Pages

Wednesday, August 20, 2014

ચંદ્રકાંત બક્ષી અને ઉસ્તાદ વિલાયત ખાન : એક તુલના

10, 15, અને 20... ત્રણેય સંખ્યાઓ વચ્ચે કોઈ કનેક્શન શોધી બતાવો એવું કોઈ કહે તો? ઝાઝી માનસિક કસરત કર્યા વિના કહી શકાય કે ત્રણેયમાં ક્રમશ: 5 ઉમેરાય છે અથવા ત્રણેય 5 વડે વિભાજ્ય કે 5ના ગુણાંકમાં છે. આજ આંકડા ઑગસ્ટ મહિનાની ત્રણ તારીખોના હોય ત્યારે એ સિવિલ સર્વિસ કે અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પૂછાતા ગાણીતિક કોયડાઓ કરતાં પણ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. 10મી ઑગસ્ટ એટલે કવિઓના કવિ શ્રી સુરેશ દલાલની પુણ્યતિથિ, 15મી ઑગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિન અને 20મી ઑગસ્ટ એટલે નામચીન અને સદાયે અર્વાચીન રહેવા સર્જાયેલા સર્જક શ્રી ચંદ્રકાંત બક્ષીની જન્મતિથિ. (આવતા વર્ષ સુધીમાં 10, 15 અને 20ની શ્રેણીમાં ખૂટતી સંખ્યા 5, 25 અને 30નું પણ કોઈ કનેક્શન શોધી કાઢીશું.)

નવલકથાકાર હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ સિડની શેલ્ડનની જેમ વાચકોને પાના ફેરવવા માટે વિવશ કરી શકે, પરંતુ વિચારોનો વલોપાત સર્જીને વાચકોને વશ તો બક્ષી જ કરી શકે. વિવશ કરવું અને વશ કરવું એટલો તફાવત બીજા લેખકો અને બક્ષીની કલમ વચ્ચે છે. વિવશ થવામાં લાચારીનો ભાવ ભળેલો છે, વશ થવામાં સ્વયંભૂ ખેંચાણ અનુભવાય છે. 

આજે 20 ઑગસ્ટ 2014નાં રોજ બક્ષીબાબુની 82મી જન્મજયંતિ છે. મારી ઑફિસ કમ અભ્યાસખંડ જેવા ઓરડામાં બારી પાસે ખૂણાનાં એક કાચના કબાટમાં હરોળબંધ ગોઠવાયેલા પુસ્તકો જોઈને બક્ષીબાબુને રોજેરોજ યાદ કરવાનું તો બનતું જ હોય છે પણ એમની જન્મતિથિના આજના સવિશેષ માહાત્મ્યવાળા દિને લખતી વખતે મૂંઝવણ થાય કે બક્ષીબાબુને હવે કેટલી નવતર રીતે નવાજવાના બાકી રહી ગયા છે? કૅમિસ્ટ્રીમાં જોવા મળતાં જલદ કૅમિકલ્સનો ઉપયોગ કરીએ? હાઈડ્રોક્લોરિક ઍસિડ, સલ્ફ્યુરિક ઍસિડ, ઍક્વા રેજીયા (ત્રણ ભાગ નાઈટ્રિક ઍસિડ અને એક ભાગ HCl) જેવા પ્રબળ રસાયણોની ઉપમાઓ એમની કલમને અપાઈ ચૂકી છે. હવે કયા ઍસિડ બાકી રહે છે? ફૉસ્ફોરિક ઍસિડ? ઍસિટિક ઍસિડ? ટાર્ટરિક ઍસિડ? ગગનચુંબી કે ઐતિહાસિક ઈમારતોના નામોનો ઉપયોગ કરીએ? સ્કાયસ્ક્રેપરનો ટૉચનો માળ, ક્યારેય ન કટાતો લોહસ્તંભ કે એવું કંઈક? બારુદ જેવું ગદ્ય સર્જનારા માણસને કયું બિરુદ આપીશું? એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડી કે ગીઝાના પિરામિડ કે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મશાલ સાથે જય વસાવડા એમની સરખામણી કરી ચૂક્યા છે એટલે કંઈક નવી સરખામણી કરવી પડે.

રાસાયણિક પદાર્થો, ગગનચુંબી કે ઐતિહાસિક ઈમારતોને જેવા નિર્જીવ પ્રતીકોને બદલે કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરવાની હોય તો ચંદ્રકાંત બક્ષીનું વ્યક્તિત્વ મને ઘણાંખરાં અંશે વીસમી સદીના મહાન મરહૂમ સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાન સાથે સમાનતા ધરાવતું હોય એવું લાગ્યું છે.  

25મી માર્ચ 2011નાં રોજ બક્ષીબાબુની 5મી પુણ્યતિથિએ એક સ્ટેટસ મૂક્યું હતું:
Remembering Big B of Gujarat on his 5th Death Anniversary. Man who kept several generations of readers glued to his write-ups with his uncanny & sensational style! What makes me immensely happy is that Bakshibabu shares his months of birth & death with the legendary Sitar Maestro Ustad Vilayat Khan. One is writer, the other is musician...but a striking resemblance of artistic ego, arrogance and the killer attitude!


ઑગસ્ટ 28, 1928નાં રોજ જન્મેલા ઉસ્તાદ વિલાયત ખાન સાહેબે સિતારમાં સૌપ્રથમ વખત ગાયકી અંગનો ઉમેરો કરીને સિતારને 'ગાતી' કરી. દાયકાઓ પહેલાની સિતારની રચના અને આજના સિતારની રચનામાં જે તફાવત છે એનો શ્રેય એમને જાય છે. બક્ષીબાબુએ 1957માં વાચકો આશ્ચર્ય સાથે પ્રસન્ન થઈ જાય અને વિવેચકો સુન્ન રહી જાય એવી નવતર ભાષા શૈલી, વાર્તારેખા અને પાત્રો સાથે ગુજરાતી સાહિત્યમાં ધમાકેદાર પ્રવેશ કર્યો અને આગે સે ચલી આતી સાહિત્યિક પરંપરાનું ભંજન કરીને અપરંપાર નામના મેળવી. ખાન સાહેબના મુખ્ય હરીફ પંડિત રવિશંકર એમ બક્ષીબાબુના મુખ્ય સાહિત્યિક હરીફ સુરેશ જોષી. વિદેશમાં સિતારને લોકપ્રિય કરવામાં પંડિત રવિશંકરના પ્રદાનનો ખાન સાહેબ સ્વીકાર કરતાં, પરંતુ શાસ્ત્રીય સંગીતમાં ઈનોવેશનના નામે નવા નવા બિનજરૂરી રાગોના સર્જન કરતાં પંડિતજીની પ્રયોગખોરી સામેના અણગમાથી એમની મશ્કરી કરવાની તક પણ છોડતા નહીં. ગુજરાતી સાહિત્યમાં ઘટનાલોપથી પરિવર્તનનો પવન ફૂંકનારા સુરેશ જોષીની પ્રતિભા માટે બક્ષીજીને આદર હતો, પરંતુ સામાન્ય વાચકને સમજવી મુશ્કેલ પડે એવી એમની દુર્બોધ પ્રોફેસરી શૈલી પર વખતોવખત પ્રહારો કરવાનું ચૂક્યા નહીં. 

ખાન સાહેબે સંગીત નાટક એકેડમી ઍવોર્ડ અને ભારત રત્ન જેવા સન્માનો ઠુકરાવ્યાં. ભારત રત્ન અગાઉ પંડિત રવિશંકરને મળી ચૂક્યો હતો એટલે રવિશંકરની પહેલાં આ સન્માન મળ્યું હોત તો સ્વીકાર્યું હોત એમ તેમણે કહ્યું હતું. સંગીત નાટક એકેડમી ઍવોર્ડ ઠુકરાવતી વખતે ખાન સાહેબે કારણ આપ્યું હતું કે ઍવોર્ડ નક્કી કરનારી જ્યુરીના સભ્યો એટલા સુજ્ઞ અને સજ્જ નથી કે મારા સંગીતનું મૂલ્યાંકન કરી શકે. બક્ષીબાબુએ પેરેલિસિસ નવલકથા માટે ત્રીજા ઈનામનો અડધો ભાગ ઠુકરાવીને ઈનામ વિતરણ કમિટિમાં ઘૂસી જતાં નાલાયક સભ્યો સામે આક્રોશ ઠાલવ્યો હતો. રણજિતરામ સુવર્ણચંદ્રક પણ નકાર્યો હતો.

ઉત્તમ લેખક ઉપરાંત પ્રખર પ્રવચનકાર બક્ષીબાબુ કહેતાં કે ઑડિયન્સમાં એક વ્યક્તિ એવી હોઈ શકે છે જે મારા કરતાં વધારે જાણકાર અને સમજદાર હોય. હું એને ધ્યાનમાં રાખીને પ્રવચન કરું છું. ખાન સાહેબ કહેતાં કે શ્રોતાઓમાં શાસ્ત્રીય સંગીતના એક કે બે ઊંડા મર્મીઓ હાજર હોઈ શકે છે એમને ધ્યાનમાં રાખીને હું સિતાર વગાડું છું. મૂડ-મિજાજ, ઉદ્દંડતા અને જિંદગીની ઘણી ગતિવિધિઓની સામ્યતાની સાથે બંને દિગ્ગજ કલાકારોનાં જન્મ અને મૃત્યુના મહિના પણ સમાન હોય એ કેવો સુખદ યોગાનુયોગ!
કેટલાક કાયદેસર જન્મે છે. કેટલાક જન્મતારીખો સિદ્ધ કરે છે, કેટલાક પર જન્મતિથિઓ થોપી દેવામાં આવે છે. (પરાક્રમ, પૃ. 131)

1 comment:

  1. અત્યંત અભ્યાસપૂર્ણ લેખ.. બન્ને દિગ્ગજ કલાકારો સૌના દિલોદીમાગમાં અમર રહેશે. આભાર.

    ReplyDelete