Pages

Thursday, September 26, 2013

ધ લંચબૉક્સ વિશેની ઓરીજીનલ જોક્સનું ભાથું

શુક્રવારે મસ્જીદમાં સલત-અલ-જુમાની નમાજની બાંગ પુકારતી જાહેરાત કરવામાં આવે એમ દર શુક્રવારે ફેસબુક પર ફિલ્મ રિવ્યૂની ગુલબાંગ પોકારતાં લોકો ફિલ્મ વિશે આપણને એક એક પાસાંની બારીકાઈ સમજાવવા માટે રિવ્યૂ લઈને હાજર થઈ જાય છે. એક લેખકનાં ગમ્મતભર્યાં સૂચનને સિરિયસલી લઈએ તો ફિલ્મ ઍપ્રિશિએશનનો કોર્સ કર્યો હોય તો જ તમારો રિવ્યૂ રિવ્યૂ ગણાય બાકી એ રિઍક્શનમાં ખપાઈ જાય ! તુમ્હારા રિવ્યૂ રિવ્યૂ ઔર હમારા રિવ્યૂ રિઍક્શન? ફિલ્મ દેખને સે ડર નહીં લગતા સા'બ, રિવ્યૂ પઢને સે લગતાં હૈ ! જેમ સાચી સલાહ આપનારા સલાહકારો ઓછાં હોય છે પરંતુ વણમાંગી સલાહોનો ધોધ વરસાવનારા સલાહબાજો વધારે હોય છે એ જ રીતે ઊંડાણ ભર્યો રિવ્યૂ લખનારા રિવ્યૂઅર ઓછાં હોય છે પરંતુ બીજાને પોતાના ફિલ્મી જ્ઞાનથી આંજી દેવાની ખુજલી ધરાવતા રિવ્યૂખોરો બહુમતીમાં હોય છે. સમાચારો કરતાં સમાચાર પીરસનારી ન્યૂઝ ચૅનલ્સની સંખ્યા વધી ગઈ છે એમ સિનેમાનાં વ્યૂઅર્સ કરતાં રિવ્યૂઅર્સની સંખ્યા વધી જવા પામી છે.

હમણાં ગુજરાતનું નાક કાપે એવી નબળી ફિલ્મ "ધ ગુડ રોડ"ની પસંદગી ઓસ્કારમાં ઍન્ટ્રી માટેની ઑફિશિયલ ભારતીય ફિલ્મ તરીકે થઈ છે. એના કરતાં ઈરફાન ખાનને ચમકાવતી ધ લંચબૉક્સ ઓસ્કારની દોડમાં અનેકગણી લાયક હોવાનું જાણકારોનું કહેવું છે. ટિફિને જેમાં મહત્વનો ભાગ ભજવ્યો હોય એવી અગાઉ એક અદભુત ફિલ્મ "સ્ટૅનલી કા ડબ્બા" જોઈ હતી જે મૂળ બાળમજૂરીની થીમ પર આધારિત હતી. ધ લંચબૉક્સમાંથી સિનેમાનું ભાણું હજી મેં ખાધું નથી, પરંતુ એના વિશે કેટલીક હળવી રમૂજો સૂઝી છે એ અહીં શેર કરું છું: 

  • "ધ લંચબૉક્સ" જોયા વિના ઓસ્કારમાં ભારતની ઑફિશિયલ ઍન્ટ્રી માટે એની તરફેણ કરતાં લોકો પેલા કટ્ટરપંથીઓ જેવા છે જેમણે સલમાન રશદીની નવલકથા "ધ સૅતાનિક વર્સીસ" વાંચ્યા વિના એની નકલો બાળીને બહિષ્કાર કર્યો હતો ! (જો કે, મેં લંચબૉક્સ કે સૅતાનિક વર્સીસ બેમાંથી એકેય કૃતિ હજી માણી નથી!) People supporting Lunchbox for Oscar entry even without watching it are same as people who had boycotted and burnt Salman Rushdie's novel "The Satanic Verses" even without reading it! 

  •  "ધ લંચબૉક્સ"ની ઓસ્કારમાં ભારતની ઑફિશિયલ ઍન્ટ્રી તરીકે પસંદગી ન થઈ હોવાથી અમોને પેટમાં દુખ્યું છે. એના વિરોધમાં આ સાથે આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવે છે. ઈરફાન ખાનને ટિફિન મોકલનારા બહેન પોતાના હાથે રસોઈ કરીને જમાડશે નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.

  • દેશનાં કરોડો લોકોને એક ટંક ખાવાનું પણ નસીબ થતું નથી, ત્યાં લંચબૉક્સ જેવી ફિલ્મ બનાવવી એ એમની ભૂખનું અપમાન લાગતું નથી? મંગળ ગ્રહ પર જવાના મિશન બનાવીને પૈસાં વેડફવા કરતાં પૃથ્વીવાસીઓનું જીવન મંગળ બનાવવું વધારે યોગ્ય છે એ જ રીતે કરોડો રૂપિયા ખર્ચીને લંચબૉક્સ ફિલ્મ બનાવીને સિનેમાઘરોમાં રજૂ કરવી એના કરતાં જેમને એક ટંક ખાવાનું નસીબ થતું નથી એવા ગરીબોને લંચબૉક્સ પહોંચતું કરવું વધારે યોગ્ય ગણાય કે નહીં? 

  • જઠરાગ્નિ જાગે ત્યારે માણસ ખાવા માટે લંચબૉક્સ ખોલે, પરંતુ લંચબૉક્સ જેવી વખણાયેલી ફિલ્મ જોયા પછી ઘણાં સંવેદનશીલ લોકોનાં મનમાં વિચારોનો અગ્નિ પ્રદીપ્ત થાય છે!

No comments:

Post a Comment