછી ૐ ૐ ના જાપ બોલીને સત્સંગનો સમય થઈ ગયો હોવાનું કહીને પલાયન થઈ ગયાં.
જોધપુર પોલિસે બજાવેલા સમન્સની અવગણના કરીને સત્સંગમાં લીન હોવાનું નાટક કરતાં આસારામની ગમે ત્યારે ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈન્ડિયા ન્યુઝ ચેનલ પર એક રસપ્રદ હેડલાઈન જોવા મળી: आसाराम पूछताछ के लिए बीमार, प्रवचन के लिए तैयार ! કોઈક સમાચારમાં આસારામ માટે Self-styled Godman જેવું નવું વિશેષણ વાંચ્યું. લોકજીભે અને લોકહૈયે પ્રચલિત થતાં લોકગીતનાં મૂળ સર્જકનું જેમ નામ ખબર હોતી નથી અને એ ગીત લોકોનું બની જાય છે એ જ રીતે પત્રકારત્વમાં ઉછાળવામાં આવતાં રસપ્રદ શબ્દોના જન્મદાતાનું નામ ખબર પડતી નથી પરંતુ મીડિયાકર્મીઓમાં આવા વિશેષણો ચલણી સિક્કાની જેમ ફરતાં થઈ જાય છે.
આસારામ : લાજવાને બદલે ગાજતાં સાધુ |
હું 11-12માં ધોરણમાં ભણતો ત્યારે મારી બાલી ઉમર હતી અથવા એમ કહો કે બાલી ઉમર હતી એટલે 11મા, 12મા ધોરણમાં ભણતો હતો. એ વખતે એક મિત્રે આસારામ બાપુના સંતકૃપા ચૂર્ણથી પોતાને થયેલાં લાભોની વાત કરી હતી અને એ જ અરસામાં આસારામના એક પરિચિત ભક્તે ઋષિપ્રસાદ મૅગેઝિન બંધાવી આપ્યું હતું. (મૅગેઝિનમાં ઓશો ટાઈમ્સ સહિતનાં અન્ય પ્રકાશનોમાંથી ઉઠાંતરી કરેલી સામગ્રી પીરસાતી હતી.) એ પછી આસારામ પ્રત્યે એવો કોઈ લગાવ ન રહ્યો. એમના અમદાવાદના આશ્રમ પાસે બે બાળકોના અપમૃત્યુની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ તો લગાવની લગીરે પણ શક્યતા ન રહી. મુગ્ધાવસ્થામાં રસપૂર્વક ઋષિ પ્રસાદ વાંચવાના કમનસીબ સમયગાળાથી માંડીને હવે ખુદ આસારામને પ્રસાદ આપવાનું મન થાય ત્યાં સુધીની બૌદ્ધિક તરક્કી કરી છે.
આજે 31 ઑગસ્ટનાં રોજ ગત વર્ષે 16 ડિસેમ્બરે દિલ્હીમાં થયેલાં અત્યંત ચકચારી અને ઘૃણાસ્પદ નિર્ભયા ગૅન્ગ રેપ કેસના એક સગીર આરોપીને માત્ર ત્રણ વર્ષની કેદની સજા ફરમાવી ત્યારે IBN7માં જિંદગી લાઈવ ટૉક શોની સૌમ્ય, શાલીન અને ગરિમાસભર ઍન્કર ઋચા અનિરુદ્ધે ફેસબુક પર સરસ અવલોકન રજૂ કર્યું કે 72 વર્ષના આસારામ ધરપકડને ટાળી રહ્યા છે જ્યારે 17 વર્ષનો સગીર છોકરો 3 વર્ષની મામૂલી સજા પામે છે. આવું આપણાં ભારતમાં જ થઈ શકે."
આસારામની ધરપકડ ટાળવા માટે જાતજાતનાં બહાના રજૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપનો કોઈ રાષ્ટ્રીય સ્તરનો નેતા આ મુદ્દે ખૂલીને બોલવા માટે તૈયાર નથી એનું આશ્ચર્ય છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈ કહે છે કે બાપુને ન્યુરૉલૉજીકલ સમસ્યા થઈ છે. પત્રકારોના સવાલો ચાતરીને આસારામ જે રીતે જવાબો આપવાને બદલે સ્વાસ્થ્યની ટિપ્સ આપતા હતાં એ જોતાં નારાયણ સાંઈનો દાવો સાચો લાગે છે કે ખરેખર બાપુને ન્યુરૉલૉજીકલ સમસ્યા છે. અત્યારનાં તનાવગ્રસ્ત સંજોગો જોતાં લાગે છે કે સંતકૃપા ચૂર્ણ બનાવનાર આસારામ બાપુ પર પ્રભુની કોઈ કૃપા ઉતરે એમ લાગતું નથી.
આશા રાખીએ કે જોધપુર પોલીસ તેના સામે મજબુત કેસ બનાવે અને જલદીથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ રજુ કરે અને લાંબા સમય માટે તેને જેલમાં મોકલી આપે અને તેના સાધકોને બતાવી આપે કે તે કોઈ આધ્યત્મિક વ્યક્તિ નથી પરંતુ માનસિક બીમાર વ્યક્તિ છે જે બાળકો વિરુદ્ધ આવું હીન કાર્ય કરી શકે છે,
ReplyDelete