Monday, October 20, 2014

મનમોજી ઉપ્સ....મોનો-ઈમેજ કાવ્યો

ડૉ. મધુભાઈ કોઠારી લિખિત આધુનિક કવિતાનો ચહેરો પુસ્તક હમણાં વાંચવાનું ચાલે છે. એમાં મોનો ઈમેજ કહેવાતાં અને છંદના બંધનથી મુક્ત પાંચ-છ કડીનાં લઘુકાવ્યો વિશે વાંચવાની મોજ પડી. મોનો ઈમેજ કાવ્યોનું સ્ટ્રક્ચર જોતાં એ બૃહદ હાઈકુ અથવા મિનિ અછાંદસ કાવ્ય જેવું લાગે. ગુજરાતીમાં મધુ કોઠારી, રમેશ આચાર્ય, હસમુખ પટેલ, આનંદ મહેતા, ગિરીન જોષી, ભાનુપ્રસાદ પંડ્યા, મફત ઓઝા, આશિત હૈદરાબાદી વગેરે કવિઓએ મોનો ઈમેજ કાવ્યોના અસરકારક પ્રયોગો કર્યા છે. મોનો ઈમેજ કાવ્યોને સમજવા માટે પુસ્તકમાંથી એક પરિચ્છેદ ઉદ્ધૃત કરું છું:

હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ લાઘવ ઉપર ભાર મૂકાય છે. મોનો-ઈમેજ અછાંદસમાં ઢળાતું હોવાથી કવિ અનિયંત્રિત બની જાય તેવો સંભવ બહુ રહે છે. તેથી સામાન્ય રીતે 5થી 6 કંડિકાઓમાં મોનો-ઈમેજ કાવ્ય રચવાનો ઉપક્રમ હોય છે. હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ ચિત્રાત્મક શબ્દાવલિ હોય છે. જો કે મોનો-ઈમેજમાં માત્ર દ્રશ્ય-કલ્પનો જ નથી હોતાં, શ્રવણ અને ત્વક્ કલ્પનો પણ હોય છે. દા.ત. માછલી, વૃક્ષ, ફૂલ, મૃગજળ, સૂર્ય વગેરે દ્રશ્યકલ્પનો પર મોનો ઈમેજ રચાયાં છે. તો બરફ, થોર, તડકો જેવા ત્વચાને લગતા મોનો ઈમેજ પણ રચાયાં છે.

કવિ આશિત હૈદરાબાદી બંદૂકમાંથી વછૂટતી ગોળીને કઈ રીતે મોનો ઈમેજ કાવ્યમાં વર્ણવે છે એનું ઉદાહરણ:

ગોળી ઊડીને આવે છે
પરીઓની પાંખે
અને
ઊઘડી જાય છે
અજાણ લોકોના દરવાજા!

નાક વિશે ભાનુપ્રસાદ પંડ્યાનું મોનો ઈમેજ કાવ્ય:

વેંઢારી રહ્યા છે 
સૌથી લાંબુ નાક
એટલે શું પૂજાવિધિમાં
સ્થપાયા છે
અગ્રસ્થાને ગણપતિ?

થોડાંક કાવ્યોમાંથી પસાર થયા બાદ વિવિધ કલ્પનોની છબીઓ મારી નજરમાં આવી અને મેં પણ આવા કાવ્યો લખવાનો પ્રયાસ કર્યો. પ્રસ્તુત છે મારી મનમોજી...ઉપ્સ...મોનો ઈમેજ રચનાઓ:

(1)
રંગ ઊડી ગયેલા
ઘૂંટણે ફાટેલાં જીન્સ જેવા
મારા જીવનને
દુનિયા ફૅશનમાં ખપાવી
વાહવાહ કરે છે!

(2)
કસ્ટમમાં ઝડપાયો છે
સોનેરી કાવ્યોનો જથ્થો
તમે જ કહો
કવિને શું સજા કરીએ?

(3)
સવાર સાંજ બબ્બે કલાક 
મૃગજળનો નિયમિત સપ્લાય
આપે છે મને
ઠાલાં વચનોની નગરપાલિકા

(4)
પાણીથી લથબથ સ્પોન્જ જેવા
વાદળને નીચોવી
સ્વર્ગની બારીના કાચ
લૂછતી અપ્સરા
મેં હમણાં જ જોઈ!

(5)
મહેલની દીવાલોના કાનમાં
ઝીલાયેલો ઇતિહાસ
પૂર્વગ્રહોથી મુક્ત થઈ
નવેસરથી લખાવા ઇચ્છે છે
કોઈ સંનિષ્ઠ અભ્યાસુની કલમે

(6)
સમુદ્રના એક કાંઠેથી
મોજાં દોટ મૂકે છે
સામે કાંઠે રેતીમાં આળોટતી
ઉઘાડી યૌવનાની કાયાને અડીને
આબમાંથી શરાબ બનવાની
રેસમાં !

No comments:

Post a Comment