Pages

Thursday, September 12, 2013

નાબાલિગ એટલે ગાલિબ સિવાયના શાયરો માટે વપરાતો શબ્દ

અગ્નિએસકા રડવાન્સકા (Agnieszka Radwańska): હાલમાં વિશ્વની ચોથી ક્રમાંકિત પૉલેન્ડની મહિલા ટૅનિસ ખેલાડી. અગ્નિ જેવું દઝાડી શકતું સૌંદર્ય ધરાવતી રડવાન્સકાના લગ્ન થશે ત્યારે ઍડવાન્સમાં કેટલાં લોકો રડશે તેની કલ્પના કરવી રહી.

અંકલેશ્વર: અંકલને ઈશ્વર તરીકે નિહાળવાની દિવ્યદ્રષ્ટિ.

Intellectual : Nowadays a PC with original Intel processor is called "Intel(l)actual".

કબાબ મેં હડ્ડી : ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસના ગવર્નર હોય એવી સ્થિતિ.

કમલા બેનીવાલ: રાજ્યકક્ષાનાં પ્રતિભા પાટીલ.  

કારનામા: કારની આત્મકથા?

કૉપર ટી: તાંબું ભેળવેલું હોય એવી ગર્ભનિરોધક ચા. 

ચિંતા: ઊંઘની ઈમારતને કોરી ખાતી ઊધઈ.

ટૉર્નેડો: પશ્ચિમ આફ્રિકાના કાંઠાઓ પર ઉદભવતો ઝંઝાવાતી સનેડો.  

દિલફેંક: ટ્રાયલ ઍન્ડ ઍરર મેથડથી અલગ અલગ છોકરીઓ સાથે સૅટિંગ કરવા માટે દિલની ફેંકાફેંક કરનાર વ્યક્તિ.

ધાણાદાળ : દાળભાતવાળી ફેમસ દાળની ઉપર ધાણાં ભભરાવવામાં આવે તેને ધાણાદાળ કહે છે.

નાબાલિગ : ગાલિબ સિવાયના શાયરો માટે વપરાતો એક સામાન્ય શબ્દ. 

પરણેતરનો મેળો: તરણેતરનો જેમ મેળો હોય છે એમ પરણેલી સ્ત્રીઓ ભેગી થાય એને પરણેતરનો મેળો કહે છે.

પીડિઍટ્રિશન: બાળકોને થતી પીડા અને ન્યુટ્રિશનની જરૂરિયાતો સમજી શકે તેવા ડૉક્ટર.

ફરિયાદશક્તિ : યાદશક્તિનો એક પેટાપ્રકાર. આ શક્તિ ધરાવતી વ્યક્તિને ફરિયાદો કરવાનું વધારે યાદ રહે છે. 

બનિયાન: બગ્ઝ બની કૉમિક્સના વિખ્યાત સસલાને વિહાર કરવા માટેનું યાન. (અંદરોઅંદર વેર હોય એને અંડરવેર કહેવાય એવી વ્યાખ્યા અક્ષય અંતાણી આપી ચૂક્યા છે એટલે બનિયાન પર પસંદગી ઉતારી છે.)

BMI અને EMI : પરિણીત લોકોને સવિશેષ અસર કરતી પરિસ્થિતિઓ છે. લગ્ન પછી સ્થૂળ થતી સ્ત્રીનો BMI (બૉડી માસ ઈન્ડેક્સ) અને હપ્તા પર લીધેલી વસ્તુઓનું કર્જ ચૂકવતા પતિદેવ માટે EMI (ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટૉલમૅન્ટ્સ) વધી જાય છે.

બ્લૂ બ્લડેડ (Blue blooded): અંગ્રેજીમાં ઊંચા ખાનદાની લોકો માટે બ્લૂ બ્લડેડ શબ્દ છે. ઈલિટ (elite) ક્લાસના ઍરિસ્ટોક્રેટ માણસો. જો કે આ બ્લૂ બ્લડેડ લોકો પણ બ્લૂ ફિલ્મ જોઈને ભૂરા રંગની ઉત્તેજના અનુભવી શકતા હોય એ બનવાજોગ છે.  

મેલોડ્રામા: સ્વચ્છ નહીં પણ મેલો એવો ડ્રામા ધરાવતી ફિલ્મને મેલોડ્રામા કહે છે.

રદિયોગ્રાફી: ઍક્સ-રે લેવાની પ્રક્રિયા રેડિયોગ્રાફી કહેવાય છે. જો કે, નેતાઓ પોતાના ગઈકાલે કરેલા બેજવાબદાર નિવેદનોને આજે રદિયો આપી દે એને રદિયોગ્રાફી કહે છે.

રીડિયા-રમણ: હીર-રાંઝા, રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ અને સોહની-મહિવાલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રેમીઓની જેમ રીડિયા અને રમણ એ બે ભૂલાઈ ગયેલાં પ્રેમપંખીડાની ગુજરાતી જોડી છે. 

રૂપજીવિની: તન વેચીને વેતન કમાતી સ્ત્રીને રૂપજીવિની કહે છે.

રૂપગર્વિતા: રૂપજીવિની કરતાં ઊંચી કૅટેગરીમાં આવે છે. રૂપની સાથે બુદ્ધિનો સંગમ થયો હોય તો તન વેચવાની લાચારીને બદલે મનગમતું વેતન મેળવીને ખુમારીથી જીવવાની સ્થિતિ પ્રાપ્ત કરે છે.

લેખિકા: ચહેરા પર મેક-અપને બદલે કાગળ પર શબ્દો અને વાક્યોનો થપેડો કરવો ગમતો હોય એવી સ્ત્રી.

લૅપટૉપ: કોઈના ખોળાં (lap)માં માથું મૂકીને ટોચ (top) પર પહોંચવું તે.  

વિદ્યાભાસ: વિદ્યાભ્યાસ નહીં પરંતુ વિદ્યાભાસ. વિદ્યા મેળવવા માટે સાચેસાચ કરવામાં આવતો અભ્યાસ નહીં પરંતુ ઉપર ઉપરથી થતો વિદ્યા મેળવ્યાના ઠાલા સંતોષનો આભાસ.

શંખજીરૂ: શંખની અંદર પડેલો જીરૂનો ભૂકો. 

સગીર: ગીરના જંગલમાં એકલી ફરવા ન જઈ શકે એવી વ્યક્તિ.  

સટ્ટાવાળા: પ્રશાસન, ઑથોરિટી, ઍડમિનિસ્ટ્રેશન માટે સત્તાવાળા શબ્દ વપરાય છે. સટ્ટો રમનાર માટે સટ્ટાવાળા શબ્દ છે.

સિબલિંગ (Sibling): મૂળ અંગ્રેજી શબ્દનો અર્થ ભાઈભાંડું થાય છે પરંતુ બંગાળીઓ શિવલિંગનો ઉચ્ચાર સિબલિંગ કરે છે. 

હરિકૅન: આમ તો વાવાઝોડાનો એક પ્રકાર છે પણ હરિ આપણા માટે કંઈક કરી શકે એમ છે એવી શ્રદ્ધા એટલે Hari can. ઓબામાનાં યસ, વી કૅનની જેમ અપનાવવા જેવું એક પ્રેરણાદાયી સૂત્ર.

જતાં જતાં...

પ્રશ્ન: દૂરદર્શનની વર્ષો જૂની નુક્કડ સિરિયલ અચાનક જોવાની ઈચ્છા થાય એને પ્રાકૃત ભાષામાં શું કહે છે ખબર છે?

જવાબ: ઈચ્છામિ નુક્કડમ!

2 comments:

  1. થોડા સમય માં .. અશોક દવે ની જગ્યા એ તમારી કોલમ આવે તો નવાઈ નહિ !!

    ReplyDelete
    Replies
    1. એ લોકો ભલે ને પ્રિન્ટ મીડિયામાં જગ્યા રોકીને બેસે. મને ઑનલાઈન સ્પેસ વધારે માફક આવે છે. ;)

      Delete